સસલું : લાંબા કર્ણ, ટૂંકી પૂંછડી, કૂદકા મારી ચાલતું, રુવાંટીવાળું સસ્તન વર્ગનું નાજુક પ્રાણી. સસ્તન વર્ગની લૅગોમોર્ફા (Lagomorpha) શ્રેણીનું આ પ્રાણી વિશ્વના ઘણાખરા દેશોમાં મળી આવે છે. ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડમાં વસાહતી અંગ્રેજોએ ઓગણીસમી સદીમાં પ્રથમ દાખલ કર્યું. હવે ત્યાં સસલાંની વસ્તી ખૂબ વધી ગઈ છે. ભૂખરા રંગની મૂળ જંગલી જાતિમાંની તેની વિવિધ રંગો ધરાવતી જાતિઓ ઊતરી આવી છે. તેનું શાસ્ત્રીય નામ ઑરિક્ટોલેગસ ક્યુનિક્યુલસ (Oryctolagus cuniculus) છે, જે ભૂખરાં બદામી, સફેદ કે ટપકાંવાળા રંગનાં હોય છે. દેખાવે રૂપાળું લાગતું સસલું પ્રકૃતિથી શાંત અને બીકણ છે. તે જમીનમાં લાંબું દર બનાવે છે, જેમાં બહાર નીકળવાના એક કરતાં વધુ રસ્તા હોય છે. સસલું વનસ્પતિ-આહારી છે અને ખોરાક માટે મોટેભાગે રાત્રે દરમાંથી બહાર નીકળે છે.

સસલું

સસલાની ઘણી જાતિઓ જોવા મળે છે. તે પૈકી લેપસ (Lepus sp.) અને ઑરિક્ટોલેગસ (Oryctolagus sp.) પ્રજાતિઓની જાતિઓ મુખ્ય છે. લેપસ પ્રજાતિનાં સસલાં વન્યજીવો છે, જ્યારે ઑરિક્ટોલેગસ પ્રજાતિનાં સસલાં વન્ય પણ છે અને પાળેલાં સંકરીત જાતિનાં પણ ખૂબ છે. ઑરિક્ટોલેગસ પ્રજાતિનાં સસલાંમાં ઘણી પેટા જાતિઓ સંકરણથી પેદા થઈ છે. મોટેભાગે ઝૂ કે અંગત પાળેલાં સસલાં (rabbit) આ પ્રકારનાં હોય છે. ભારતમાં કુદરતી પર્યાવરણમાં માત્ર Lepus પ્રજાતિનાં સસલાં (hare) જોવા મળે છે.

શરીરરચના : સસલાના શરીર પર સુંવાળા વાળનું આચ્છાદન હોય છે. તેનું શરીર શીર્ષ, ધડ અને પૂંછડીમાં સ્પષ્ટ રીતે વિભાજિત થયેલું હોય છે. વળી શીર્ષ અને ધડને જુદા પાડતી ગ્રીવા પણ હોય છે. આ પ્રાણીના ઉપલા ઓઠ પર એક લાંબી ઊભી ફાટ આવેલી હોવાથી તેના ઉપરના મજબૂત છેદક દાંતો સ્પષ્ટ દેખાય છે. સામાન્ય સસલાની લંબાઈ 40 સેમી. જેટલી હોય છે. તેના મુખને ફરતે આવેલા સંવેદી લાંબા, કડક કેશને પક્ષ્મશ્રુ (vibrae) કહે છે. સસલાનો અવાજ ‘તીણી ચીસ’ જેવો હોય છે.

સસલાના ખોરાકમાં શાકભાજી, ગાજર, વિવિધ કંદમૂળો, કૂણું ઘાસ વગેરેનો સમાવેશ થાય છે. શાકાહારી હોવાથી સસલાનો અન્નમાર્ગ લાંબો હોય છે. સસલાના રુધિરમાં રક્તકણોની સંખ્યા, મનુષ્યના રુધિર કરતાં 8થી 10 ગણી વધુ હોય છે (1 ઘન મિમી. = 60 રક્તકણો). તેની દોડવાની ઝડપ સામાન્ય સંજોગોમાં પ્રતિકલાક 4 કિલોમીટર જેટલી જોવા મળે છે; પરંતુ ભયજનક પરિસ્થિતિમાં તેની આ ઝડપ પ્રતિકલાકે 32થી 40 કિલોમીટર સુધી પહોંચી શકે છે. સસલાંની ઉદરગુહામાં મૂત્રપિંડની એક જોડ આવેલી હોય છે, જેમાંથી નીકળતી મૂત્રવાહિનીઓ મૂત્રાશયમાં ખૂલે છે.

સસલાંમાં એકબીજા સાથે સંદેશા આપ-લે(communication)ની બાબતમાં નાવીન્ય જોવા મળે છે. સસલાં આગલા બે પગ પર ઊભા રહી પાછલા પગ જમીન પર પછાડે છે. આ રીતે થતાં અવાજ અને કંપન દૂર ઊભેલાં સસલાં સમજી જાય છે.

આ પ્રાણીનો પ્રજનનકાળ જાન્યુઆરીથી જૂન માસ સુધીનો હોય છે. આ સમયમાં નર સસલું, એક કરતાં વધુ માદા સસલાના સાહચર્યમાં રહે છે. સંવનન અને સમાગમને અંતે માદા ગર્ભધારણ કરે છે. ગર્ભાધાનનો સમય લગભગ 1 માસનો હોય છે. બચ્ચાંના જન્મ પહેલાં માદા કેટલીક પૂર્વતૈયારી કરે છે. સૌપ્રથમ પોતાના દરમાં સૂકું ઘાસ પાથરી તેના પર પોતાની પીઠ પરના વાળ ખેંચી, તેની સુંવાળી, સુંદર, હૂંફાળી ગાદી તૈયાર કરે છે. આ પૂર્વતૈયારી બાદ માદા એકીસાથે 6થી 8 જેટલાં બચ્ચાંને જન્મ આપે છે. નવજાત શિશુની આંખ આશરે દસેક દિવસ સુધી બરાબર ખૂલતી પણ નથી અને તે માતા પર અવલંબી હોય છે, તેથી માતા બચ્ચાં સાથે રહીને તેમની સંભાળ લે છે. ખોરાકની શોધ માટે માતા બહાર નીકળતી વખતે દરનું મુખ બંધ કરી દે છે. ત્યારબાદ પણ છએક મહિના સુધી માતા બાળસંભાળની જવાબદારી ઉપાડે છે. આ કાળ દરમિયાન બચ્ચાંને સુરક્ષિત રાખવા માટે જરૂર પડ્યે તેમને મોંમાં પકડી અન્યત્ર લઈ જાય છે. વન્ય ‘હેર’-સસલાંમાં બચ્ચાં જન્મે છે ત્યારે તેમની આંખો ખુલ્લી હોય છે અને તેમનો વિકાસ ઝડપી હોય છે. બધી જ જાતિઓમાં સંતાનો પુખ્ત બનતાં સ્વતંત્ર જીવન પસાર કરે છે. હેર (hare) સસલાંની પ્રજાતિ લેપસ (Lepus) છે, જ્યારે રૅબીટ(rabbit)ની પ્રજાતિ ઑરિક્ટોલેગસ (Oryctolagus) છે. બંને સસ્તન વર્ગની લૅગોમોર્ફા શ્રેણીનાં પ્રાણી છે. ઑસ્ટ્રેલિયા/ન્યૂઝીલૅન્ડમાં દાખલ કરેલાં સસલાં ઑરિક્ટોલેગસ પ્રજાતિનાં છે.

સસલાંની આર્થિક અગત્ય : ઘણા લોકો સસલાંને શોખથી પાળે છે. સસલાંને પિંજરામાં કે કાણાવાળી પેટીમાં મૂકવાં હિતાવહ છે. જમીન પર રહેતાં સસલાંને જમીન ખોદવાની આદત પડે છે. સસલાંનું માંસ સ્વાદિષ્ટ અને પૌદૃષ્ટિક હોવાથી ધંધાકીય દૃષ્ટિએ તેમનું પાલનપોષણ કરી ઉછેર કરવામાં આવે છે. સસલાંની રુવાંટી અત્યંત સુંવાળી અને મૃદુ હોય છે. ખાસ કરીને કીમતી ગરમ કપડાં અને પર્સ કે મની-બૅગ્ઝ તેનાં ફર સાથેનાં ચામડાંમાંથી બનાવવામાં આવે છે.

તબીબી ક્ષેત્રે માનવ-સ્વાસ્થ્ય માટે વિકસાવવામાં આવતી દવાઓની ચકાસણી માટે પ્રયોગશાળામાં સસલાંનો ઉપયોગ થાય છે. સિરોલૉજીના અભ્યાસ માટે સસલાં ખાસ ઉપયોગી છે. તેની રક્તવાહિનીમાં ખાસ રસાયણોનાં ઇંજેક્શન આપી રોગપ્રતિકારક ઍન્ટિબૉડી વિકસાવવામાં આવે છે. આમ ઔષધ-વિજ્ઞાન પ્રયોગશાળામાં સસલાં ઉપર અનેક અખતરા કરવામાં આવે છે.

સસલાં અને ઉપદ્રવકારકતા (pests) : ઈ. સ. 1700ના અંતભાગમાં ઑસ્ટ્રેલિયામાં પ્રથમ સસલાં પાળેલાં પ્રાણી તરીકે દાખલ કરવામાં આવ્યાં. ઈ. સ. 1800ના અંત સુધીમાં ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડમાં સસલાંની એટલી બધી વસ્તી વધી ગઈ કે ત્યાં તે ખેતી અને બાગાયતમાં ઉપદ્રવકારક પ્રાણી તરીકે જાણીતું થયું.

જ્યાં સસલાંનો શિકાર ઓછો થાય છે અગર જ્યાં સસલાંને નૈસર્ગિક દુશ્મનો ઓછા જોવા મળે છે ત્યાં સસલાં ખેતીપાકોને નુકસાન કરે છે. જંગલોમાં પણ જ્યાં નવા રોપાઓ રોપવામાં આવ્યા હોય ત્યાં તેમની કુમળી છાલ ખાઈને એ ઊગતા રોપાઓનો નાશ કરે છે. બાગાયત અને નર્સરીને પણ નુકસાન પહોંચાડે છે. ગુજરાતમાં ખેતી-પાકોમાં સસલાંનો મોટો ઉપદ્રવ જોવા મળતો નથી, કારણ કે જંગલ કે વગડામાં દિવસે અને રાત્રે શિયાળ, કૂતરાં, વરુ, રાનબિલાડાં, બાજ, ગરુડ કે ઘુવડ જેવા સસલાંના શિકારીઓ તેમની વસ્તીનું નિયંત્રણ કરે છે. જ્યાં ઉપદ્રવ વધુ હોય તેવા દેશોમાં જુદી જુદી જાતનાં પિંજરાં મૂકી તેમને પકડવામાં આવે છે. જ્યાં નવા રોપાઓની છાલ ખાઈને નુકસાન થતું હોય ત્યાં થડ (રોપાના) ઉપર થાયરમ જેવી ફૂગનાશક દવા ચોપડવાથી તે પ્રતિકર્ષક (repellent) પદાર્થ જેવું કામ કરી રોપને બચાવે છે.

સસલું જમીન ખોતરીને જીવાતોનો નાશ કરે છે અને સૂક્ષ્મ પરિસ્થિતિકીય તંત્રમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

દિલીપ શુક્લ

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ

પરબતભાઈ ખી. બોરડ