સહબાઈ, ઇમામબક્ષ

January, 2007

સહબાઈ, ઇમામબક્ષ (. ?, દિલ્હી; . 1857, દિલ્હી) : અરબી અને ફારસીના પ્રખર વિદ્વાન. તેઓ સૈયદ એહમદખાનના સાથી કાર્યકર અને મહાન કવિ ગાલિબના નિકટવર્તી મિત્ર હતા. અભ્યાસ બાદ દિલ્હી કૉલેજમાં તેઓ અધ્યાપક તરીકે જોડાયા હતા. મૌલવી મોહમદહુસેન આઝાદ તથા મુનશી પ્યારેલાલ આશૂબ તેમના ખાસ શિષ્યો હતા. તેઓ કાવ્યશાસ્ત્રમાં, ખાસ કરીને છંદમાં પારંગત ગણાતા.

સૈયદ એહમદખાન મુફતી સદરુદ્દીન આઝુર્દી અને મૌલવી ફઝલેહક ખૈરાબાદીના સાથીદાર હતા. તેમના સંબંધને અનુલક્ષીને ઘણું ટીકાટિપ્પણ સાહિત્યના ઇતિહાસમાં આલેખાયું છે.

સહબાઈએ મુનશી શમ્સુદ્દીન ફકીરની ખ્યાતનામ કૃતિ ‘હદાઇકુલબલાગત’નું ફારસીમાંથી ઉર્દૂમાં રૂપાંતર કર્યું અને 1842માં તે પ્રગટ કર્યું. તે ખૂબ લોકપ્રિય પુરવાર થયું છે. તેમણે ‘ઇલ્મે-અરૂઝ’ નામક ગ્રંથ છંદ:શાસ્ત્રપિંગળશાસ્ત્ર પર અને ‘ઇલ્મે બયાન’ નામક ગ્રંથ કાવ્ય-લેખનશાસ્ત્ર પર આપ્યા છે. આ ગ્રંથો ઘણા વખણાયા છે. આમ તો બંને અનૂદિત ગ્રંથો છે; છતાં, તેના અનુવાદમાં આપેલી નોંધ-ટીકા-ટિપ્પણ મહત્ત્વનાં સિદ્ધ થયાં છે. વળી તેમણે સૈયદ એહમદના મહાન ગ્રંથ ‘આસારુસ્સાનાદીદ’ના સંપાદનકાર્યમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. પથ્થરોમાં કંડારાયેલ કુરાનની આયાતોને વાંચી, લખી અને તેનો અનુવાદ કરવાના ભગીરથ કાર્યમાં તેમનો સહયોગ હતો. તેની પ્રથમ આવૃત્તિ 1847માં પ્રગટ થઈ હતી. 1857ના વર્ષમાં તેમના પર આફત ઊતરી આવી. તેમનું ઘર, એમાંની તમામ ઘરવખરી અને પુસ્તકભંડાર બધું બાળી નાખવામાં આવ્યાં; એટલું જ નહિ, અંગ્રેજોએ તેમની કતલ કરી નાખી.

મોહીયુદ્દીન બૉમ્બેવાલા