સવાઈ ગંધર્વ (જ. 1886; અ. 12 સપ્ટેમ્બર 1952, પુણે) : શાસ્ત્રીય સંગીત તથા મરાઠી રંગભૂમિના વિખ્યાત કલાકાર. તેમનું મૂળ નામ રામચંદ્રગણેશ કુંદગોલકર, પરંતુ સંગીતકલામાં તેમનું નૈપુણ્ય જોઈને તેમના પ્રશંસકો અને ચાહકોએ તેમને ‘સવાઈ ગંધર્વ’ની પદવીથી વિભૂષિત કર્યા હતા અને તે જ નામથી તેઓ પ્રસિદ્ધિ પામ્યા. બાળપણથી તેમનો અવાજ શાસ્ત્રીય સંગીતની તાલીમ માટે અનુકૂળ ન હતો, છતાં સંગીત શીખવાની તેમની તમન્ના અને કઠોર પરિશ્રમ કરવાની પ્રતિબદ્ધતાને લીધે તેઓ અવ્વલ દરજ્જાના ગાયક બની શક્યા. ભારતના જાણીતા સંગીતજ્ઞ ઉસ્તાદ અબ્દુલ કરીમખાં સાહેબ તેમના ગુરુ. તેમની ગાયનશૈલી સવાઈ ગંધર્વે સતત પરિશ્રમ દ્વારા સફળતાથી આત્મસાત્ કરી લીધી. તે માટે તેઓ રોજ કલાકો સુધી રિયાઝ કરતા. વળી, દેશના વિખ્યાત સંગીતકારોની મહેફિલોમાં ઉપસ્થિત રહી દરેકની શૈલી અને ખાસિયતોનું બારીકાઈથી અવલોકન કરતા અને તે પોતાની ગાયકીમાં ઉતારવાનો પ્રયાસ કરતા.
તેઓ મરાઠી રંગભૂમિના અગ્રણી ગાયક-કલાકાર હતા. બીજા વિશ્વયુદ્ધ (1939-45) પૂર્વે મરાઠી રંગભૂમિ પર સંગીતનાટકો ખૂબ લોકપ્રિય હતાં, જેના વિકાસમાં બાલગંધર્વ, રામ મરાઠે, જ્યોત્સ્ના ભોળે, ગોવિંદરાવ ટેમ્બે જેવા દિગ્ગજોએ નોંધપાત્ર ફાળો આપ્યો હતો. આ હરોળમાં સવાઈ ગંધર્વનું સ્થાન પણ મોખરે છે. તેમણે લગભગ પચીસ વર્ષ સુધી મરાઠી રંગભૂમિની સક્રિય સેવા કરી હતી. તેમણે મરાઠી નાટકોમાં ભજવેલ ‘સુભદ્રા’, ‘તારા’, ‘સંત સખુ’ જેવી સ્ત્રીભૂમિકાઓ તથા શ્રીકૃષ્ણ અને અન્ય પૌરાણિક પાત્રોની પુરુષ-ભૂમિકાઓ ખૂબ લોકપ્રિય બની હતી. નાટકના કોઈ પાત્રની ભૂમિકામાં તે જ્યારે રંગમંચ પર શાસ્ત્રીય સંગીતની ચીજો ગાતા ત્યારે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જતા; એટલું જ નહિ, પરંતુ તેમને ફરી ફરી તે ચીજો ગાવા માટે શ્રોતાઓ દ્વારા ‘વન્સમોર’ કહીને માગણીઓ થતી હતી.
1942માં તેમના પર પક્ષાઘાતનો હુમલો થયો, જેને કારણે શાસ્ત્રીય ગાયક તરીકે તથા મરાઠી રંગભૂમિના કલાકાર તરીકે તેમની કારકિર્દીનો અંત આવ્યો. લગભગ એક દાયકા સુધી (1942-52) તેઓ પથારીવશ રહ્યા.
તેમની શાસ્ત્રીય સંગીતની બંદિશો રજૂ કરવાની શૈલી, ગાતી વેળાએ લયકારીનું તારતમ્ય જાળવી રાખવાનો તેમનો કસબ, બોલની શુદ્ધતા તથા અટપટી તર્જો ગાવાની તેમની શૈલી વિલક્ષણ હતી.
તેમની સ્મૃતિમાં પ્રતિવર્ષ પુણે ખાતે ‘સવાઈ ગંધર્વ સંગીત સમારોહ’નું આયોજન કરવામાં આવે છે.
તેમના બહોળા શિષ્યવર્ગમાં ઇન્દિરાબાઈ ખાડિલકર, ફીરોઝ દસ્તૂર, વિદુષી ગંગુબાઈ હંગલ, પંડિત ભીમસેન જોશી, પંડિત બસવરાજ રાજગુરુ તથા ડૉક્ટર વસંતરાવ દેશપાંડે વિશેષભાવે ઉલ્લેખનીય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે