સહસવાન ઘરાણું : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનું એક ઘરાણું. તેનું નામ ઉત્તરપ્રદેશના બદાઇયું ઇલાકામાં આવેલા સહસવાન નામના એક શહેર પરથી પડ્યું છે.
અઢારમી સદીની શરૂઆતમાં સહસવાનના બે પ્રખર ગાયકો સાહેબુદૌલા તથા કુતુબુદૌલા અવધના દરબારી સંગીતકાર હતા. એમના શિષ્ય મહેબૂબખાંએ પોતાના પુત્ર ઇનાયતહુસેનખાંને સંગીતની પ્રાથમિક તાલીમ આપ્યા બાદ રામપુર દરબારના મહાન સંગીતકાર બહાદુરહુસેનખાં પાસે અધિક તાલીમ અપાવી. વખત જતાં ઇનાયતહુસેનખાં ઉચ્ચ કક્ષાના ગાયક થયા અને સહસવાન ઘરાણાના પ્રવર્તક લેખાયા. એમના શિષ્યો છજ્જુખાં, નઝીરખાં તથા ખાદિમહુસેનખાંએ સહસવાન ઘરાણાની ગાયકીમાં કેટલાક ફેરફાર કરીને ભીંડીબજાર ઘરાણું સ્થાપ્યું. એમના બીજા એક શિષ્ય મુશ્તાક-હુસેનખાં શાસ્ત્રીય સંગીત ઉપરાંત ઠૂમરી તથા ટપ્પાની શૈલી તેમજ રાગ સાગરના નિષ્ણાત હતા.
ઇનાયતહુસેનખાંએ તથા આ ઘરાણાના બીજા કેટલાક ગાયકોએ પુષ્કળ ઉમદા બંદિશો રચી છે.
હાલ આ ઘરાણાના શ્રેષ્ઠ ગાયકોમાં નિસારહુસેનખાં, હાફિઝ અહમદખાં તથા ગુલામમુસ્તફાખાંનો સમાવેશ થાય છે.
સહસવાન ઘરાણાની વિશિષ્ટતાઓ સપાટ તથા ટપ્પાના અંગની તાનો, મીંડ તથા સરગમ છે. તરાણા તથા ટપ્પાની શૈલીઓ માટે પણ આ ઘરાણું મશહૂર છે. મોહરમ વખતે કોઈ પણ સાજના આધાર વગર ગવાતાં સોઝ તથા મરસિયાનાં ગીતો પણ આ ઘરાણાના કલાકારો સુંદર રીતે ગાતા હોય છે.
બટુક દીવાનજી