સહૃદય (ધ્વનિકાર) : સંસ્કૃત અલંકારગ્રંથ ‘ધ્વન્યાલોક’ની કારિકાઓનો તથાકથિત લેખક. જાણીતા આચાર્ય અભિનવગુપ્તે પોતાની ‘ધ્વન્યાલોક’ પર રચેલી ‘લોચન’ ટીકામાં કારિકા અને વૃત્તિગ્રંથ એવા ભિન્ન શબ્દો પ્રયોજી કારિકાકાર અને વૃત્તિકાર એમ પૃથગ્ ઉલ્લેખો કર્યા છે અને કારિકા અને વૃત્તિ વચ્ચેના વિરોધોને સ્પષ્ટ રીતે સમજાવવા પ્રયત્ન કર્યો છે. તેથી વિદેશી વિદ્વાનો બ્યૂલર અને યાકોબીએ સર્વપ્રથમ એવો મત રજૂ કર્યો છે કે ‘ધ્વન્યાલોક’ની કારિકાઓ અને વૃત્તિ  બંનેના લેખકો ભિન્ન છે. ‘ધ્વન્યાલોક’નું એક શીર્ષક ‘સહૃદયાલોક’ છે તેથી ધ્વનિકારિકાઓના લેખકનું નામ સહૃદય હતું અને વૃત્તિના લેખકનું નામ આનંદવર્ધન હતું. વધુમાં તેઓ માને છે કે કારિકા અને વૃત્તિમાં કેટલીક જુદી વાતો છે. વૃત્તિકારે ઉત્સૂત્રવ્યાખ્યાન કરી કેટલીક વાતો સમજાવી છે અને નવી વાતો ઉમેરી છે. કારિકામાં વસ્તુધ્વનિ, અલંકારધ્વનિ અને રસધ્વનિ – એ મુખ્ય ધ્વનિપ્રકારોને સ્પષ્ટ કહ્યા નથી. કાવ્યાર્થના અનંત પ્રકારોની વાત કારિકામાં નથી, વૃત્તિમાં એ વાત વિગતે છે માટે ‘ધ્વન્યાલોક’ની કારિકાઓના લેખક સહૃદય હતા. આમ બ્યૂલર, યાકોબી, પા. વા. કાણે, સુશીલકુમાર દે અને સોવાની વગેરે વિદ્વાનો કારિકા અને વૃત્તિ બંને આનંદવર્ધને જ રચેલી એવું માનતા નથી. કારિકાના લેખક સહૃદય હતા એમ માને છે.

વળી કેટલાક વિદ્વાનો અભિનવગુપ્તાચાર્યે કરેલા – ‘આનંદવર્ધનના સમકાલિક મનોરથ નામના કવિ’ એવા નિર્દેશ પરથી કારિકાના લેખકનું નામ ‘સહૃદય’ નહિ, પરંતુ ‘મનોરથ’ હતું એમ માને છે. પરંતુ આનંદવર્ધન મનોરથથી સમયમાં ઘણા પાછળ હોવાથી સમકાલિક નથી તેથી તે પણ વિવાદાસ્પદ મત છે.

કારિકાના લેખક સહૃદય કે મનોરથ નથી, પરંતુ કારિકા અને વૃત્તિ બંને આનંદવર્ધને જ રચેલી છે એમ મહિમ ભટ્ટ, ક્ષેમેન્દ્ર, હેમચંદ્ર, રુય્યકના ટીકાકારો જયરથ અને સમુદ્રબંધ, વિશ્વનાથ, ગોવિંદ ઠક્કુર, કુમારસ્વામી વગેરે અભિનવગુપ્તાચાર્ય પછી થયેલા આલંકારિકો માને છે. તેમને અનુસરીને કુપ્પૂસ્વામી, રાઘવન્, શંકરન્, ચિંતામણિ મુખરજી, કૃષ્ણમૂર્તિ અને ગુજરાતી વિદ્વાન ડોલરરાય માંકડ વગેરે આધુનિક વિદ્વાનો પણ આનંદવર્ધનને જ કારિકા અને વૃત્તિ બંનેના લેખકો માને છે.

આ બધો વિવાદ આચાર્ય અભિનવગુપ્તની ‘ધ્વન્યાલોક’ પરની ‘લોચન’ ટીકાના આધારે ખડો થયો છે. જ્યારે તેમની ભરતના ‘નાટ્યશાસ્ત્ર’ પરની ‘અભિનવભારતી’ ટીકામાં ‘ધ્વન્યાલોક’ની કારિકાઓ જ આનંદવર્ધને લખેલી હોવાનું જણાવીને ઉદ્ધૃત કરવામાં આવી છે તેથી ‘સહૃદય નામના લેખકે કારિકાઓ લખેલી એ મત હવે સ્વીકાર્ય રહ્યો નથી.

પ્ર. ઉ. શાસ્ત્રી