સહકાર (સમાજશાસ્ત્ર) : સામાજિક આંતરક્રિયાનો સાર્વત્રિક જોવા મળતો એક પ્રકાર. આંતરક્રિયા કરતા પક્ષો (વ્યક્તિઓ/સમૂહો) જ્યારે પોતાના કોઈ સર્વસામાન્ય (common), સમાન કે પરસ્પરપૂરક ધ્યેયો સિદ્ધ કરવા માટે પરસ્પરને કોઈ પણ સ્વરૂપે સહાયક બને છે ત્યારે તે સહકારની સામાજિક આંતરક્રિયા કહેવાય છે.
તેમાં સંબંધિત પક્ષો વચ્ચે પરસ્પર વિધાયક/રચનાત્મક દૃષ્ટિ અને વલણ એક મુખ્ય તત્ત્વ છે. તેથી તેમની વચ્ચે પ્રવર્તતાં ભિન્નતા કે વિરોધ પ્રત્યે સ્પષ્ટ કે ગર્ભિત રીતે વત્તીઓછી સહિષ્ણુતા પણ અનિવાર્યપણે હોય છે. વળી સ્પર્ધા અને સંઘર્ષની તુલનામાં, સહકારમાં સંબંધિત બધા પક્ષોને પોતપોતાના ધ્યેયો પામવાની તક મળવાની શક્યતા પણ રહેલી છે. વળી, સહકારભર્યાં આંતરક્રિયા, વર્તનો અને સંબંધ જન્મગત નહિ; પરંતુ શીખીને પ્રાપ્ત થતી બાબત છે. વળી, કોઈ પણ પ્રકારના સમૂહ/સહજીવન માટે કોઈક સ્વરૂપે ઓછીવત્તી માત્રામાં સહકાર અનિવાર્ય હોય છે. એ જ સંદર્ભમાં સરોકિન તેમજ કોપોટ્કિન નોંધ્યું છે કે, માનવીની પ્રગતિમાં વ્યક્તિઓ તેમજ વર્ગો વચ્ચેનાં પારસ્પરિક દુશ્મનાવટ, ધિક્કાર અને સંઘર્ષ કરતાં પરસ્પર સહાનુભૂતિ, ઐક્ય અને સહકાર જ વધુ કારણભૂત હોય છે.
વળી વિવિધ અભ્યાસો એ દર્શાવે છે કે, કોઈ પણ સમાજ/સમૂહમાં સહકાર કે અન્ય કોઈ પણ એક જ પ્રકારની સામાજિક આંતરક્રિયા કે તેમાંથી સર્જાતા સંબંધો પ્રવર્તતા હોય તેવું હોતું નથી. દરેક સમાજ/સમૂહના સામાજિક વ્યવહારોમાં સહકાર, સ્પર્ધા, સંઘર્ષ, સમાયોજન (accomodation) વગેરે જેવી આંતરક્રિયાઓનું વત્તાઓછા પ્રમાણમાં સંયોજન થતું હોય છે. એ રીતે, નાનામોટા કોઈ પણ સમૂહના અસ્તિત્વ અને વિકાસમાં સહકાર અનિવાર્ય હોવા છતાં તે સિવાયની કોઈ આંતરક્રિયા(ઓ) કે તે આધારિત સંબંધો પણ તે સમૂહમાં વત્તાઓછા પ્રમાણમાં પ્રવર્તતા જ હોય છે. અહીં એક બીજી સ્પષ્ટતા પણ જરૂરી છે. સહકાર અને/અથવા સ્પર્ધા અને/અથવા સંઘર્ષ (કે અન્ય સામાજિક આંતરક્રિયાઓ) એકસાથે પણ ગૂંથાયેલી હોઈ શકે. બે સમૂહો વચ્ચે ચાલતાં સ્પર્ધા/સંઘર્ષ દરમિયાન સંબંધિત પ્રત્યેક સમૂહના સભ્યો વચ્ચે ગાઢ સહકારભરી આંતરક્રિયાઓ થતી હોય છે; એટલું જ નહિ, પરંતુ સંઘર્ષ કરતા વિરોધી સમૂહો (વર્ગો) વચ્ચે કેટલીક વાર નાછૂટકે પણ સહકારની આંતરક્રિયા થતી હોય છે; જેમ કે, માર્ક્સ દર્શાવે છે તેમ, વિરોધી હિતો ધરાવતા તથા તે માટે સંઘર્ષ કરતા કામદારો અને મૂડીપતિ માલિકો વચ્ચે નાછૂટકાના દુશ્મનાવટભર્યા સહકાર (antagonistic co-operation) વડે કારખાનાં ચાલતાં હોય છે. આવા સહકારને સ્વૈચ્છિકતાની દૃષ્ટિએ નાછૂટકાનાં ફરજિયાત સહકાર તરીકે પણ લેખી શકાય. તેથી ઊલટું, સમાન અને/અથવા પૂરક હિત/ધ્યેય માટે સ્વૈચ્છિક સહકારની આંતરક્રિયાનાં પણ ઘણાં ઉદાહરણો જોવા મળે છે. વળી, પ્રત્યક્ષતા-પરોક્ષતાની દૃષ્ટિએ પ્રત્યક્ષ/સીધા તેમજ પરોક્ષ સહકાર જેવા પ્રકાર પણ પાડવામાં આવે છે.
હસમુખભાઈ પટેલ