સહભાગીદારી (copartnership) : ભાગીદારીમાં ધંધો કરવા માટે ટૂંકા સમય માટે સ્થાપવામાં આવેલી પેઢી. નફો વહેંચી લેવાના ઉદ્દેશથી સામાન્યત: ભાગીદારી પેઢીઓ શરૂ થાય છે અને કોઈ એક ધંધાને સતત ચાલુ રાખીને સતત નફો મેળવવાના ઉદ્દેશથી પણ ભાગીદારી પેઢીઓ ચાલતી હોય છે. આર્થિક ક્ષેત્રે એવા કેટલાક બનાવો બને છે કે જેનો લાભ લેવા માટે વ્યક્તિઓ અથવા તો પેઢીઓ થોડા સમય માટે ભેગી થાય છે. ભાગીદારીનો જે મૂળ નફો વહેંચવાનો હેતુ છે તે સહભાગીદારીમાં પણ હોય જ છે, પરંતુ તે સતત ચાલતા ધંધાને માટે અસ્તિત્વમાં આવતી નથી. તાત્ત્વિક રીતે જોઈએ તો આવી પેઢીઓ પણ ભાગીદારી પેઢીઓ જ છે, પરંતુ તે સતત ચાલતા ધંધા માટે સ્થપાતી નથી તેથી એની જુદી ઓળખ માટે તેને ‘સહભાગીદારી’થી ઓળખવામાં આવે છે; દા.ત., કોઈ એક મહાનગરપાલિકાના સ્કાય વે (sky way) બાંધવાનાં ટેન્ડર બહાર પડ્યાં હોય અને કોઈ એક યા વધારે બાંધકામ-પેઢીઓને ગણતરી કરતાં માલૂમ પડે કે તેમનાં પોતીકાં સાધનો ઓછાં પડશે તો તેવા સમયે બે અથવા વધારે ભાગીદારી પેઢીઓ અથવા વ્યક્તિઓ એ બાંધકામ કરવાના હેતુથી નવી ભાગીદારી પેઢી બનાવે અથવા સ્થાપે તો તે ‘સહભાગીદારી’ કહેવાય છે.
કેટલીક વાર હરીફાઈને કારણે બધી જ પેઢીઓનો નફો ઓછો થઈ જાય છે અથવા ખોટ જાય છે, તો એ ધંધામાં પડેલી પેઢીઓ ભેગી થઈને વૈધિક અથવા અવૈધિક ભાગીદારી પેઢી સ્થાપે અને તે દ્વારા ધંધો કરે અને તેમ કરતાં થતા નફાને કરાર અનુસાર વહેંચી લે તો તે પણ ‘સહભાગીદારી’ કહેવાય છે. સમય પસાર થતાં પેઢીઓને એમ લાગે કે માંગના પ્રમાણમાં પુરવઠો જાળવીને અપેક્ષિત નફો પોતે અલગ અલગ રીતે ધંધો કરીને પણ મેળવી શકશે ત્યારે તેઓ ‘સહભાગીદારી’નું વિસર્જન કરે છે.
નવાં સંશોધનો, નવાં ક્ષેત્રો અને નવા વર્ગો માટેના ધંધામાં પ્રવેશવાનું જોખમભર્યું હોય છે. આ ક્ષેત્રે રોકાતી મૂડી હવે વિશ્વમાં ‘સાહસિકતાની મૂડી’ (venture capital) તરીકે ઓળખાય છે. જૂની અથવા તો નવી પેઢીઓ અથવા તો વ્યક્તિઓ આ ‘સાહસિકતાની મૂડી’ ફાળો કરીને એકત્રિત કરે અને પછી જોખમ ખેડે તેટલા પૂરતી સ્થપાતી ભાગીદારી ‘સહભાગીદારી’ તરીકે ઓળખાય છે. જો સાહસ સફળ થાય તો જોડાયેલી પેઢીઓ પોતાના ધંધાના એક ભાગ તરીકે સમાવીને ‘સહભાગીદારી’નું વિસર્જન કરે છે.
અશ્વિની કાપડિયા