સાંગ : શૂળીના આકારનું ભાલાને મળતું બરછી જેવું લોઢાનું એક હથિયાર. આ અણીદાર શસ્ત્રની લંબાઈ સામાન્ય રીતે આશરે 1.93 મી.ની સળંગ, સાંધા વગરની હોય છે. તેના છેવાડે જે પાનું હોય છે તે સામાન્ય રીતે 0.23 મી.નું હોય છે, જેની પહોળાઈ શરૂઆતમાં 0.04 મી.ની હોય છે. તેનો પકડવાનો દાંડો લગભગ 1.70 મી. જેટલી લંબાઈનો હોય છે અને તેની પહોળાઈ આશરે 0.05 મી. હોય છે. જો તેનો ઘા ઘૂંટણ પાસેની નસ પર લાગે તો માણસ ઊઠી શકતો નથી. પ્રાચીન સમયમાં તે મારવાની પ્રાથમિક તાલીમ કાં તો ઝાડના લીલા ભાગ પર અથવા કાળી માટીના બનેલા પૂતળા પર ઘા મારીને આપવામાં આવતી હતી. આ પ્રાથમિક તાલીમ પછી પથ્થર પર ઘા કરીને તેની તાલીમ અપાતી, જેથી તેનો ઉપયોગ કરનાર સૈનિક વાસ્તવિક યુદ્ધમાં પ્રવીણ બની શકે. મરાઠા ઇતિહાસમાં તેની અલાયદા પલટન હતી એવા ઉલ્લેખ સાંપડે છે. આધુનિક યુદ્ધોમાં આવાં શસ્ત્રોનો ઉપયોગ થતો નથી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે