સહગલ, કે. એલ. (જ. 4 એપ્રિલ 1904, જમ્મુ; અ. 18 જાન્યુઆરી 1947, જાલંધર) : ચલચિત્રોના પાર્શ્ર્વગાયક, અભિનેતા. પૂરું નામ કુંદનલાલ સહગલ. પિતા અમરચંદ સહગલ. કે. એલ. સહગલનો જન્મ જાલંધરમાં થયો હોવાના પણ ઉલ્લેખ મળે છે, કારણ કે તેમના પિતાનું મકાન આ શહેરમાં છે. પણ સહગલના જન્મ પહેલાં તેઓ જમ્મુના નવાંશહર તાલુકામાં સામાન્ય કારકુન તરીકે ગયા હતા અને અહીંથી જ નાયબ મામલતદાર તરીકે નિવૃત્ત થયા હતા. કુંદનલાલ અભ્યાસમાં સાવ નબળા હતા. જમ્મુની એક નાટક મંડળી દ્વારા દર વર્ષે ભજવાતી રામલીલામાં તેઓ સીતાની ભૂમિકા ભજવતા. દીકરો નાટકવેડા કરે એ પિતાને જરાય પસંદ નહોતું. એમાંયે જ્યારે દીકરાએ ગાવાનું પણ શરૂ કર્યું, ત્યારે તો તેઓ તેમના પર એકદમ રોષે ભરાયેલા રહેતા. સહગલની કિશોરાવસ્થા અને યુવાનીના પ્રારંભ સમયનો કોઈ ચોક્કસ ઉલ્લેખ મળતો નથી, પણ 1930ના દાયકાના પ્રારંભે થોડા મહિના તેઓ દિલ્હીમાં રહ્યા બાદ 1932માં કોલકાતા જતા રહ્યા હતા. અહીં તેમનો પરિચય એ સમયના જાણીતા સંગીતકાર આર. સી. (રાયચંદ) બોરાલ સાથે થયો હતો.
બોરાલને કારણે સહગલ ચિત્રનિર્માણ કંપની ન્યૂ થિયેટર્સ સાથે મહિને 200 રૂપિયાના પગારે પાંચ વર્ષના કરારથી જોડાયા હતા. નાયક તરીકે તેમનું પહેલું ચિત્ર હતું ‘મોહબ્બત કે આંસુ’. એ જ વર્ષે ન્યૂ થિયેટર્સનાં બે અન્ય સાધારણ ચિત્રો ‘સુબહ કા સિતારા’ અને ‘જિંદા લાશ’માં પણ તેમણે કામ કર્યું. એ જ દિવસોમાં દિગ્દર્શક દેવકી બોઝ ‘પૂરન ભગત’ ચિત્ર બનાવી રહ્યા હતા. બોરાલના કહેવાથી દેવકી બોઝે આ ચિત્રમાં સહગલ પાસે ચાર ગીતો ગવડાવ્યાં. આ ચિત્ર ખૂબ સફળ થયું; એટલું જ નહિ, તેની સફળતા માટે સહગલે ગાયેલાં ગીતોને પણ યશ મળ્યો. ન્યૂ થિયેટર્સ માટે પણ આ જ ચિત્રે સફળતાનાં દ્વાર ખોલી આપ્યાં હતાં. ન્યૂ થિયેટર્સનું આ ચિત્ર હિંદી ચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ બની ગયું. આ ચિત્રને લીધે જ સહગલનો અવાજ ખૂબ લોકપ્રિય થયો.
દિગ્દર્શક પી. સી. (પ્રથમેશચંદ્ર) બરુઆ જ્યારે બંગાળીમાં ‘દેવદાસ’ બનાવી રહ્યા હતા ત્યારે પહેલાં તો સહગલને તેમાં કોઈ સ્થાન નહોતું અપાયું, પણ ફરી બોરાલના જ આગ્રહથી સહગલ પાસે બે બંગાળી ગીતો ‘કહેરે જે જોદાર્થ ચાઇ’ અને ‘ગોલાબ હોયે ઉથુક ફૂટે’ ગવડાવ્યાં. આ ચિત્ર તો સફળ થયું જ, પણ ફરી એક વાર બંગાળી શ્રોતાઓમાં પણ સહગલને ખૂબ લોકપ્રિયતા મળી. એ પછી 1933માં સહગલનાં બીજાં બે હિંદી ચિત્રો ‘યહૂદી કી લડકી’ તથા ‘કારવાન-એ-હયાત’ આવ્યાં. સહગલે એ પછી પણ જે ચિત્રોમાં કામ કર્યું એ તમામની સફળતામાં તેમણે ગાયેલાં ગીતોનું ખૂબ મોટું યોગદાન રહ્યું હતું. દેવકી બોઝે સહગલને જ લઈને 1934માં પોતાનું બંગાળી ચિત્ર ‘ચંડીદાસ’ હિંદીમાં બનાવ્યું. આ ચિત્રની જબ્બર સફળતાએ સહગલને ગાયક-અભિનેતા તરીકે સ્થાપિત કરી દીધા. એ જ વર્ષે સહગલનાં બીજાં બે ચિત્રો ‘ડાકુ મન્સૂર’ તથા ‘રૂપલેખા’નું પણ નિર્માણ થયું હતું. ‘રૂપલેખા’માં સહગલે ગાયેલું ગીત ‘સબ દિન ન હોત એક સમાન’ તેમનાં સદાબહાર ગીતોમાં સ્થાન પામી ચૂક્યું છે.
સહગલ એક ઉમદા ગાયક તરીકે તો જાણીતા બન્યા જ હતા, પણ ઉમદા અભિનેતા તરીકે તેમની પ્રતિષ્ઠા જમાવી આપી ‘દેવદાસે’. બંગાળી ‘દેવદાસ’માં એક નાની ભૂમિકા ભજવનાર સહગલ આ હિંદી ચિત્રના નાયક હતા. તેમણે ગાયેલાં ગીતો તથા તેમના અને સાથી કલાકારોનાં અભિનય તથા બીજાં તમામ ઉમદાં પાસાંઓને લઈને આ ચિત્ર એક નમૂનારૂપ ચિત્ર તરીકે ઇતિહાસમાં સ્થાન પામી શક્યું. આ ચિત્રનું ગીત ‘બાલમ આયે બસો મોરે મન મેં’ દેશભરમાં ગુંજી ઊઠ્યું હતું. એ પછી સહગલનાં જે ચિત્રો આવ્યાં તે ‘કરોડપતિ’, ‘પૂજારીન’, ‘ધરતીમાતા’, ‘દુશ્મન’ અને ‘ધૂપછાંવ’માં પણ તેમણે ગાયેલાં ગીતો લોકપ્રિય થયાં. 1938માં નિર્માણ પામેલું ચિત્ર ‘સ્ટ્રીટ સિંગર’ બીજી બધી રીતે સામાન્ય હતું, પણ સહગલનાં ગીતોએ જ તેને યાદગાર બનાવી દીધું હતું. આ ચિત્રમાં સહગલે ગાયેલું ‘બાબુલ મોરા નૈહર છૂટો જાયે’ આજે પણ તેમનાં શ્રેષ્ઠ ગીતો પૈકીનું એક છે. 1940માં બનેલું ચિત્ર ‘જિંદગી’ પણ હવે પ્રશિષ્ટ ચિત્ર લેખાય છે. તેમાં પણ સહગલે યાદગાર ગીતો ગાયાં હતાં.
1941 સુધી સહગલ ન્યૂ થિયેટર્સમાં રહ્યા. એ પછી તેઓ કોલકાતાથી મુંબઈ આવ્યા. કોલકાતામાં એક અભિનેતા-ગાયક તરીકે તેમણે મચાવેલી ધૂમ મુંબઈમાં પણ ગુંજી હોત, પણ અહીં તેમનાં પહેલાં બે ચિત્રો ખાસ સફળતા મેળવી શક્યાં નહિ, પણ પછી રણજિત મુવિટોનનાં બે ચિત્રો ‘તાનસેન’ અને ‘ભક્ત સુરદાસે’ ફરીવાર તેમના અવાજનો જાદુ પાથરી દીધો. પોતાની માત્ર 14 વર્ષની ટૂંકી કારકિર્દીમાં સહગલે માત્ર 36 ચિત્રોમાં કામ કર્યું; જેમાં 28 હિંદી, 7 બંગાળી અને એક તમિળ ચિત્ર હતું. પણ તેમણે ગાયેલાં સઘળાં ગીતો અમર બની ગયાં અને આમાંનાં ઘણાં ચિત્રો યાદગાર બન્યાં. સહગલે કુલ 185 ગીતો ગાયાં છે, જે પૈકી 142 ગીતો ચલચિત્રોનાં હતાં. તેમાં 110 હિંદી, 30 બંગાળી અને 2 તમિળ ભાષામાં તેમણે ગાયાં હતાં. ચલચિત્ર સિવાય તેમણે ગાયેલાં 43 ગીતોમાં 37 હિંદી, 2 બંગાળી, 2 પંજાબી અને 2 ફારસી/ઉર્દૂ ગીતો હતાં. રાગ ભૈરવી સહગલને સૌથી પ્રિય હતો. આ જ રાગમાં ગવાયેલું તેમનું ગીત ‘બાબુલ મોરા’ ખૂબ લોકપ્રિય થયું હતું.
સરળ સ્વભાવના કુન્દનલાલને મુંબઈની માયાવી નગરીનું વાતાવરણ અનુકૂળ આવ્યું નહિ. તે મદિરાપાનની લતે ચડી ગયા. આ વ્યસને તેમના અમૂલ્ય જીવનનાં વર્ષો ટૂંકાવ્યાં. સંગીતકાર નૌશાદના કહેવા પ્રમાણે તેમના ચિત્ર ‘શાહજહાં’ માટે તેમણે મદ્યપાન વિના ગાવા ભારે સમજાવટ પછી સફળતા મેળવી. 43 વર્ષની વયે તેમણે દેહત્યાગ કર્યો. સહગલના નિધનનાં આઠ વર્ષો બાદ 1955માં બી. એન. (બીરેન્દ્રનાથ) સરકારે સહગલના જીવન પર આધારિત એક ચિત્ર ‘અમર સહગલ’ બનાવ્યું હતું. તેમાં સહગલની ભૂમિકા જી. મુંગેરીએ ભજવી હતી. ભારતમાં ચલચિત્રોના કોઈ અભિનેતા કે ગાયકના જીવન પરથી બનેલું આ એકમાત્ર ચિત્ર છે. સહગલના પુત્રનું નામ મદન ને બે પુત્રીઓનાં નામ નીના મર્ચન્ટ અને બીના ચોપડા હતાં. આ ત્રણ પૈકી કોઈ હવે હયાત નથી.
નોંધપાત્ર ચિત્રો અને ગીતો : ‘પૂરન ભક્ત’ (1933), ‘ચંડીદાસ’ (‘પ્રેમનગર મેં’, 1934), ‘દેવદાસ’ (‘દુખ કે અબ દિન બિતત નાહીં’, ‘બાલમ આયે બસો મોરે મન મેં’, 1935), ‘પ્રેસિડેન્ટ’ (1937), ‘દુશ્મન’ (‘કરું ક્યા આશ નિરાશ ભઈ’, 1938), ‘સ્ટ્રીટ સિંગર’ (‘બાબુલ મોરા’, 1938), ‘જિંદગી’ (‘સોજા રાજકુમારી સોજા’, 1940), ‘ભક્ત સુરદાસ’ (1942), ‘તાનસેન’ (‘દિયા જલાઓ ઝગમગ ઝગમગ’, 1943), ‘માય સિસ્ટર’ (‘દો નૈના મતવારે’), ‘પ્રેસિડેન્ટ’ (‘એક બંગલા બને ન્યારા’, 1944), ‘શાહજહાં’ (‘જબ દિલ હી ટૂટ ગયા’, 1946), ‘પરવાના’ (1947).
હરસુખ થાનકી