સહ્યાદ્રિ : પશ્ચિમ ઘાટના પર્વતોની હારમાળા. સહ્યાદ્રિનાં સામાન્ય લક્ષણો : ભૌગોલિક સંદર્ભમાં જોતાં, દ્વીપકલ્પીય ભારતની પશ્ચિમી તટ-રેખા તેના ઉત્તર છેડાથી દક્ષિણ છેડા સુધી કોઈ પણ પ્રકારની ખાંચાખૂંચી વગર, સીધેસીધી સમલક્ષી રહીને NNW-SSE દિશામાં ચાલી જાય છે. તટ કે કિનારાથી અંદર તરફ આવેલો ભૂમિપટ સ્થાનભેદે 30થી 50 કિમી.ની પહોળાઈવાળો છે, ક્રમશ: ઊંચો બનતો જાય છે, મોટેભાગે અસમતળ છે, મેદાની વિસ્તાર તરીકે ઓળખાતો હોવા છતાં સમતળ મેદાની લક્ષણ ધરાવતો નથી. ત્યાંથી પૂર્વ તરફ જતાં ઊંચાઈ ક્રમશ: વધતી જાય છે, તેમના શિરોભાગ લૅટરાઇટ ખડક-આવરણથી બનેલા છે અને સપાટ લક્ષણ ધરાવે છે. પશ્ચિમ કિનારા તરફથી આ દૃશ્ય જોતાં તે સોપાનશ્રેણીની રચના રજૂ કરતું જણાય છે. તટવર્તી મેદાનોથી પૂર્વ તરફનો સીધી, ઉગ્ર ઢોળાવોવાળી ભેખડો અથવા સમુત્પ્રપાતો(escarpments)નો આ ઊંચાઈવાળો વિસ્તાર સહ્યાદ્રિ અથવા પશ્ચિમ ઘાટના પર્વતો તરીકે ઓળખાય છે. સહ્યાદ્રિથી વધુ પૂર્વ તરફ દક્ષિણમાં તે મૈસૂરના ઉચ્ચ પ્રદેશમાં અને ઉત્તરમાં તે દખ્ખણના લાવાના ઉચ્ચ પ્રદેશમાં ફેરવાય છે.
સમુત્પ્રપાતોથી બનેલી સહ્યાદ્રિ-ગિરિમાળા 1500 કિમી. લંબાઈ સુધી તટરેખાની સમાંતર ચાલી જાય છે. દક્ષિણમાં આવેલા પાલઘાટના એકમાત્ર અપવાદને બાદ કરતાં આ હારમાળા ક્યાંય ખંડિત થતી નથી. તેની સરેરાશ ઊંચાઈ 1 કિમી. જેટલી છે, વધુમાં વધુ ઊંચાઈ આશરે 2.7 કિમી.ની છે. નીલગિરિનું દોદાબેટા શિખર તેનું સર્વોચ્ચ બિંદુ ગણાય છે. દક્ષિણથી ઉત્તર તરફ જતાં ઊંચાઈ ક્રમશ: ઘટતી જાય છે. દ્વીપકલ્પીય ભારતની પશ્ચિમ બાજુએ એક દીવાલની જેમ અડીખમ ઊભેલો આ સહ્યાદ્રિ ચોમાસામાં નૈર્ઋત્યના ભેજવાળા મોસમી પવનોને રોકીને કિનારાના સમગ્ર પટ પર વધુ વરસાદ લાવી આપવામાં સહાય કરે છે.
સહ્યાદ્રિ પર્વતોનું ખડક-બંધારણ જુદું જુદું છે. છેક દક્ષિણ છેડાનો ભાગ ગ્રૅન્યુલાઇટ અને ઉચ્ચ કક્ષાની વિકૃતિમાં તૈયાર થયેલા નાઇસ ખડકોથી બનેલો છે; અહીંથી ઉત્તર તરફ મિગ્મેટાઇટ નાઇસ તથા ક્વાર્ટઝાઇટ, આર્જિલાઇટ, ફિલાઇટ અને લાવાથી બનેલા ધારવાડ મહાજૂથના જળકૃત/જ્વાળામુખીજન્ય શ્રેણીના ખડકો રહેલા છે; વધુ ઉત્તર તરફ ક્રિટેશિયસ વયની રિયુનિયન (ટાપુસમૂહ) જ્વાળામુખી ઉષ્માસ્થાનકોની પેદાશો ડેક્કન બેસાલ્ટ ખડકો કે ડેક્કન જ્વાળામુખીજન્ય ખડકજૂથ જોવા મળે છે.
સહ્યાદ્રિ ગિરિમાળાની ભૂપૃષ્ઠ આકારિકી એકસરખી જણાતી હોવા છતાં આ ખડકોના પ્રકારો અને વય જુદાં જુદાં છે. આ લક્ષણો સ્પષ્ટ કરી આપે છે કે પશ્ચિમ ઘાટના પર્વતોની ઉત્પત્તિ માટે ડેક્કન જ્વાળામુખી-ઘટના જ એકલી જવાબદાર નથી; તેની આજુબાજુનો પ્રીકૅમ્બ્રિયન વિસ્તાર પણ મહદ્અંશે કારણભૂત છે; અર્થાત્, આ ખડકો વયમાં ઘણા ઘણા જૂના છે.
સહ્યાદ્રિની ઉત્પત્તિ : પશ્ચિમ ઘાટની હારમાળાના પશ્ચિમ તરફી સમુત્પ્રપાતી ઢોળાવો ભૂપૃષ્ઠ આકારિકીનું એક વિશિષ્ટ પ્રકારનું લક્ષણ રજૂ કરે છે. આવું જ લક્ષણ હિંદી મહાસાગરમાં આવેલા માડાગાસ્કરના પૂર્વ તરફી ઢોળાવો પણ રજૂ કરે છે. તેમની લંબાઈ પણ 1,500 કિમી. જેટલી છે. ગોંડવાના ભૂમિસમૂહમાં ભંગાણ પડ્યું તે અગાઉ આ બંને પ્રદેશો એક હતા અને તેથી તેમનાં લક્ષણોમાં ઘણું સામ્ય જોવા મળે છે. બંનેના સામસામા ઢોળાવો એકબીજાના પ્રતિબિંબ જેવા જણાય છે. ભારત અને માડાગાસ્કરની આ ગિરિમાળાઓના અનુક્રમે પૂર્વ તરફના અને પશ્ચિમ તરફના ઢોળાવો આછા છે, તેમની જળપરિવાહ પ્રણાલી સમુત્પ્રપાતોથી વિરુદ્ધ દિશાની છે. બંને ભૂમિસમૂહોમાં પ્રી-કૅમ્બ્રિયન રચનાત્મક માળખું ખંડીય કિનારીઓને સમાંતર NNW વલણવાળું છે. 1980માં ક્યુરે (Curray) દ્વારા જે અધિતર્ક સૂચવાયેલો તેને અનુરૂપ ઉત્તમ અને બંધબેસતું ઉદાહરણ ભારત અને માડાગાસ્કર રૂપી ફાટજનિત વિભાગીય ટુકડાઓ પૂરું પાડે છે. આ ઉપરથી તારવી શકાય છે કે ભારત અને માડાગાસ્કર એક જ ભૂમિખંડના, ફાટ પડવાથી અલગ પડેલા અને ઊંચકાયેલા, બે ટુકડાઓ છે; બંનેની ઉત્પત્તિ સમાન છે.
પશ્ચિમ ઘાટનું વયનિર્ધારણ : અરબી સમુદ્રમાંની જૂનામાં જૂની દરિયાઈ ચુંબકીય અસાધારણતા (anomaly) A 34 છે. આ અસાધારણતા ભૂમિસમૂહનું ભંગાણ, સમુદ્ર-તળ વિસ્તરણ અને અરબી સમુદ્રની ઉત્પત્તિનું વય રજૂ કરે છે. આ અસાધારણતા ક્રિટેશિયસ ચુંબકીય શાંત વિસ્તાર(Cretaceous Magnetic Quiet Zone – CMQZ)ને પણ સાંકળે છે અને વર્તમાન પૂર્વે અંદાજે 10.8 કરોડ વર્ષથી 8.4 કરોડ વર્ષ વચ્ચેની લાંબી કાળ-અવધિનું સૂચન પણ કરે છે; એનો અર્થ એવો થાય કે ભારત અને માડાગાસ્કર વ. પૂ. 10.8 કરોડ વર્ષ અને 8.4 કરોડ વર્ષ વચ્ચે ગમે તે કાળે છૂટા પડ્યા હોય ! મોટાભાગના લોકોનો મત ભંગાણ પડવાના વય તરીકે A 34 એટલે કે 8.4 કરોડ વર્ષની તરફેણમાં જાય છે. બીજા પુરાવાઓનો ઉપયોગ કરીને આ વયનિર્ધારણને વધુ ચોકસાઈભર્યું બનાવી શકાય. અરબી સમુદ્રમાંની કેટલીક ઘટનાઓના કાળમાપન પર જેમણે કામ કરેલું છે તે એલ્ધૉમ અને ટૉડલ (1996) ભારત-માડાગાસ્કર વચ્ચેના ભંગાણનો પ્રારંભ 10 કરોડ વર્ષ પહેલાં થયો હોવાનું જણાવે છે.
એમ કહેવાય છે કે નિષ્ક્રિય ખંડીય કિનારીઓની ઉત્ક્રાંતિ જ્વાળામુખી-પ્રક્રિયા સાથે થતી હોય છે. ભારતના પશ્ચિમ કિનારે બે જ્વાળામુખી-ઘટનાઓ થયેલી છે : એક તો દખ્ખણના લાવાના પ્રસ્ફુટનની અને બીજી સેન્ટ મૅરી ટાપુની. દખ્ખણના લાવાનાં પ્રસ્ફુટનોની ક્રિયાને આ બે પ્રદેશોના ભંગાણ સાથે જોડી શકાય નહિ, કારણ કે તે ઘટના તો 6.7 કરોડ પૂર્વેની હોઈ નૂતન ગણાય. સેંટ મૅરી ટાપુ પરના સ્તંભાકાર ર્હાયો-ડેસાઇટ(સંશોધનકાર્ય : નાગન્ના, 1966)નું વય 9.31 + 0.24 કરોડ વર્ષ (નિર્ધારણ : વૅલસૅન્ગકર, 1981) નિર્ધારાયું છે, તેને આના સૂચક-પુરાવા(?)રૂપ મૂકી શકાય ખરું. રિયુનિયનનાં ઉષ્માસ્થાનકો ક્રમશ: દક્ષિણ તરફ ખસ્યાં છે અને તેથી તેના જ્વાળામુખી-ખડકોનાં વય ઉત્તરથી દક્ષિણ તરફ જતાં નવાં થતાં જાય છે. આ હકીકત પરથી એટલું તો સ્પષ્ટ બની જાય છે કે સેન્ટ મૅરીના જ્વાળામુખી-ખડકો રિયુનિયન ઉષ્માસ્થાનકોની પેદાશ હોઈ શકે નહિ. સુબ્રહ્મણ્યે (1994) સેન્ટ મૅરીના જ્વાળામુખી-ખડકોને ભારત-માડાગાસ્કર ભંગાણ જોડે સાંકળ્યા છે. આ આધાર લઈને સુબ્રહ્મણ્યે સૂચવ્યું છે કે ભારતનો પશ્ચિમ કિનારો અને પશ્ચિમ ઘાટના પર્વતો 9.3 કરોડ વર્ષના ગાળામાં રચાયા હોવા જોઈએ. માડાગાસ્કરના પૂર્વ કિનારે 1,500 કિમી.ની સળંગ લંબાઈમાં બધે જ જ્વાળામુખી-ખડકો અને અંતર્ભેદકો છૂટક છૂટક વિવૃત થયેલા જોવા મળે છે. આ ખડકો મારિયૉન ઉષ્માસ્થાનક સાથે સંબંધ ધરાવે છે. આગ્નેય પ્રક્રિયા પછીથી આ મારિયૉન ઉષ્માસ્થાનક માડાગાસ્કરના સ્થાનના સંદર્ભમાં જોતાં, દક્ષિણ તરફ ખસતું ગયું છે. અત્યારે તે 37° પૂ. રે. અને 47° દ. અક્ષાંશ પર સ્થિત છે. માડાગાસ્કરના પૂર્વ કિનારા પરના જ્વાળામુખી-ખડકો અને અંતર્ભેદકોનાં વયનિર્ધારણ સ્તોરી(1995)એ કર્યાં છે. તે પ્રમાણે ભારત-માડાગાસ્કરનું ભંગાણ સરેરાશપણે 8.8 કરોડ વર્ષ પૂર્વે થયું હોવાનું સૂચન મળે છે. જેટલી માહિતી ઉપલબ્ધ છે તે પરથી કહી શકાય કે ફેલ્સિક બંધારણવાળી જ્વાળામુખી-પ્રક્રિયાનું ઘૂમટ સ્વરૂપે ઊર્ધ્વગમન 9.3 કરોડ વર્ષ પૂર્વે થયું હોવું જોઈએ. તેની ફાટવાની ક્રિયા 8.8 કરોડ વર્ષ પૂર્વે થઈ હોવી જોઈએ. આ પરથી સહ્યાદ્રિ પર્વતોના ભંગાણનો સ્પષ્ટ ખ્યાલ આવે છે.
ગિરીશભાઈ પંડ્યા