સહાય, શિવપૂજન (જ. 1893, ઉન્વાસ, જિ. શાહબાદ, બિહાર; અ. 1963) : હિંદી વાર્તાકાર, નવલકથાકાર, ચરિત્રકાર તથા પત્રકાર. તેમનો જન્મ મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતા મુનશી ઈશ્વરી-દયાળ ડુમરા રાજના અધિકારી હતા અને ઉર્દૂ તથા ફારસીના જાણકાર હતા.
શિવપૂજને ગામની મદરેસામાં ઉર્દૂ અને ફારસીનો અભ્યાસ કર્યો અને 1912માં આરાહની કાયસ્થ જ્યુબિલી અકાદમીમાંથી તેઓ મૅટ્રિક થયા. અંગત જીવનમાં તેઓ સનાતની હતા અને રામ તથા રામાયણના ચુસ્ત ભક્ત હતા. 1920-21 આરાહની રાષ્ટ્રીય શાળામાં શિક્ષક રહ્યા. પછી 1939-49 દરમિયાન રાજેન્દ્ર કૉલેજ, છાપરામાં અધ્યાપનકાર્ય કર્યું. 1944માં તેમણે ઑલ ઇન્ડિયા હિંદી સાહિત્ય સંમેલનનું પ્રમુખપદ શોભાવ્યું હતું. 1950-59 સુધી તેઓ બિહાર રાષ્ટ્રભાષા પરિષદના નિયામક રહ્યા.
બહુવિધ સર્જક તરીકે તેમણે 400 ટૂંકી વાર્તાઓ, 69 જીવનચરિત્રો અને 150 જેટલા સાહિત્યિક લેખો આપ્યાં છે. તેમની ‘દેહાતી દુનિયા’ (1926) હિંદીની પ્રથમ પ્રાદેશિક નવલકથા છે. તેમના ગ્રંથોમાં ‘પ્રેમ પુષ્પાંજલિ’ (કાવ્યસંગ્રહ, 1921); ‘ભીષ્મ પિતામહ’ (1922); ‘મહિલા મહત્ત્વ’ (રેખાચિત્રો, 1922); ‘અર્જુન’ (1923); ‘વિભૂતિ’ (નવલકથા, 1930); ‘દો ઘડી’ (હળવા નિબંધો); ‘બિહાર કા વિહાર’ (બિહાર : જર્ની ઍન્ડ સર્વે, 1919); ‘રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ જીવન-દર્શન’ (જીવનચરિત્ર, 1949) અને ‘અન્નપૂર્ણા કે મંદિર મેં’(ગ્રામીણ જીવન પરનો નિબંધસંગ્રહ)નો સમાવેશ થાય છે.
તેઓ રાષ્ટ્રવાદી અને ગાંધીવાદી લેખક હતા. 1921-1947 સુધી તેમણે અહિંસા, સત્યાગ્રહ, કોમી એખલાસ અને વિદેશી માલના બહિષ્કાર વિશે પ્રચાર કર્યો. મહાત્મા ગાંધી અને બાળ ગંગાધર ટિળકનો તેમના પર ભારે પ્રભાવ હતો. તેમના જીવન અને વિચારોના ઘડતરમાં તુલસીદાસના રામાયણ સાથે ટિળકના ‘ગીતારહસ્ય’નો ઊંડો પ્રભાવ જોવા મળે છે. કામિલ બુલ્કે તેમના અંગત મિત્ર હતા. નિરાલા અને પ્રસાદનાં કાવ્યોથી પણ તેઓ પ્રભાવિત થયા હતા. તેમણે હિંદી પત્રકારત્વમાં પણ સારું એવું પ્રદાન કર્યું હતું. કોલકાતાનાં ‘મારવાડી સુધાર’, ‘મોજી’, ‘ગોલમાલ આદર્શ’, ‘ઉપન્યાસ તરંગ’, ‘સમન્વય’ તથા ‘માધુરી’, ‘ગંગા’, ‘બાલક’, ‘હિમાલય અને સાહિત્ય’ વગેરે સામયિકોનું સંપાદન અને પ્રકાશન (1950-62) તેમણે સંભાળ્યું હતું. તેમના હિંદી સાહિત્યમાં કરેલા નોંધપાત્ર પ્રદાન બદલ તેમને ‘પદ્મભૂષણ’નો ખિતાબ આપવામાં આવ્યો હતો.
બળદેવભાઈ કનીજિયા