સસ્તન (Mammal) : પૃષ્ઠવંશી પ્રાણીઓનો સ્તન કે આંચળ ધરાવતાં અને મોટેભાગે બચ્ચાંને જન્મ આપતાં જળચર કે ભૂચર પ્રાણીઓનો એક વર્ગ.
લક્ષણો : સસ્તન પ્રાણીઓ સમતાપી તાપમાન ધરાવતાં અને ચામડી પર વાળનું આવરણ ધરાવતાં એમ્નીઓટ જૂથનાં પ્રાણીઓ છે. તેઓ બાહ્યકર્ણ એટલે કે કર્ણપલ્લવ (pinna) ધરાવે છે. મધ્ય-કર્ણ ઇન્કસ, મેલિયસ અને સ્ટેપીસ નામના ત્રણ નાજુક અસ્થિઓનો બનેલો છે. નીચલું જડબું માત્ર એક જ અસ્થિનું બનેલું હોય છે. મેસોઝોઇક સમય દરમિયાન સસ્તનોનાં ચાર જૂથ અસ્તિત્વમાં આવ્યાં, જે મલ્ટિટ્યૂબરક્યુલેટસ, મૉનોટ્રીમ્સ, મારસુપીઅલ્સ અને પ્લેસેન્ટલસ તરીકે જાણીતાં છે. મલ્ટિટ્યૂબરક્યુલેટસ આશરે 3 કરોડ વર્ષો પૂર્વે લુપ્ત થયાં હતાં. બાકીનાં ત્રણ જૂથનાં પ્રાણીઓ અત્યારે હયાત છે. સસ્તનોનાં બંને જડબાંઓમાં વિવિધ પ્રકારના દાંત હોય છે.
ઉત્ક્રાંતિ : સસ્તનોની ઉત્ક્રાંતિનો અભ્યાસ દર્શાવે છે કે શરૂઆતનાં સસ્તનો છછુંદર જેટલાં નાનાં કદનાં હતાં અને કીટકાહારી હતાં, પરંતુ 2005ના જાન્યુઆરીના ‘નેચર’ જર્નલમાં પ્રકાશિત લેખ પ્રમાણે 13 કરોડ વર્ષ પૂર્વેનો એક રેપેનોમેમસ(repenomamus)નો અશ્મિ એક મીટરથી પણ વધુ લંબાઈનો મળ્યો છે. તે જ રીતે 2006ના ફેબ્રુઆરીના ‘સાયંસ’ જર્નલના લેખ મુજબ ચીનમાંથી પ્રાપ્ત કેસ્ટોરોકોડા (castorocauda) 50 સેમી. લંબાઈનું સસ્તન હતું જે 16.4 કરોડ વર્ષો પૂર્વે હયાત હતું. વિવિધ પ્રકારનાં સસ્તનો મેસોઝોઇક સમયમાં ડાયનોસોરની હયાતી સાથે સહઅસ્તિત્વમાં હતાં. પરંતુ ડાયનોસોરનો સમૂહમાં વિનાશ થવાથી સીનોઝોઇક કાળમાં સસ્તનો પ્રભાવી બનવા લાગ્યાં. 80 લાખ વર્ષો પૂર્વે સસ્તનોએ વિવિધ ખોરાકપદ્ધતિ હાંસલ કરવા માંડી હતી અને મધ્યમથી અતિ વિશાળ કાયા ધરાવતાં સસ્તનો ઉત્ક્રાંત થયાં હતાં.
વર્ગીકરણ : Vaughan et al. (2000) મુજબ સસ્તનોનું વર્ગીકરણ નીચે મુજબ છે :
વર્ગ : સસ્તન
ઉપવર્ગ : પ્રોટોથેરિયા (Prototheria) : પ્લેટીપસ અને એકીડનાં અંડપ્રસવી સસ્તનો.
ઉપવર્ગ : થેરિયા (Theria) : અપત્યપ્રસવી સસ્તન જૂથ.
અધ:વર્ગ : મેટાથેરિયા (Metatheria) : મારસુપીઅલ્સ.
અધ:વર્ગ : યુથેરિયા (Eutheria) : પ્લેસેન્ટલ્સ.
ઉપવર્ગ પ્રોટોથેરિયાનાં લક્ષણો : અન્ય સસ્તનોથી વિપરીત પ્રોટોથેરિયા ઈંડાં મૂકે છે પરંતુ બચ્ચાંનું પોષણ દૂધ વડે થાય છે. આ સસ્તનો માત્ર ઑસ્ટ્રેલિયામાં જ જોવા મળે છે. દા.ત., ડક-બીલ્ડ, પ્લેટીપસ (બતકચાંચ) અને સ્પાઈની એન્ટઈટર (કાંટાળું કીડીખાઉ).
અધ:વર્ગ મેટાથેરિયાનાં લક્ષણો : તે મારસુપીઅલ્સ તરીકે જાણીતાં છે; જેમાં બચ્ચાનો અપક્વ (immature) અવસ્થામાં જન્મ થાય છે. ત્યાંથી માતાના વાળને સહારે ઘસડાઈને માતાના ઉદર પર આવેલ સ્તનની ડીંટીઓ પર વળગી દૂધ પીએ છે. સ્તન માતાના ઉદર પર આવેલી કોથળીથી ઢંકાયેલ હોવાથી બચ્ચાંને રક્ષણ મળે છે. મોટાભાગનાં મારસુપીઅલ્સ ઑસ્ટ્રેલિયાનાં મૂળ નિવાસી (native) છે. દા.ત., કાંગારુ.
અધ:વર્ગ યુથેરિયાનાં લક્ષણો : પ્લેસેન્ટલ્સ તરીકે ઓળખાતાં આ સસ્તનોનો વિકાસ માતાના ગર્ભાશયમાં થાય છે અને ગર્ભ જરાયુ કે ઓર વડે માતા સાથે જોડાયેલ રહે છે. યુથેરિયાની મુખ્ય દસ શ્રેણી (order) નીચે મુજબ છે :
(1) ઇન્સેક્ટિવોરા (Insectivora) કીટાદ : આ એક પ્રાચીન (primitive) શ્રેણી છે. દા.ત., છછુંદર (common shrew).
(2) કાયરોપ્ટેરા (Chiroptera) ચામાચીડિયાં : અગ્રઉપાંગ (forelimb) લંબાઈને ચામડી જોડાઈને પાંખમાં રૂપાંતરિત થયેલાં હોય છે. દા.ત., વડવાગોળ, ચામાચીડિયું.
(3) પ્રાઇમેટસ (Primates) અંગુષ્ઠધારી : આંખો અને મગજનું કદ મોટું. હાથ પકડી શકે (prehensice) તેવો અંગૂઠો પકડમાં મદદ કરે તેવો, નહોરની જગાએ ચપટા નખ. દા.ત., લેમૂર, વાંદરાં, લોરીસ, ચિમ્પાન્ઝી, મનુષ્ય.
(4) કાર્નીવોરા (Carnivora) માંસાદ :
સામાન્યપણે માંસાહારી, દરેક ઉપાંગની ચાર-ચાર આંગળીઓમાં નહોર. દા.ત., સિંહ, વરુ, વાઘ; સીલ, વાલરૂસ (દરિયાઈ).
(5) સીટેસિયા (Cetacea) : વ્હેલ અને ડૉલ્ફિન જેવાં પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ શ્રેણીનાં પ્રાણીઓ જલનિવાસી હોય છે. તેમને પશ્ર્ચ ઉપાંગ (hind limbs) હોતાં નથી. કેટલાકને દાંત હોય છે, અન્ય કેટલાક ગાળણક્રિયાથી ખોરાક લે છે.
(6) પ્રોબોસિડીયા (Proboscidea) શુંડી : હાથી અને ડુગાંગ જેવાં પ્રાણીઓ ધરાવતી આ શ્રેણીનાં પ્રાણીઓના ઉપલા છેદક દાંત (incisors) દંતૂશળ(tusks)માં રૂપાંતરિત થયેલા હોય છે. નાક અને ઉપલો હોઠ મળી લાંબી સૂંઢ (trunk) બનાવે છે.
(7) આર્ટિઓડેક્ટીલા (Artiodactyla) : બેકી સંખ્યામાં પાદાંગુલિ (even-toed) ધરાવે છે. સામાન્ય રીતે દરેક ઉપાંગમાં ખરી (hoof) ધરાવતાં બે આંગળાં જોવા મળે છે. ખોરાકને વાગોળતાં (rumination) હોવાથી જઠર ખાસ પ્રકારનું હોય છે. સામાન્ય રીતે શિંગડાં (horns) જોવાં મળે છે. દા.ત., હરણ, જીરાફ.
(8) પેરિસ્સોડેક્ટીલા (Perissodactyla) : એકી સંખ્યામાં પાદાંગુલિ (odd-toed) ધરાવે છે. દા.ત., ઘોડો, ઝીબ્રા.
(9) રોડેન્શિયા (Rodentia) કર્તનશીલ : ત્રણ હજારથી પણ વધુ જાતિસંખ્યા ધરાવતી આ શ્રેણીમાં ઉપલા તથા નીચલા જડબામાં એક-એક જોડ છેદક (incisors) દાંત કાતરવાનું કામ કરે છે. આ દાંત સતત વૃદ્ધિશીલ હોવાથી આ પ્રાણીઓ લાકડા જેવી વસ્તુઓ સતત કાતરીને દાંતનું યોગ્ય કદ જાળવી રાખે છે. છેદક દાંત અને દાઢ વચ્ચે દંતાવકાશ (diastema) હોય છે. દા.ત., ઉંદર.
(10) લેગોમોર્ફા (Lagomorpha) : સસલાં (rabbits and hares) અને પીકા(pika)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત આર્મેડિલો, સ્લોથ, કીડીખાઉ અને આર્ડવાર્ક જેવાં પ્રાણીઓનો સમાવેશ એડેન્ટેટ્સ (edentates) શ્રેણીમાં થાય છે; જે કીડી, ઊધઈ જેવાં કીટકો ખાય છે.
શરીરરચના : કંકાલતંત્ર : મોટાભાગનાં પ્રાણીઓની ડોક કે કરોડરજ્જુમાં સાત મણકા (cervical vertebrae) આવેલા હોય છે. દા.ત., માણસ, જીરાફ, વ્હેલ. નીચલું જડબું એક જ અસ્થિનું હોય છે.
રુધિરાભિસરણતંત્ર : સસ્તનનું હૃદય ચાર ખાનાંઓમાં વિભાજિત હોય છે : ડાબું અલિંદ, જમણું અલિંદ, ડાબું નિલય અને જમણું નિલય. અલિંદ રુધિર મેળવે છે જ્યારે નિલય દ્વારા રુધિરનું પંપિંગ થાય છે. પ્રાણવાયુ વગરનું રુધિર ફેફસાંઓમાં શુદ્ધ થઈ પ્રાણવાયુ મેળવી તેવું રુધિર જ શરીરમાં પંપ થાય છે.
મગજ : બધાં જ સસ્તનોમાં નીયોકોર્ટેક્ષ (neocortex) જોવા મળે છે જે સસ્તનોની ખાસિયત છે.
ચામડી : ચામડી એપિડર્મીસ, ડર્મીસ અને હાઇપોડર્મીસ જેવા સ્તરની બનેલી હોય છે. ચામડીમાં પ્રસ્વેદગ્રંથિઓ આવેલી હોય છે તથા તે વાળથી ઢંકાયેલી હોય છે.
પ્રજનન : અંડપ્રસવી સિવાયનાં સસ્તન બચ્ચાં જણે છે. સ્તન કે આંચળ દ્વારા બચ્ચાંને દૂધનું પોષણ પૂરું પાડે છે.
ઉડ્ડયન : સસ્તનોમાં ખરા અર્થમાં ઉડ્ડયનનો વિકાસ ચામાચીડિયાંએ કરેલ છે.
ભારતીય સસ્તન : Nameer. P. O.(2000)ના મતાનુસાર દુનિયાના 8.86 % સસ્તનો એટલે કે ચારસો દસ જાતિઓ ભારતમાં હયાત છે. આ જાતિઓ 186 પ્રજાતિ, 45 વંશ (કુળ) અને 13 શ્રેણીમાં ગોઠવાયેલી છે.
લગભગ 89 જાતિઓને IUCN દ્વારા ભયગ્રસ્ત જાહેર કરાઈ છે (IUCN 2006), તે પૈકી એશિયાટિક સિંહ અને ઘુડખર (wildass) માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે.
વિનોદ સોની