સાંગલી : મહારાષ્ટ્ર રાજ્યમાં દખ્ખણના ઉચ્ચપ્રદેશ પર આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 16° 45´થી 17° 33´ ઉ. અ અને 73° 42´થી 75° 40´ પૂ. રે. વચ્ચેનો 8,572 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સાતારા અને સોલાપુર જિલ્લા, પૂર્વમાં અને દક્ષિણમાં કર્ણાટક રાજ્યના બીજાપુર અને બેળગાવ જિલ્લા, નૈર્ઋત્યમાં કોલ્હાપુર જિલ્લો તથા પશ્ચિમમાં રત્નાગિરિ જિલ્લો આવેલા છે. જિલ્લામથક સાંગલી જિલ્લામાં દક્ષિણ તરફ આવેલું છે.
ભૂપૃષ્ઠ-જળપરિવાહ : જિલ્લામાં ટેકરીઓનાં મુખ્ય બે સંકુલો છે : જિલ્લાની પશ્ચિમ સરહદ રચતી સહ્યાદ્રિ હારમાળા અને તેના ફાંટા, તથા મહાદેવ ટેકરીઓ. જિલ્લાનો બહુ જ ઓછો ભાગ જંગલોવાળો છે. સહ્યાદ્રિના પશ્ચિમ ઢોળાવો પર સદાહરિત જંગલો આવેલાં છે. કૃષ્ણા નદીથી પૂર્વ તરફ કાંટાળાં, બુઠ્ઠા છોડવા અને વૃક્ષોવાળાં જંગલો છે; બાકીના ભાગમાં ભેજવાળાં તેમજ સૂકાં ખરાઉ જંગલો જોવા મળે છે.
કૃષ્ણા આ જિલ્લાની મુખ્ય નદી છે. વારણા તેની સહાયક નદી છે. આ ઉપરાંત થેરલા, અગરાની, નાની, માનગંગા અને બોટ નદીઓ પણ અહીં વહે છે.
સાંગલી
ખેતી–પશુપાલન : આ જિલ્લામાં ખરીફ અને રવી – બંને પ્રકારના પાક લેવાય છે. જિલ્લાનો લગભગ 80 % વિસ્તાર ખેડાણયોગ્ય છે, તે પૈકી 10 % જેટલા વિસ્તારમાં સિંચાઈ ઉપલબ્ધ થાય છે, કેટલાક વિસ્તારમાં વરસાદથી ખેતી થાય છે. જુવાર-બાજરી અહીંના મુખ્ય કૃષિપાકો છે. ઘઉં અને કઠોળ રવી મોસમમાં લેવાય છે.
કૃષ્ણા અને વારણા નદીઓમાં તેમજ જિલ્લામાં આવેલાં તળાવોમાં લોકો માછીમારી કરે છે અને જુદી જુદી માછલીઓ પકડે છે.
ઉદ્યોગ–વેપાર : આ જિલ્લામાંથી ચૂનાખડકો, ટ્રૅપ-ખડકો, ઈંટો અને નળિયાં માટેની માટી મળે છે. આ જિલ્લો અગાઉના વખતમાં ઔદ્યોગિક દૃષ્ટિએ પછાત ગણાતો હતો, પરંતુ આજે અહીં 18 જેટલા ઉદ્યોગો તેમજ 1,700 જેટલા નાના પાયા પરના એકમો કાર્યરત છે. તેમાં કિર્લોસ્કર અને મરાઠે ઇજનેરી એકમો; ખાંડનાં કારખાનાં; કોલ્હાપુરી ચંપલ, સિમેન્ટ-પેદાશો, ભઠ્ઠીઓ તથા સંગીતનાં સાધનોના એકમો તેમજ વંશપરંપરાગત ચાલ્યા આવતા, સોના-ચાંદીના દાગીના, લોખંડનાં ઓજારો તથા ધાબળા બનાવવાના એકમો; સુથારી, લુહારી, કુંભારી અને વણાટકામના એકમોનો સમાવેશ થાય છે. આ જિલ્લામાં મગફળી, ગોળ, દ્રાક્ષ જેવી ચીજવસ્તુઓનું ઉત્પાદન લેવાય છે. અહીંની સિતાર ભારતભરમાં જાણીતી છે. સિતાર અને તાનપુરા જેવાં વાદ્યો, ઇલેક્ટ્રિક મોટરો, શેરડી, કપાસ, જુવાર વગેરેની નિકાસ થાય છે તથા ભરતર લોખંડની આયાત કરવામાં આવે છે.
પરિવહન–પ્રવાસન : જિલ્લાનાં લગભગ 87 % ગામડાંને બસ અને રેલસેવા ઉપલબ્ધ છે. બાકીનાં ગામડાંને આ સેવા 5થી 10 કિમી. અંતરે આવેલાં સ્થળો પરથી મળી રહે છે. આ જિલ્લામાં પ્રવાસનની દૃષ્ટિએ વિશેષ મહત્વ ધરાવતાં સ્થળો નથી. અહીં બહાદુરવાડીનો કિલ્લો, ભૂપેન્દ્રગઢ કિલ્લો, મચ્છેન્દ્રગઢ, પ્રાચીન બ્રાહ્મણી (બહમની) ગુફાઓ, ગણપતિ-મંદિર, દત્તાત્રેય-મંદિર, સમુદ્રેશ્વર-મહાદેવ, ડંડોબા-મહાદેવ, વિશિષ્ટ મહત્વ ધરાવતાં નજીક આવેલાં મહાબળેશ્વર અને પંચગીનીનાં વિહારધામો, પુરાતત્વીય મહત્વ ધરાવતાં ઔંધ અને સાતારા ખાતેનાં સંગ્રહસ્થાનો જોવાલાયક છે. વારતહેવારે અહીં મેળા ભરાય છે અને ઉત્સવો યોજાય છે.
વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 25,81,835 જેટલી છે, તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું સંખ્યાપ્રમાણ સરખું છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 66 % અને 33 % જેટલું છે. અહીં હિન્દુ-મુસ્લિમો વિશેષ છે, જ્યારે જૈન અને બૌદ્ધોની વસ્તી બીજા ક્રમે તથા ખ્રિસ્તી અને શીખો ત્રીજા ક્રમે આવે છે. જિલ્લામાં મરાઠી, હિન્દી, કન્નડ અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. સાક્ષરતાનું પ્રમાણ આશરે 50 % જેટલું છે. શૈક્ષણિક સંસ્થાઓનું પ્રમાણ સારું છે. અહીં 20 જેટલી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ આવેલી છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 8 તાલુકા અને 8 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં 8 નગરો અને 727 (4 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : જિલ્લાનું નામ જિલ્લામથક સાંગલી પરથી અપાયેલું છે. તેનો ઇતિહાસ દક્ષિણ મરાઠા પ્રદેશ સાથે સંકળાયેલો છે. પ્રાચીન સમયમાં તે ‘કુંતલ’ નામથી ઓળખાતો હતો. સમ્રાટ અશોકના મૃત્યુ (236 ઈ. પૂ.) બાદ આ પ્રદેશ સાતવાહનો, વાકતકો, રાષ્ટ્રકૂટો, ચાલુક્યો અને બહમની શાસકો હસ્તક રહેલો. અલાઉદ્દીન ખલજીના દેવગિરિ પરના આક્રમણ પછી તે દિલ્હીના શહેનશાહોના હાથમાં ગયો. આ દક્ષિણ પ્રદેશમાં 1593માં અકબરના વખતમાં પહેલું મુઘલ આક્રમણ થયેલું; તેમ છતાં તે વારાફરતી મુઘલો અને મરાઠાઓને હસ્તક રહેલો. તે પછી તે પટવર્ધન કુટુંબના મરાઠા નાયકો હસ્તક ગયો. 1818-19માં અહીં બ્રિટિશ હકૂમત આવી. 1948 પછી તે મુંબઈ ઇલાકામાં ભળ્યો. 1949 સાંગલીનો જિલ્લો રચાયો પણ ત્યારે તે દક્ષિણ સાતારા જિલ્લાના નામથી ઓળખાતો હતો; 1960થી તે સાંગલી જિલ્લાના નામથી ઓળખાય છે. શાસ્ત્રીય સંગીત માટે સાંગલી જાણીતું છે.
જાહનવી ભટ્ટ
ગિરીશભાઈ પંડ્યા