સાંગ્રે દ ક્રિસ્ટો પર્વતો : દક્ષિણ રૉકીઝ પર્વતમાળાનો એક ભાગ. ભૌગોલિક સ્થાન : 37° 30´ ઉ. અ. અને 105° 15´ પ. રે. તે દક્ષિણ-મધ્ય કૉલોરાડોમાં આવેલા પોન્ચા ઘાટથી દક્ષિણ-અગ્નિ દિશા તરફ આશરે 400 કિમી.ની લંબાઈમાં લાસ વેગાસ(મધ્ય-ઉત્તર ન્યૂ મેક્સિકો)ની નૈર્ઋત્યમાં આવેલા નીચા જળવિભાજક સુધી વિસ્તરેલો છે. સામાન્ય રીતે ફ્રન્ટ રેન્જનું વિસ્તરણ ગણાતા આ પર્વતો ક્યુલેબ્રા અને સાંગ્રે દ ક્રિસ્ટો હારમાળાઓમાં વિભાજિત થયેલા છે. તેનાં ઘણાંખરાં હિમાચ્છાદિત શિખરો 4,300 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. તેમાં કિટકાર્સન, ક્રેસ્ટોન અને હમ્બોલ્ટ શિખરોનો સમાવેશ થાય છે. સર્વોચ્ચ શિખર 4,357 મીટર ઊંચું છે, જ્યારે ન્યૂ મેક્સિકોમાં આવેલું શિખર 3,948 મીટરની ઊંચાઈ ધરાવે છે.
સ્પૅનિશ પર્વતખેડુ ઍન્ટૉનિયો વૅલ્વર્ડે ય કોસિયોએ આ પર્વતો પરથી 1719માં સૂર્યકિરણોનો રક્તરંગી પ્રકાશ જોતાં તેને સાંગ્રે દ ક્રિસ્ટો (ઈસુ ખ્રિસ્તનું રક્ત) નામ આપેલું. આ પર્વતોમાંથી પેકોસ અને કૅનેડિયન નદીઓ નીકળે છે. આ પર્વતોના વિસ્તારમાં સાન ઇસાબેલ, રિયો ગ્રાન્ડે, કાર્સન અને સાન્ટા ફે નૅશનલ ફૉરેસ્ટ આવેલાં છે. અહીં કૉલોરાડોના ગ્રેટ સેન્ટ ઢૂવા તથા ન્યૂ મેક્સિકોના પેકોસ ઢૂવા પણ જોવા મળે છે. તે રાષ્ટ્રીય સ્મારકો ગણાય છે. પ્રવાસન અને ખાણકામ અહીંની મૃખ્ય પ્રવૃત્તિઓ છે.
ગિરીશભાઈ પંડ્યા