સાંઈરામ દવે (જ. 7 ફેબ્રુઆરી 1977, જામનગર) : ગુજરાતના હાસ્ય કલાકાર, કવિ, લેખક, શિક્ષણવિદ, મોટિવેશનલ સ્પીકર, લોકસંગીત અને લોકસાહિત્યના ક્ષેત્રે જાણીતા બનેલા કલાકાર અને રાષ્ટ્રભક્ત કવિ. સાંઈરામ દવેનું મૂળ નામ પ્રશાંત વિષ્ણુભાઈ દવે છે. તેમના પિતા પ્રાચીન ભજનિક અને નિવૃત્ત શિક્ષક છે. સંગીત અને શિક્ષણનો વારસો પિતા પાસેથી મળ્યો. તેમજ માતા પણ નિવૃત્ત શિક્ષિકા હતાં.
સાંઈરામ દવેએ પ્રાથમિક શિક્ષણ તેમના વતન જેતપુર તાલુકાના અમરનગર ગામમાં પૂરું કર્યું. 1991થી 1994 દરમિયાન તેમણે ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ સરકારી પોલિટૅકનિક, રાજકોટ ખાતે કર્યું. 1995થી 1997 દરમિયાન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, અમરેલી ખાતે અભ્યાસ કરીને પી.ટી.સી. થયા બાદ 1998થી 2013 દરમિયાન તેમણે સરકારી શાળા નં. 5, ગોંડલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવી. 2015થી તેઓ ‘નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ’ રાજકોટના સ્થાપક પ્રમુખ છે.
1997થી સાંઈરામ દવેએ લોકસાહિત્ય અને હાસ્યક્ષેત્રે અમરેલીથી કાર્યક્રમો કરવા શરૂ કર્યા. 31 વર્ષની ઉંમરે 31 જેટલા વિષયો પર હાસ્ય અને લોકસાહિત્યના ઑડિયો-વીડિયો આલબમો આપ્યાં. 2000ની સાલમાં તેઓ આકાશવાણી અને દૂરદર્શનના B – high grade કલાકાર બન્યા. 2001માં તેમની ‘ચમન બનેગા કરોડપતિ’ નામની હાસ્યની ઓડિયો કૅસેટ ખૂબ સફળતા મેળવી. આ ઓડિયો કૅસેટ દ્વારા તેમને ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત થઈ. રાજ્યનાં જુદાં જુદાં નગરો ઉપરાંત દુબઈ, લંડન, કૅન્યા, મસ્કત, ટાન્ઝાનિયા તથા અબુધાબીનો સાંસ્કૃતિક પ્રવાસ ખેડ્યો. તેમણે ચારણી સાહિત્યના પ્રસ્તુતીકરણમાં પણ નિપુણતા મેળવી છે.
કાવ્યરચનાના ક્ષેત્રે તેમણે ‘ગુજરાત ચાલીસા’ ઉપરાંત ગુજરાતની ગૌરવગાથાનાં 51 ઉપરાંત ગીતો લખ્યાં છે. તેમનાં કાવ્યોમાં કન્યાકેળવણી, સ્ત્રીભ્રૂણ-હત્યા, એઇડ્સ, ઉત્તરાયણ, પર્યાવરણ, નર્મદા જેવા વિષયો જોવા મળે છે. તેમણે નર્મદા પર ગીતો રચવા ઉપરાંત બાળગીતો પણ રચ્યાં છે.
જાણીતા ભાગવત કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે 7 ફેબ્રુઆરી, 2005ના રોજ સાંઈરામ દવેના પ્રથમ કાવ્યસંગ્રહ ‘સાંઈરામના હસતા અક્ષર’નું રાજકોટ ખાતે વિમોચન થયું હતું. આ તેમનો હાસ્ય-દર્દ તથા દેશભક્તિથી સભર સર્વપ્રથમ કાવ્યસંગ્રહ છે. આ પુસ્તકની બીજી આવૃત્તિનું વિમોચન 2007માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. તેમના ‘રંગ કસુંબલ ગુજરાતી’ સંગ્રહમાં રાષ્ટ્રભક્તિનાં ગુજરાતનાં ગીતો છે. ‘અક્ષરની આંગળીઓ જાલી’, ‘અમથાં અમથાં કેમ ન હસીએ ?’, ‘હાસ્યનો હાઈવે’, ‘હસો નહીં તો મારા સમ’, ‘સ્માઇલનું સુનામી’, ‘સાંઈરામનો હાસ્યદરબાર’, ‘પેરન્ટિંગ સૉલ્યુશન’, ‘હું દુનિયાને હસાવું છું’, ‘સ્માઇલરામ’, ‘પાંચજન્ય’ જેવાં પુસ્તકો અને ‘મામાનું ઘર કેટલે ?’ અને ‘વાર્તા નામે નગર’ જેવા બાળગીતોનો સંગ્રહ પ્રાપ્ત થયા છે.
ઇન્ટરનેટ દ્વારા હાસ્ય અને ગુજરાતી લોકસાહિત્યને વિશ્વકક્ષાએ મૂકવાનો તેમણે પ્રયાસ કર્યો છે. તેવી જ રીતે ગુજરાતના યુવાવર્ગમાં પણ લોકસાહિત્ય અને સંગીતનો પ્રચાર-પ્રસાર થાય તેવા તેમના પ્રયાસો છે. તેમણે તથા તેમના પિતાશ્રીએ સાથે તૈયાર કરેલ ‘સત્તાવનથી સુભાષ’ એવા શીર્ષક હેઠળનું મહાનાટક ખૂબ લોકપ્રિય બન્યું છે.
‘દિવ્ય ભાસ્કર’માં સાંઈરામ દવેની ‘હસાયરામ’ અને ‘સાઈ-ફાઈ’ નામની ગંભીર લેખોની લેખમાળા ખૂબ જ પ્રખ્યાત થયેલી. મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ, પુણે દ્વારા બીજા ધોરણમાં ‘છે સ્વર્ગથીયે વહાલી અમને અમારી શાળા’ અને છઠ્ઠા ધોરણના પાઠ્યપુસ્તકમાં ‘જલ શક્તિગીત’ 2005થી ભણાવાય છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા ધોરણ 10માં સાંઈરામ દવેલિખિત પાઠ ‘બહેન સૌની લાડલી’ 2017ની આવૃત્તિના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં સ્થાન પામ્યો છે. અલગ અલગ વિષયો પર હાસ્યનાં અનેક આલબમ ઉપરાંત કોઈ વિષય પર આધારિત લોકસાહિત્યના કાર્યક્રમમાં તેઓ નિપુણ છે. શંકરાચાર્યથી માંડી દાદા ભગવાન અને સૌરાષ્ટ્રના સંતો તેમજ ક્રાંતિવીરોનાં જીવન અને કાર્ય આધારિત ડાયરાઓ પણ તેમણે કર્યા છે. ગુજરાતનો દેશભક્તિનો સૌપ્રથમ મલ્ટિમીડિયા શો ‘વીરાંજલિ’ના લેખન, અભિનય અને દિગ્દર્શનનું શ્રેય પણ સાંઈરામને ફાળે જાય છે. સાંઈરામ દવે ઑફિશિયલ ચૅનલ તથા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી લાખો લોકો તેમને ફોલો કરે છે.
વર્ષ 2006–07 માટે પ્રશાંત દવે અને તેમના પિતા વિષ્ણુપ્રસાદ દવેને ગુજરાત સરકારે ગૌરવ પુરસ્કારથી સંયુક્ત રીતે સન્માન્યા હતા, 2017માં ‘ગ્લોરી ઑફ ગુજરાત ઍવૉર્ડ, 2018માં ‘જેમ ઑફ ગુજરાત ઍવૉર્ડ’ વિશ્વ ગુજરાતી સંગઠન દ્વારા અને 2020માં વર્લ્ડ ટેલેન્ટ ઑર્ગેનાઇઝેશન દ્વારા ‘વર્લ્ડ્ઝ અમેઝિંગ ટેલેન્ટ’ જેવાં સન્માન પ્રાપ્ત થઈ ચૂક્યાં છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
અશ્વિન આણદાણી