સાંગેમન આંતરહિમકાલીન કક્ષા (Sangamon Interglacial Stage)

January, 2008

સાંગેમન આંતરહિમકાલીન કક્ષા (Sangamon Interglacial Stage) : ઉત્તર અમેરિકાના સંદર્ભમાં પ્લાયસ્ટોસીન કાલખંડનો તેમજ તેના નિક્ષેપોનો એક મુખ્ય વિભાગ. પ્લાયસ્ટોસીન કાલખંડ એટલે અંદાજે 20 લાખ વર્ષ વ. પૂ.થી 10,000 વર્ષ વ. પૂ. વચ્ચેનો સમયગાળો. આ કક્ષા ઇલિનૉઇયન હિમકાળ પછીનો તથા વિસ્કોન્સિન હિમકાળ પહેલાંનો સમયગાળો આવરી લે છે. આ બંને હિમકાળ દરમિયાન મોટા પાયા પર ખંડીય હિમીભવન થયેલાં અને તેમાં ઠંડી આબોહવાની વિષમ પરિસ્થિતિ પ્રવર્તેલી; જ્યારે તેમની વચ્ચેની આ સાંગેમન કક્ષા દરમિયાન આબોહવાની પરિસ્થિતિના સંજોગો મધ્યમ રહેલા. સાંગેમન નામ યુ.એસ.ના ઇલિનૉય રાજ્યના સાંગેમન પરગણા પરથી અપાયેલું છે.

સાંગેમન કક્ષા દરમિયાન નિર્માણ પામેલા નિક્ષેપો મધ્ય યુ.એસ.ના ઘણાખરા ભાગમાં પથરાયેલી પ્રાચીન જમીનોથી બનેલા છે. સાંગેમન નિક્ષેપોનો સારામાં સારો ક્રમ દક્ષિણ ઇન્ડિયાનાના રિચમંડમાં જોવા મળે છે, તેના પરથી તે સમયની આબોહવા તેમજ જંગલોની વનસ્પતિનો ખ્યાલ મેળવી શકાય છે. ઇલિનૉઇયન હિમકક્ષા ઠંડા, ભેજવાળા ગાળા સાથે પૂરી થયેલી, તે ક્રમશ: સૂકી અને પછીથી હૂંફાળી બનતી ગયેલી, તે વખતે ઓક-હિકોરીનાં જંગલોનું પ્રાધાન્ય હતું. ત્યારબાદ તે ઠંડી, ભીની અને હિમજન્ય સંજોગોવાળી બનતી ગયેલી, આમ આ રીતે બીજો વિસ્કોન્સિન હિમકાળ પ્રવર્તેલો.

સાંગેમન આંતરહિમકાળનાં પૃષ્ઠવંશી પ્રાણીઓમાં વરુ (મોટા કદનું, વિલુપ્ત), ટૂંકા મુખનું રીંછ, સુવિકસિત શિંગડાંવાળું વિરાટ ગૌર, કોલંબિયન મૅમથ, તીક્ષ્ણદંતી વાઘ, વિરાટ ભૂમિ-સ્લૉથ, ઊંટ, જગુઆર, ઘોડા તેમજ અન્ય કેટલાંક પ્રાણીઓનો સમાવેશ થાય છે. તે કાળમાં જોવા મળતાં એ પ્રાણીઓ હવે યુ.એસ.માં જોવા મળતાં નથી એટલે કે તે વિલુપ્ત થઈ ગયાં છે. આવી જ રીતે નાના કદનાં પ્રાણીઓ – કૃંતક વર્ગનાં પ્રાણીઓ, જંતુભક્ષીઓ, ગરોળીઓના અવશેષો પણ આ નિક્ષેપોમાંથી મળેલા છે.

ગિરીશભાઈ પંડ્યા