સલ્ફ્યુરિલ ક્લોરાઇડ : કાર્બનિક સંશ્લેષણમાં એક અગત્યનો પ્રક્રિયક. તે ક્લૉરોસલ્ફ્યુરિક ઍસિડ, સલ્ફોનિલ ક્લોરાઇડ, સલ્ફ્યુરિક ક્લોરાઇડ, સલ્ફયુરિક ઑક્સિક્લોરાઇડ અથવા સલ્ફર (VI) ડાઇક્લોરાઇડ ડાયૉક્સાઇડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર SO2Cl2.
ઉદ્દીપકની હાજરીમાં ક્લૉરોસલ્ફોનિક ઍસિડને ગરમ કરવાથી, અથવા સક્રિયકૃત (activated) કાર્બન અથવા ફેરિક ક્લોરાઇડ અથવા કપૂર જેવા ઉદ્દીપકની હાજરીમાં સલ્ફર ડાયૉક્સાઇડ (SO2) અને ક્લોરિન (Cl2) વચ્ચેની પ્રક્રિયાથી તે મેળવી શકાય છે. પ્રકાશની હાજરીમાં પણ સલ્ફર ડાયૉક્સાઇડ અને ક્લોરિન સંયોજાઈ શકે છે.
તે તીખી (pungent) વાસવાળું, રંગવિહીન પ્રવાહી છે. હિમાની (glacial) એસેટિક ઍસિડ તથા બેન્ઝિનમાં દ્રાવ્ય છે. ઘનતા, 1.667 (20° સે.); ઉત્કલનબિંદુ, 69.2° સે.; ઠારબિંદુ – 54° સે. 300° સે. સુધી તે સ્થાયી છે પણ તેથી ઊંચા તાપમાને તે SO2 અને Cl2માં વિઘટન પામે છે. આલ્કલી તેમજ ગરમ પાણી વડે તેનું ઝડપથી વિઘટન થાય છે. રાસાયણિક રીતે તે સક્રિય છે. પેશીઓ (tissues) પર તે પ્રકોપક (irritation) તરીકે અસર કરે છે. તેને સલ્ફ્યુરિક ઍસિડનો ઍસિડ ક્લોરાઇડ ગણી શકાય અને એ રીતે તેનું ધીમું જલ-અપઘટન તેમજ ઍમોનોલિસિસ (ammonolysis) થઈ અનુક્રમે O2S(OH) 2 અને O2S(NH2)2 આપે છે.
કાર્બનિક સંશ્લેષણમાં તે ઉપચયનકર્તા, નિર્જલીકારક (dehydrating agent તથા એસાઇલેટિંગ-કારક તરીકે વપરાય છે. કાર્બનિક સંયોજનોમાં Cl અથવા O2SCl સમૂહ દાખલ કરવા પણ તે ઉપયોગમાં લેવાય છે. દ્રાવક તથા ઉદ્દીપક તરીકે પણ તે વપરાય છે. ઔષધીય દ્રવ્યો (pharmaceuticals), રંગક દ્રવ્યો (dyestuffs), રબર આધારિત પ્લાસ્ટિક, રેયૉન વગેરે ઉદ્યોગોમાં પણ તેનો ઉપયોગ થાય છે. સલ્ફ્યુરિલ ફ્લોરાઇડ (SO2F2) બનાવવા માટે તે એક પ્રક્રિયક તરીકે વપરાય છે.
જ. દા. તલાટી