સાંખ્ય વર્ગીકરણ (numerical taxonomy) : વનસ્પતિ વર્ગીકરણ-વિદ્યાની એક શાખા. આ શાખામાં વર્ગીકરણવિદ્યાના અભ્યાસ માટે ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. સજીવોના સમૂહોમાં રહેલા સામ્યનું આંકડાકીય મૂલ્યાંકન કરી આ સમૂહોને તેમના સામ્યને આધારે ક્રમાનુસાર ઉચ્ચતર વર્ગકો(taxa)માં ગોઠવવામાં આવે છે. સાંખ્ય વર્ગીકરણનું ધ્યેય વર્ગીકરણવિદ્યાકીય સંબંધોના મૂલ્યાંકન અને વર્ગકના નિર્માણ માટે વસ્તુલક્ષી (objective) ચોક્કસ અને પુનરાવર્તનશીલ (repeatable) પદ્ધતિઓ વિકસાવવાનો છે. વર્ગીકરણવિદ્યાની આ શાખાના પ્રસ્થાપનથી વધારે સ્પષ્ટ અને વધારે વાજબી પરિમાણો અને સિદ્ધાંતોની ઉપલબ્ધિ થઈ શકશે.
વર્ગીકરણનો પ્રારંભ ફ્રેન્ચ વનસ્પતિશાસ્ત્રી એડેનસોને કર્યો હતો. વનસ્પતિનાં જુદાં જુદાં અંગોમાં જોવા મળતાં વિવિધ લક્ષણોને સામ્ય અને ભિન્નતાની શ્રેણીમાં ગોઠવી – ડેટા બૅન્ક તૈયાર કરી તેનો ઉપયોગ કમ્પ્યૂટર દ્વારા વનસ્પતિની ઓળખ માટે કરવામાં આવે છે. આ વર્ગીકરણ એડનસોને સ્થાપિત કર્યું હોવાથી તેને એડેનસોનિયન સાંખ્ય વર્ગીકરણ કહે છે. જોકે આ વર્ગીકરણનો પાયો ઈ. સ. 1763માં નંખાયો હતો અને ત્યારે અવલોકન માટે પરિમિત સાધનો હતાં, તેથી તેનો ઝડપી વિકાસ થયો ન હતો; પરંતુ 1960 પછી તખ્તાજાન ક્રોન્ક્વિસ્ટ, થૉર્ન, ડાહલગ્રેનનાં સંશોધનોએ આ વર્ગીકરણને વધુ પ્રચલિત અને લોકપ્રિય બનાવ્યું. સોકલ અને સ્નેથ (1963), ડેવિસ હેવુડ (1963), એસ્ટાબ્રુક અને રોજર્સ (1966), રોહલ્ફ અને સોકલ (1965), બોનર (1964), ક્રોફોર્ડ અને વ્હીસહાર્ટનાં સંશોધનોએ સાંખ્ય વર્ગીકરણને વિશ્વવ્યાપી બનાવ્યું. આ વર્ગીકરણમાં વિજ્ઞાનીઓએ અનેક સુધારા-વધારા સૂચવ્યા જેને નવ-એડેનસોનિયન કાળ (Neo-Adansonian Period) તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક ઇલેક્ટ્રૉનિક ઉપકરણો દ્વારા સાંખ્ય વર્ગીકરણ વધારે સચોટ બનતું જાય છે. વનસ્પતિમાં જોવા મળતાં અનેક લક્ષણોમાંથી સમાન લક્ષણો ભેગાં કરી તેનો એકમ બનાવી તેનો વર્ગીકરણમાં ઉપયોગ કરવામાં આવે છે.
સ્નેથ અને સોકલે (1973) સાંખ્ય વર્ગીકરણના પાયાના સિદ્ધાંતોનું સંકલન કર્યું છે. આ વર્ગીકરણ મુખ્યત્વે પ્રક્રિયાત્મક (procedural) અને પ્રચાલનાત્મક (operational) સમસ્યાઓ સાથે સંકળાયેલ છે. એટલે કે વર્ગીકરણમાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓની મદદ આ શાખામાં લેવામાં આવે છે. કોઈ પણ વર્ગકોના નિરીક્ષિત (observed) અને નોંધાયેલાં લક્ષણો દ્વારા અભિવ્યક્ત થતા સામ્યના પુરાવા પર આ વિજ્ઞાન આધારિત છે. જાતિવિકાસી (phylogenetic) સંભાવનાઓ પર તે અવલંબિત નથી. તેનો નવી માહિતીના નિર્માણ સાથે સંબંધ નથી, પરંતુ એકત્રિત માહિતીનું કમ્પ્યૂટર દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે, જેથી માહિતીના તુલનાત્મક સમુચ્ચયો (sets) સાથે સંકળાયેલ વ્યક્તિલક્ષી (subjective) તત્વનો ઘટાડો કરી શકાય છે.
જે. કુલને (1968) સાંખ્ય વર્ગીકરણની પદ્ધતિઓની રૂઢિગત વર્ગીકરણ વિદ્યાકીય પદ્ધતિઓ સાથે તુલના કરી. રૂઢિગત વર્ગીકરણવિદ્યામાં લક્ષણ(character)નો અર્થ સાંખ્ય વર્ગીકરણ કરતાં તદ્દન જુદો થાય છે. રૂઢિગત વર્ગીકરણવિદ્યામાં લક્ષણ, સ્વરૂપ, રચના અને વર્તણૂકના સંદર્ભમાં વ્યક્ત થતો ગુણ છે. વર્ગીકરણવિજ્ઞાની તુલના અથવા અર્થઘટન જેવા હેતુ માટે સમગ્ર સજીવમાંથી તેને અલગ તારવે છે. બે કે તેથી વધારે સ્થિતિઓવાળા વર્ગીકરણ વિદ્યાકીય લક્ષણનું સાંખ્ય વર્ગીકરણમાં આગળ વિભાજન થઈ શકતું નથી. તેને એકમ-લક્ષણ (unit character) અથવા પ્રચાલનાત્મક વર્ગીકરણ વિદ્યાકીય એકમ (operational taxonomical unit, OTU) કહે છે. તે સાંખ્ય વર્ગીકરણનો મૂળભૂત એકમ છે. લક્ષણ સંકલ્પનાનું સંયોજન સરેરાશ વ્યક્તિઓના અથવા મૂળભૂત વર્ગક અભિવ્યક્ત કરતા નમૂનાઓની પસંદગીવાળાં સ્વરૂપોના ઉપયોગથી કરવામાં આવે છે. પ્રચાલનાત્મક વર્ગીકરણ વિદ્યાકીય એકમમાં જેમ લક્ષણો વધારે તેમ વર્ગીકરણ વધારે સચોટ બને છે.
નિમ્ન કક્ષાની વનસ્પતિમાં વનસ્પતિના જીવનવૃત્તાંતને ધ્યાનમાં રાખી વનસ્પતિના જીવનના તમામ તબક્કાએ જણાતાં લક્ષણોને એકત્રિત કરવામાં આવે છે; જ્યારે સપુષ્પી વનસ્પતિઓમાં બાહ્યાકાર દેહધર્મીય, રાસાયણિક, નિવાસવિદ્યાકીય વગેરે શાખાઓમાંથી સંબંધિત લક્ષણોનો સમૂહ બનાવવામાં આવે છે. આમ બહુશાખા આધારી વિશ્લેષણાત્મક, બહુલક્ષણીય ગુણાત્મક વર્ગીકરણ અને વનસ્પતિનું વર્ણન કરી શકાય છે. બહુઆધારીય ગુણાત્મક લક્ષણોમાં અનેક વિરોધાભાસી લક્ષણો એકત્રિત થાય છે. ક્યારેક કદ, માપણી, વજન, લંબાઈ વગેરે લક્ષણો એકમ તરીકે ધ્યાનમાં લેવાય તો તેને બહુઆધારીય પરિમાણાત્મક લક્ષણો તરીકે ઓળખવામાં આવે છે. આ તમામ લક્ષણો સાંકેતિક લક્ષણોમાં ગઠિત કરવામાં આવે છે, જે 1, 2, 3 … સંખ્યા દ્વારા અથવા (+) અને (-) દ્વારા વ્યક્ત કરાય છે. ક્યારેક તુલના ન થઈ શકે તો NC (no comparision) તરીકે દર્શાવાય છે. આમ, પ્રત્યેક વનસ્પતિમાં દ્વિ-સ્થિતકીય સંકેત અને બહુસ્થિતકીય સંકેતને આંકડા દ્વારા વ્યક્ત કરી તેઓના સામ્યનું માપન કરવા આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે : – જ્યાં આંકડાકીય અચળ આંક છે. Ns = કોઈ પણ બે OTU એકમ વચ્ચેનાં હકારાત્મક લક્ષણો અને Nd = એક OTUનાં હકારાત્મક લક્ષણોનું સૂચન કરે છે. આમ, કોઈ પણ વનસ્પતિનું સ્વરૂપાત્મક નિરૂપણ કરવા – સાહચર્ય આંક (coefficients of association), સહસંબંધ આંક (coefficients of corelation) અને વર્ગીકરણીય અંતરનાં પરિમાણો (measures of taxonomical distance) ગણી કાઢવામાં આવે છે. સામૂહિક રીતે આને ઝૂમખા વિશ્લેષણ (cluster analysis) તરીકે ઓળખવામાં આવે છે. ભિન્ન ભિન્ન OTUને એકત્રિત કરી પ્રજાતિઓના આંતરસંબંધો અને ઉત્ક્રાંતિના માપનમાં તેમનું સ્થાન નક્કી કરવામાં આવે છે. આ પદ્ધતિથી સ્થાપિત થયેલા સમાન લક્ષણીય સજીવોને ફીનૉન (phenon) તરીકે ઓળખવામાં આવે છે, જે વનસ્પતિ-વર્ગીકરણની જુદી જુદી કોટિ(rank)માં મળતાં આવે છે.
સાંખ્ય વર્ગીકરણની પદ્ધતિ અનુસરવાથી નામકરણ ઉપર સીધી અસર પડતી નથી. આ વર્ગીકરણમાં પ્રત્યેક કોટિ અમુક OTUના ચલણથી અનુબંધિત હોય છે; તેથી જુદી જુદી પ્રજાતિઓ વચ્ચેનાં આંતરસંબંધો અને ઉત્ક્રાંતિને સ્પર્શતાં વલણો સ્પષ્ટ થાય છે, પરંતુ નામકરણ સ્થાયી રહે છે.
સાંખ્ય વર્ગીકરણની ઉપયોગિતા : વનસ્પતિસૃષ્ટિની તમામ કક્ષાએ જોવાં મળતાં સામ્ય અને ભિન્નતા સચોટપૂર્વક સમજી શકાય છે. સમગુણધર્મી ફીનૉનના ઝૂમખાને ડેન્ડ્રોગ્રામ દ્વારા વ્યક્ત કરી શકાય છે. પરિણામે આચ્છાદિત (overlapping) લક્ષણો નોંધી શકાય છે અને વિશ્લેષણ કરવાથી તેમને નિવારી શકાય છે. બૅક્ટેરિયા તથા સૂક્ષ્મ સજીવોમાં આચ્છાદિત લક્ષણો વધુ જોવાં મળે છે; જેમાંથી સ્થાયી લક્ષણો જુદાં પાડી શકાય છે. આવૃત્ત બીજધારીની કેટલીક પ્રજાતિ જેવી કે એપોસાયનમ, ક્યૂકરબીટા, ક્રોટોલેરિયા, સેલિક્સ, એટ્રીપ્લેક્સ, ક્વેરક્સ, મેની હોટ, ચીનોપોડિયમ, સોલેનમ, સારકોસ્ટોમા ઓરીઝાની વર્ગીકરણીય સીમાં સાંખ્ય વર્ગીકરણપદ્ધતિનો ઉપયોગ કરી નિયત કરાઈ છે. પ્રજાતિ-પ્રજાતિ તથા કુળ-ઉપકુળ વગેરે કોટિના આંતરસંબંધો અને ઉત્ક્રાંતિત વલણો આ પદ્ધતિથી સ્પષ્ટ બન્યાં છે. જોકે ડેવિસ અને હેવુડ(1963)ના મત પ્રમાણે, આ પદ્ધતિમાં અનેક સુધારા-વધારાનો અવકાશ છે. બાહ્યાકારીય વર્ગીકરણ માટે આ પદ્ધતિ યથાર્થ છે; પરંતુ જાતિવિકાસી ગોઠવણીમાં આ પદ્ધતિ અપૂર્ણ છે. ક્લીફૉર્ડ(1970)ના મંતવ્ય પ્રમાણે તૃણ અને તાડનાં વર્ગીકરણ અને ઓળખ માટે આ પદ્ધતિ સારી છે, અન્યથા રૂઢિચુસ્ત વર્ગીકરણને તે અનુસરે છે.
જૈમિન વિ. જોશી