સવિતા : વેદમાં રજૂ થયેલા દેવ. કદૃશ્યપ અને અદિતિના બાર પુત્રો, જે આદિત્યો કહેવાય છે તે પૈકીનો એક આદિત્ય. સૂર્ય, વિવસ્વાન્, પૂષા, અર્યમા, વરુણ, મિત્ર, ભગ વગેરે દેવોને ઋગ્વેદમાં સ્વતંત્ર ને અલગ જ દેવ માન્યા છે છતાં તે બધા એક જ સૂર્ય કે સવિતૃદેવનાં વિભિન્ન રૂપો જણાય છે.
‘સવિતા’ શબ્દ ધાતુમાંથી નિષ્પન્ન થયો છે. તે દ્વારા પ્રેરણા આપનાર, ઉદ્દીપ્ત કરનાર, જાગ્રત કરનાર અને ઐશ્વર્ય પ્રદાન કરનાર વગેરે અર્થ પ્રાપ્ત થાય છે.
ઋગ્વેદનાં 11 સૂક્તોમાં પૂર્ણતયા ને અન્ય અનેક સૂક્તોમાં અંશત: સવિતાનું નિરૂપણ થયું છે. તેમના નામનો નિર્દેશ 170 વાર થયો છે.
વેદોમાં સવિતૃનાં જે લક્ષણ દર્શાવ્યાં છે તે પ્રમાણે તો સવિતા એટલે પોતાના પૂર્ણ તેજમાં પ્રકાશતો સૂર્ય. ઋગ્વેદમાં સૂર્યબિંબરૂપે તો તેમનાં અનેક વર્ણનો ઉપલબ્ધ થાય છે, જેમાં સૂર્યના ગુણોનું કાવ્યમય વર્ણન છે. સૂર્ય અને સવિતાની એકરૂપતા નિર્દેશતાં કહ્યું છે કે, સવિતાએ પોતાની તેજસ્વિતાથી સમગ્ર સંસારને પ્રકાશમય કર્યો અને પ્રકાશિત સૂર્યે આકાશ, પૃથ્વી અને અંતરિક્ષને પોતાનાં કિરણોથી ભરી દીધાં. વળી ‘પ્રસવિતૃ’ એટલે કે ઐશ્વર્યદાતા એ પદનો પ્રયોગ સૂર્ય માટે કરાયો છે. આમ છતાં, ક્યાંક સૂર્ય અને સવિતા બંને અલગ હોવાના પણ નિર્દેશ છે.
યાસ્ક તેમના ‘નિરુક્ત’ (12.12)માં જણાવે છે કે જ્યારે અંધકાર નાશ પામે છે ત્યારે જ સવિતા પ્રકટે છે. ‘ઋગ્વેદ’ – 5.81માં સાયણ નોંધે છે કે, ઉદય પામતાં પહેલાં સૂર્ય સવિતૃ કહેવાય છે અને તે પછી, ઉદયથી અસ્ત સુધી તેને સૂર્ય કહે છે; પરંતુ ક્યાંક સવિતાને નિદ્રા પ્રદાન કરનાર પણ કહ્યા છે. તેઓ સૌ પ્રાણીઓને વિશ્રામ આપે છે તથા તેમને જગાડે પણ છે. પ્રાણીમાત્રને જીવન આપનાર અને જાગ્રત કરનાર તરીકે પ્રાત:કાળે તે પોતાના લાંબા સુવર્ણકર ઊંચા કરે છે, સર્વ પ્રાણીઓને નિદ્રામાંથી જગાડે છે, તેઓમાં ઉત્સાહ પ્રેરે છે અને સાંજે તેમને પુન: નિદ્રામાં લીન કરે છે. આ પ્રકારનાં વર્ણન વેદોમાં મળે છે.
યાસ્ક ‘સવિતૃ’નો અર્થ सर्वस्व प्रसविता એવો કરે છે. જો સવિતાને સૂર્ય સાથે એકરૂપ માનવામાં આવે તો તેઓ પ્રેરકદેવ રૂપે ઊપસી આવે છે, જ્યારે સૂર્યથી ભિન્ન માનવામાં આવતાં, સવિતા એક અમૂર્ત દેવ છે. વૈદિક ઋષિઓ તેમને સૂર્યની દિવ્યશક્તિનું મૂર્તિમંત સ્વરૂપ માને છે, જ્યારે સૂર્ય પોતે તો સ્થૂળ દેવ છે. ઓલ્ડનબર્ગના મતે સવિતાદેવ પ્રેરણાની અમૂર્ત ધારણાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમનો સૂર્ય સાથેનો સંબંધ તો ગૌણ રૂપે જ નિરૂપાય છે.
સવિતાની ઉત્પત્તિ અંગે અનેક નિર્દેશ પ્રાપ્ત થાય છે. ઋગ્વેદમાં ઇન્દ્ર, મિત્રાવરુણ, સોમ, ઇન્દ્રસોમ, ઇન્દ્રવિષ્ણુ, ઇન્દ્રવરુણ, અગ્નિ અને ધાતૃ તથા અંગિરસ દેવ વડે સવિતાની ઉત્પત્તિ થઈ હોવાનું જણાવાયું છે.
સવિતાનું સ્વરૂપવર્ણન જોઈએ તો તેમને વેદોમાં સ્વર્ણનેત્ર, સ્વર્ણહસ્ત, સ્વર્ણજિહ્વા, સ્વર્ણજંઘા ને સ્વર્ણિમ ભુજાઓવાળા કહ્યા છે. આ ઉપરાંત, તેમને વિશાળ ભુજાઓવાળા, સુંદર હાથવાળા, આનંદદાયી ને સુંદર જિહ્વાવાળા તથા પીળા કેશવાળા પણ વર્ણવ્યા છે. એક વાર તેમને લોઢાના જડબાવાળા કહ્યા છે. તેઓ સર્વરૂપ ધારણ કરનારા છે. તેમની પાસે સ્વર્ણસ્તંભવાળો રથ છે, જેને બે તેજસ્વી અશ્ર્વો દ્વારા અથવા તો શ્વેત ચરણવાળા બે કે બેથી વધારે ભૂરા અશ્ર્વો દ્વારા ખેંચવામાં આવે છે. વળી રક્ત વર્ણની શ્વેત પાદવાળી ઘોડીઓથી ખેંચેલા રથમાં બેસી તેઓ આકાશમાં ફરે છે. પોતાના આ સ્વર્ણરથમાં બેસીને સૌ પ્રાણીઓને જોતા તેઓ આરોહક ને અવરોહક પથ પર ભ્રમણ કરે છે. ઉષ:કાળ થતાં પહેલાં જ તેઓ અશ્વિનોના રથને પ્રેરે છે ને ઉષાના પથને અનુસરે છે. તેમણે પૃથ્વીનાં સ્થાનોને માપ્યાં છે. તેઓ દ્યુલોકનાં ત્રણ ઉજ્જ્વળ ક્ષેત્રોમાં જાય છે. સૂર્યનાં કિરણો સાથે તેમને સાંકળીને એક પ્રસંગે જણાવાયું છે કે સૂર્યકિરણોથી પ્રકાશિત પીળા કેશવાળા સવિતા નિરન્તર પૂર્વ દિશામાંથી પોતાનો પ્રકાશ પ્રગટ કરતા રહે છે. આ એકમાત્ર સ્થળે સવિતાને માટે ‘સૂર્યરશ્મિ’ એવું વિશેષણ પ્રયોજાયું છે. તે દ્વારા સૂર્ય કે જે સૌનો પ્રેરક છે, તેનાં કિરણ એ સવિતાનાં જ કિરણ છે એવો અર્થ અભિપ્રેત છે. તેઓ ત્રણે અંતરિક્ષ (= વાયુ, વિદ્યુત ને વરુણ) ત્રિલોક અને દ્યુલોકનાં ત્રણ ઉજ્જ્વળ ક્ષેત્રોને વ્યાપીને રહેલા છે. અંતરિક્ષમાં રહેલ તેમના માર્ગ ધૂલિરહિત અને સારી રીતે નિર્મેલા છે, જેના પર આવી તેઓ પોતાના ઉપાસકોની રક્ષા કરે છે. તેઓ દેવોને અમરત્વ આપનારા તથા મનુષ્યોના આયુષ્યને વધારનારા છે. પોતાનાં કાર્યોની મહાનતાને લીધે તેમના ગૃહ સુધી ગયેલ ઋભુઓને તેમણે અમર બનાવ્યા છે. સૂર્યની જેમ તેઓ દુ:સ્વપ્નનો નાશ કરે છે અને મનુષ્યોને પાપરહિત કરે છે. તેઓ દુષ્ટાત્માઓ તથા અભિચારકર્મ કરનારાઓને પણ હાંકી કાઢે છે. અન્ય દેવોની જેમ તેઓ આકાશને ધારણ કરે છે. તેમણે નિયંત્રણ દ્વારા એટલે કે વૃદૃષ્ટિપ્રદાનાદિ ઉપાયો કે વાયુના પાશ વડે પૃથ્વીને તથા સ્તંભરહિત શૂન્યમાં આકાશને ઢ કર્યું છે. તેમની પાસે મહાન સ્વર્ણવૈભવ છે, જેને તેઓ વિસ્તારે છે. તેઓ વાયુ, આકાશ અને પૃથ્વી વગેરેને પ્રકાશમય કરી દે છે. પોતાની સ્વર્ણભુજાઓને ઊંચી કરીને તેઓ સૌ પ્રાણીઓને જગાડે છે અને આશીર્વાદ આપે છે. તેમની આ સ્વર્ણભુજાઓ છેક પૃથ્વીના છેડા સુધી પહોંચે છે. ભુજાઓ ઊંચી કરવારૂપ આ લક્ષણને આગળ કરી સવિતાદેવ સાથે અન્ય દેવોને સરખાવવામાં આવે છે. અગ્નિના વિશેષણરૂપ दमूनस् શબ્દનો પ્રયોગ સવિતા માટે પણ કરાયો છે. વળી, અગ્નિના જ એક અન્ય વિશેષણને સવિતા સાથે જોડી તેમને જલના પુત્ર તરીકે પણ એક વાર વર્ણવ્યા છે. આ અંગે યાસ્ક જણાવે છે કે, મધ્યમસ્થાન એટલે કે વાયુમંડળમાં રહેલ સવિતા વર્ષા કરાવે છે. દ્યુસ્થાનમાં રહેલ સૂર્યને જ સવિતા કહે છે. આમ સવિતાદેવ મધ્યમસ્થાન અને દ્યુસ્થાન એમ બંને સ્થાનના દેવોમાં ગણના પામે છે. અન્ય અનેક દેવોની જેમ સવિતાને પણ અસુર કહ્યા છે. તેઓ ઢ નિયમોનું પાલન કરાવે છે. વાયુ અને જલ તેમના વિધિનિયમોને અધીન રહે છે. તેઓ જલનું નેતૃત્વ કરે છે ને તેમના પ્રવર્તન થકી જ જલ વિસ્તૃત રૂપે પ્રવાહિત થાય છે. અન્ય દેવો પણ તેમના નેતૃત્વને સ્વીકારે છે. ઇન્દ્ર, વરુણ, મિત્ર, રુદ્ર વગેેરે પણ તેમના વ્રતનિયમને રોકી શકતા નથી. વસુગણ, અદિતિ, વરુણ, અર્યમા વગેેરે પણ તેમની સ્તુતિ કરે છે. સવિતા સમગ્ર વિશ્વનું સર્જન કરનાર હોઈ વિશ્વકર્મા પણ કહેવાય છે. તેઓ દેવોના પુરોહિત છે તથા મિત્ર, વરુણ આદિ અન્ય દેવોના સખા છે તેથી તે દેવોને માટે કરાતી પ્રાર્થના સવિતા દ્વારા તેમના સુધી પહોેંચે છે. સવિતાને ‘પ્રજાપતિ’ પણ કહ્યા છે. ‘તૈત્તિરીય બ્રાહ્મણ’માં કહ્યું છે કે, સવિતા બનીને પ્રજાપતિએ સર્વ પ્રાણીઓને સર્જ્યાં. સવિતા જ ઐશ્વર્ય પ્રદાન કરનાર શક્તિના અધિપતિ છે. પોતાની ગતિથી તે પૂષા બને છે. પૂષા અને સૂર્યની જેમ સવિતા પણ સર્વ સ્થાવરજંગમના અધિપતિ છે. તેઓ સર્વ વાંછનીય પદાર્થોના અધિપતિ છે. સમગ્ર માનવસૃદૃષ્ટિ તેમના પર નિર્ભર છે. તેથી જ સંધ્યાવંદન જેવાં ધાર્મિક નિત્યકર્મોમાં તેમને અર્ઘ્ય આપીને સંસારને પીડાકારી અસુરોથી રક્ષણ માટે પ્રાર્થના કરાય છે. ક્યારેક વળી, સૂર્યોદય સમયે ઉપાસકોને ઐશ્વર્યનું પ્રદાન કરવાને માટે સવિતાની સ્તુતિ મિત્ર, અર્યમા ને ભગની સાથે કરવામાં આવી છે. આ ઉપરાંત અમરત્વ પ્રદાન કરનાર સવિતાની સ્તુતિ પાપરહિત બનાવવાને માટે, દુ:સ્વપ્ન દૂર કરવાને માટે, વિપત્તિઓ દૂર કરવાને તથા સર્વ કંઈ પ્રદાન કરવા માટે, વ્યાધિ દૂર કરવા માટે અને ધન પ્રદાન કરવા માટે પણ કરાઈ છે.
પુરાણોમાં સવિતાને કદૃશ્યપ પ્રજાપતિ અને અદિતિના કનિષ્ઠ પુત્ર કહ્યા છે. જન્મથી જ અવયવરહિત હોવાને લીધે તેઓ માર્તંડ કહેવાયા તથા અન્ય દેવો કરતાં પહેલાં ઉત્પન્ન થયા હોવાથી આદિત્ય કહેવાયા. બ્રહ્માના વંશજ મરીચિના પુત્ર તરીકે પણ તેમનો નિર્દેશ થયો છે.
ત્વષ્ટાની કન્યા સંજ્ઞા, રૈવતની કન્યા રાજ્ઞી તથા પ્રભા એ સવિતાની પત્નીઓ છે. આ ઉપરાંત દ્યૌ, પૃથ્વી, પૃશ્ર્ની, છાયા વગેરે બીજી પણ અનેક પત્નીઓ હોવા છતાં મોટેભાગે સંજ્ઞા નામે એક જ પત્નીનો નિર્દેશ મળે છે. આ સંજ્ઞાથી તેમને મનુ, યમ ને યમી એમ ત્રણ સંતાન જન્મ્યાં. પછી જ્યારે તેમનું તેજ સહન ન થતાં, સંજ્ઞાએ છાયા નામે એક અન્ય સ્ત્રી સર્જીને તેને તેમની સેવા માટે નિયોજી પોતે તપ કરવા ચાલી ગઈ, ત્યારે છાયા દ્વારા શ્રુતશ્રવસ્ નામે સાવર્ણિ મનુ તથા શનૈશ્ર્ચર અને તપતી નામે સંતાન થયાં. કેટલાંક પુરાણોમાં સવિતાને સંજ્ઞા દ્વારા વૈવસ્વત મનુ, યમ અને યમુના; છાયા દ્વારા સાવર્ણિ મનુ, શનિ, તપતી અને વિદૃષ્ટિ; અશ્વિની દ્વારા અશ્વિનીકુમારો અને રેવન્ત; પ્રભા દ્વારા પ્રભાત; રાજ્ઞી દ્વારા રેવત અને પૃશ્ર્ની દ્વારા સાવિત્રી, વ્યાહૃતિ, ત્રયી, અગ્નિહોત્ર, પશુહોમ, ચાતુર્માસ્ય, પંચમહાયજ્ઞ વગેરે સંતાનો જન્મ્યાં હતાં. વળી સવિતાને ઇલાપતિ ને પિંગલાપતિ નામે અન્ય બે પુત્રો હોવાના નિર્દેશ છે, જેઓ સંજ્ઞાના પુત્ર હતા.
ભવિષ્યપુરાણ અનુસાર, સવિતાની પત્નીઓ અને પરિવારનું જે વર્ણન પ્રાપ્ત થાય છે તે રૂપકાત્મક છે. તેમાં સંજ્ઞા અને છાયા તે ક્રમશ: અંતરિક્ષ અને પૃથ્વી છે, જેના દ્વારા અનુક્રમે જલ અને સસ્ય નામે પુત્રો ઉત્પન્ન થયા. સવિતા ગ્રીષ્મમાં જલનું શોષણ કરી વર્ષામાં તે જલ પૃથ્વી પર વરસાવી સસ્યને ઉગાડે છે. તેથી તેમને સમસ્ત સૃદૃષ્ટિના તથા ચન્દ્ર અને નક્ષત્રોના પિતા અને સ્વામી કહ્યા છે.
જાગૃતિ પંડ્યા