સહાની, બલરાજ (જ. 1 મે 1913, રાવલપિંડી, હાલ પાકિસ્તાન; અ. 13 એપ્રિલ 1973, મુંબઈ) : હિંદી ચલચિત્રોના અભિનેતા. પરિપક્વ ઉંમરે અભિનેતા બનેલા બલરાજ સહાની અભિનયમાં નાટકીયતા કરતાં સ્વાભાવિકતાને વધુ મહત્ત્વ આપતા. ગવર્નમેન્ટ કૉલેજ, લાહોરમાંથી તેઓ અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. થયા હતા. પિતાનો કપડાંનો વેપાર હતો. તેમના કહેવાથી ધંધો સંભાળી લેવો પડ્યો, પણ તેમનું મન ન પરોવાતાં 1936માં કોલકાતા આવી ગયા. ત્યાં ન્યૂ થિયેટર્સનાં ચિત્રો માટે વાર્તાઓ લખતા પંડિત સુદર્શનના પરિચયમાં આવ્યા. તેમને ચલચિત્રોમાં તો કામ ન મળ્યું, પણ હિંદી સાહિત્યકારો અજ્ઞેય અને હજારીપ્રસાદ દ્વિવેદીની ભલામણથી તેઓ શાંતિનિકેતન જઈને રહ્યા. 1937માં શાંતિનિકેતનમાં તેઓ હિંદીના પ્રાધ્યાપક તરીકે નિમાયા. ભારતીય રાજકારણ અને સમાજજીવનમાં એ ઊથલપાથલનો સમય હતો. આ સમયના અનેક શિક્ષિતોની જેમ બલરાજ પણ ગાંધીજીના પ્રભાવમાં આવ્યા. થોડો સમય તેઓ મહાત્મા ગાંધીના સેવાગ્રામમાં પણ રહ્યા. સાહિત્યસર્જન પણ કર્યું. તેમણે અંગ્રેજી, હિંદી અને પંજાબીમાં કવિતા લખી, અસંખ્ય લેખો લખ્યા. તે સાથે ‘ઝુબેદા’ અને ‘સિગ્નલમૅન’ જેવાં નાટકોમાં પણ કામ કર્યું. 1940માં તક મળતાં બી.બી.સી.માં ઉદ્ઘોષક નિમાયા અને આ કામગારી માટે ઇંગ્લૅન્ડ ગયા, પણ 1944માં ત્યાંથી પરત આવી ગયા અને ‘ઇપ્ટા’ સાથે જોડાયા. ચેતન આનંદના કહેવાથી તેમણે ફણિ મજમુદારના ચિત્ર ‘ઇન્સાફ’માં પહેલી વાર કામ કર્યું. ફણિદાએ તેમને એ પછી ‘દૂર ચલેં’માં પણ લીધા. આ બંને ચિત્રો વ્યાવસાયિક રીતે સફળ થયાં નહિ. એટલે હવે અભિનેતા બનેલા બલરાજનો સંઘર્ષનો ગાળો શરૂ થયો. અંતે 1947માં ખ્વાજા અહમદ અબ્બાસની ‘ધરતી કે લાલ’થી તેમને એક અભિનેતા તરીકે ઓળખ મળી. 1953માં બિમલ રોયનું ‘દો બીઘા જમીન’ આવ્યું. બંગાળના ભીષણ દુકાળ પર બનેલા આ ચિત્રમાં એક દમિત અને શોષિત ખેડૂતના પાત્રને તેમણે એવું જીવંત કર્યું કે દેશવિદેશમાં તેમના અભિનયનાં વખાણ થયાં. રાજેન્દ્ર સિંહ બેદીના ચિત્ર ‘ગરમ કોટ’માં પણ તેમણે પડદા પર સમાજના કચડાયેલા વર્ગનું સશક્ત રીતે પડદા પ્રતિનિધિત્વ કર્યું.
ઇબ્સનના પ્રસિદ્ધ નાટક ‘ડૉલ્સ હાઉસ’માં તેમણે તેમનાં પત્ની દમયંતી સાથે કામ કર્યું. એ નાટક બાદ દમયંતીનું નિધન થઈ જતાં એ આઘાતમાં બલરાજ સહાની મુંબઈ છોડીને રાવલપિંડી જતા રહ્યા. તેમને ફરી મુંબઈ બોલાવવાનું શ્રેય સાહિત્યકાર અમૃતલાલ નાગરને મળ્યું. ‘ગુંજન’ નામના ચિત્રમાં એક મહત્ત્વની ભૂમિકા માટે નાગરે તેમને આમંત્રણ આપ્યું. આ ચિત્ર વ્યાવસાયિક રીતે નિષ્ફળ ગયું, પણ તેઓ પછી મુંબઈમાં જ રહી ગયા. તેમણે લગભગ 95 ચિત્રોમાં કામ કર્યું. કારકિર્દીના અંતિમ સમયે દેશના ભાગલાની પીડા નિરૂપતા ચિત્ર ‘ગરમ હવા’માં તેમણે પરિવારના મુખિયા તરીકે જાનદાર અભિનય કર્યો હતો. આ ચિત્રના શૂટિંગ દરમિયાન જ તેઓ હૃદયરોગના હુમલાનો ભોગ બન્યા હતા. પડદા પર તેમણે ભજવેલાં પાત્રો મોટાભાગે ધીરગંભીર રહેતાં, જેમાં પોતાના સંવેદનશીલ અભિનયથી તેઓ જીવ રેડી દેતા. ભારત સરકારે તેમને 1969માં ‘પદ્મશ્રી’નો ખિતાબ આપ્યો હતો અને 1971માં પંજાબ રાજ્ય સરકારે તેમને ‘શિરોમણિ’ પુરસ્કાર આપ્યો હતો. સામ્યવાદી વિચારસરણી ધરાવતા હોઈ પક્ષના એક આંદોલનમાં ભાગ લેતાં તેમણે જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. તેમના પુત્ર પરીક્ષિત સહાની પણ અભિનેતા થયા.
નોંધપાત્ર ચિત્રો : ‘ધરતી કે લાલ’ (1946); ‘હમલોગ’, ‘હલચલ’ (1951); ‘દો બીઘાં જમીન’ (1953); ‘ગરમ કોટ’, ‘જોરુ કા ભાઈ’, ‘સીમા’ (1955); ‘દો રોટી’, ‘ટકસાલ’, ‘કઠપૂતલી’, ‘પરદેસી’, ‘ભાભી’ (1957); ‘ખજાનચી’, ‘ઘર ગૃહસ્થી’, ‘લાજવંતી’, ‘સોને કી ચીડિયાં’ (1958); ‘છોટી બહન’ (1959); ‘અનુરાધા’ (1960); ‘ભાભી કી ચૂડિયાં’, ‘અનપઢ’, ‘કાબુલીવાલા’ (1961); ‘હકીકત’ (1964); ‘વક્ત’ (1965); ‘સંઘર્ષ’ (1968); ‘એક ફૂલ દો માલી’, ‘દો રાસ્તે’ (1969); ‘પવિત્ર પાપી’ (1970); ‘ગરમ હવા’ (1973).
હરસુખ થાનકી