સહોદરસ્પર્ધા (sibling rivalry) : એક જ માતાની કૂખે કે ઉદરે જન્મેલાં બાળકો વચ્ચે થતી સ્પર્ધા. માતાપિતાનું ધ્યાન, સમર્થન કે સ્નેહ મેળવવા માટે, પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે કે જુદી જુદી સિદ્ધિ મેળવવા માટે મર્યાદિત પ્રમાણમાં સહોદરો વચ્ચેની સ્પર્ધા તો ઘણાં કુટુંબોમાં થતી હોય છે. પણ આવી સ્પર્ધા એ કુટુંબ માટે સમસ્યા જ બની જાય એ જરૂરી નથી. આવી સ્પર્ધા એ સંતાનો માટે અને કુટુંબ માટે લાભકારક પણ નીવડી શકે. વળી સહોદરો વચ્ચે સ્પર્ધાનો જ સંબંધ હોય એ અનિવાર્ય નથી. કેટલાંક કુટુંબોમાં સંતાનો એકબીજાં સાથે નોંધપાત્ર પ્રમાણમાં અને લાંબા સમય સુધી સહકાર પણ કરતાં રહે છે.

વિવિધ કારણોને લીધે સહોદરો સ્પર્ધા કરે છે; જેમ કે, જન્મનો ક્રમ, ઉંમર, જાતિ, વ્યક્તિગત તફાવતો અને માતાપિતાનું વલણ અને વર્તન.

જ્યારે બીજું બાળક જન્મે ત્યારે માતાપિતા સ્વાભાવિક રીતે જ નાના બાળક તરફ વધારે ધ્યાન આપે છે. તેની વધારે સંભાળ લે છે કે તેની જરૂરિયાતોને સંતોષવા તરફ પહેલું ધ્યાન આપે છે. આ રીતે માતાપિતા જાણતાં કે અજાણતાં મોટા સંતાનની ઉપેક્ષા કરે છે. એ ઉપેક્ષા મોટા સંતાનને ખૂંચે છે અને તે અસલામતી અનુભવે છે. તેથી તે પહેલાંની જેમ માબાપની હૂંફ મળતી થાય એ માટે પોતાના નાના ભાઈ કે બહેનની સાથે સ્પર્ધામાં ઊતરે છે. એ માટે મોટું સંતાન બિનજરૂરી ધમાલ કરે છે કે માબાપની સૂચનાનો ભંગ કરે છે. પરિણામે માબાપે મોટા સંતાન તરફ ધ્યાન આપવું પડે છે. બીજી તરફ જ્યારે માબાપ મોટા સંતાનને કોઈ રસપ્રદ પ્રવૃત્તિ કે કામગીરી સોંપે ત્યારે તે નાના ભાઈ કે બહેનને ખૂંચે છે. તેથી ‘મારે પણ એ કામ કરવું છે.’ એવો આગ્રહ રાખીને નાનું બાળક મોટા બાળકની સ્પર્ધામાં ઊતરે છે.

જ્યાં સંતાનોની ઉંમરમાં એક-બે વર્ષનો જ તફાવત હોય ત્યાં તેમની વચ્ચે વધારે સખત સ્પર્ધા થાય છે. જ્યાં સંતાનોની ઉંમર વચ્ચે ચાર-પાંચ કે વધુ વર્ષનો તફાવત હોય ત્યાં તેમની વચ્ચેની સ્પર્ધા હળવી હોય છે અથવા તો તેમની વચ્ચે વધારે સહકાર જોવા મળે છે. નાનું બાળક પોતાના મોટા ભાઈ કે બહેનની મદદ માંગે છે અને મોટા ભાઈ કે બહેન એને રાજીખુશીથી મદદ કરે છે. બદલામાં નાનું સંતાન પણ મોટા સંતાનનાં કેટલાંક કામો કરી આપે છે.

સહોદરો વચ્ચેની સ્પર્ધા કિશોરાવસ્થા દરમિયાન તીવ્ર બને છે, પણ ત્યારપછી મંદ બને છે.

જો માતાપિતા પોતાનાં પુત્ર અને પુત્રીનો ઉછેર લગભગ સરખી રીતે કરતાં હોય, તો એ પુત્ર-પુત્રી વચ્ચેની સહોદર-સ્પર્ધા હળવી હોય છે. પણ ઘણાં કુટુંબોમાં છોકરી કરતાં છોકરાને બહાર જવાની, મિત્રો બનાવવાની કે મોડે સુધી ઘરની બહાર રહેવાની ઘણી વધારે છૂટ અપાય છે. ખાસ કરીને નાનાં શહેરો અને ગામોમાં છોકરીના આચરણ અને હરવાફરવા ઉપર નિયંત્રણો હોય છે. પરિણામે છોકરીને પોતાના ભાઈને મળતી સ્વતંત્રતાને લીધે અદેખાઈ આવે છે; તેથી તે સ્પર્ધામાં ઊતરીને પોતાના ભાઈ કરતાં વધારે ઉચ્ચ ક્ષમતા કે સિદ્ધિ મેળવવાનો પ્રયત્ન કરે છે. છોકરી બીજા લોકો સાથે વધારે વિનયી અને સમજણપૂર્વકનું વર્તન કરે છે. એ રીતે તે બીજા લોકો ઉપર વધારે સારી છાપ ઉપજાવે છે.

એક જ માતાપિતાનાં વિવિધ સંતાનો સરખાં હોતાં નથી. તેમનાં દેખાવ, શારીરિક/માનસિક શક્તિઓ, સામાજિક કુનેહ, રુચિઓ, મનોવલણો અને સ્વભાવમાં તફાવત હોય છે. એને લીધે તેમની કાર્યશૈલીમાં અને બીજા લોકો સાથે વર્તવાની ઢબમાં નોંધપાત્ર તફાવત પડે છે. સહોદરો વચ્ચે રહેલા આવા તફાવતોની તેમનાં માબાપ, સગાંવહાલાં, મિત્રો અને અન્ય ઓળખીતાઓ નોંધ લેતાં જ હોય છે; એટલું જ નહિ, એ તફાવત પ્રમાણે તેઓ આ જુદા જુદા સહોદરો સાથે જુદી જુદી રીતે વર્તે છે. એને કારણે પણ એ સહોદરો વચ્ચે ઈર્ષ્યા અને સ્પર્ધા ઉદ્ભવે છે.

જો માબાપ અને નજીકનાં સંબંધીઓ, સહોદરો પ્રત્યે સમાન અને ન્યાયી વર્તાવ રાખે તો એમની વચ્ચે તીવ્ર સ્પર્ધા થતી નથી; પણ ઘણાં કુટુંબોમાં માબાપ સંતાનો પ્રત્યે જુદું જુદું મનોવલણ અને વર્તન અપનાવે છે. તેમને એક સંતાન અત્યંત વહાલું અને માનીતું હોય છે. તેથી તેઓ એનાં વખાણ કર્યે રાખે છે. એને ખૂબ છૂટછાટ આપે છે અને એના અયોગ્ય વર્તનને સહન કરી લે છે. અન્ય સંતાન અણગમતું હોઈ તેઓ વારંવાર એની ભૂલ કાઢ્યા કરે છે. એની વાજબી માગણીને ઠુકરાવે છે કે એને સજા કરે છે. આવા ભેદભાવયુક્ત વર્તનને લીધે પણ સહોદરો વચ્ચે ઈર્ષ્યા, સ્પર્ધા અને સંઘર્ષ થાય છે.

સહોદરો વચ્ચેની અનિષ્ટ સ્પર્ધાને ખાળવા માટે આ ઉપાયો લઈ શકાય : (1) માતાપિતાએ અને નજીકનાં સંબંધીઓએ સંતાનોની હાજરીમાં તેમની સરખામણી કરવાનું ટાળવું. (2) સંતાનોમાં દોષની લાગણી ઉપજાવનારી પરિસ્થિતિઓને પણ ટાળવી. (3) બાળકના ગુસ્સા કે રોષને અવગણવો નહિ, તેની નોંધ જરૂર લેવી. પણ જો તે આક્રમણ કરે તો તેના હિંસક વર્તનને રોકવું. (4) સહોદરોને તેમના મતભેદો જાતે જ ઉકેલવા દેવા. જો કંઈક અજુગતું કે જોખમકારક લાગે તો જ વચ્ચે પડવું. (5) બધાં સમધારણ (normal) સંતાનો સાથે માબાપે ન્યાયપૂર્ણ રીતે વર્તવું. ભેદભાવો ટાળવા. (6) પણ જો કોઈ સંતાન ક્ષતિવાળું કે વિકલાંગ હોય, તો તેને વધારે સમર્થન આપવું. એને વધારે મદદ કેમ કરવામાં આવે છે તેની બીજાં સામાન્ય બાળકોને સમજ આપવી. (7) જો એકાદ સંતાન કુદરતી બક્ષિસ ધરાવતું હોય તો તેને એની બક્ષિસને ધારદાર બનાવવામાં મદદ કરવી. પણ એ બધી જ બાબતોમાં ઉત્તમ બનશે એવી અપેક્ષા ન કરવી. (8) જ્યારે સહોદરો એકબીજાં સાથે મળી સમજીને રમતાં હોય કે શીખતાં હોય ત્યારે તેમનાં વખાણ કરી તેમને પ્રોત્સાહન આપવું. (9) જ્યારે સહોદરો એકબીજાંને ખીજવતાં હોય ત્યારે ખીજની ઉપેક્ષા કરવા તેમને સમજાવવું. અન્ય બાળક ટીકા કરે ત્યારે તેનો રમૂજી જવાબ આપવાનું બાળકને શીખવવું; પણ ખીજવવાનો અતિરેક કરનારા બાળકને રોકવું. (10) આખા કુટુંબની સહપ્રવૃત્તિ શરૂ કરવી; રમત, મનોરંજન, રસ પડે એવી વાતચીત, વાર્તાકથન કે પ્રવાસ વગેરે. એ માટે કુટુંબનાં બધાંને સરખી તક મળે એવું વાતાવરણ ઊભું કરવું.

આવા ઉપાયોને લીધે, સામૂહિક અને સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં યોગ્ય રીતે અને રચનાત્મક અભિગમથી વર્તવાની સંતાનોને તાલીમ મળે છે અને તેઓ પુખ્તવયે ઊભી થતી સ્પર્ધાત્મક પરિસ્થિતિઓનો મુકાબલો વધારે અસરકારક રીતે કરી શકે છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે

સાધનાબહેન પરીખ