સલ્દાન્હા, વિન્સેંટ જૉન પીટર

January, 2007

સલ્દાન્હા, વિન્સેંટ જૉન પીટર (જ. 9 જૂન 1925, ઑમઝૂર, મેર્મજાલ, દક્ષિણ કન્નડ, કર્ણાટક) : કોંકણી લેખક. ‘ખંડાપ’, ‘કોંકણકુમાર’ તેમનું તખલ્લુસ છે. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ.એ.; એમ.ડી.(એ.એમ.)ની પદવી મેળવી. પછી એમસીસી બૅંક લિ., મૅંગલોરના નિયામક તરીકે જોડાયા. 1950-58 દરમિયાન મુંબઈથી પ્રગટ થતા અઠવાડિક ‘પોઇન્નારી’ના સ્થાપક-સંપાદક; 1960-65 દરમિયાન મૅંગલોરમાંથી પ્રગટ થતા દૈનિક ‘કન્નડવાણી’ના સંપાદક; 25 વર્ષ સુધી સંપાદકીય બૉર્ડ, રકન્નોના સભ્ય; 1974-76 સુધી કોંકણી ભાષામંડળ, કર્ણાટક, મગલોરના પ્રમુખ; 1979-82 સુધી કોંકણી સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના સલાહકાર બૉર્ડના સભ્ય રહ્યા.

તેમણે અત્યાર સુધીમાં કન્નડ અને અંગ્રેજીમાં 58 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘દેવાચે કુર્પેણ’ (1962); ‘તામ્બડી પિનૂલ’ (1967); ‘સરદારાંચી સિંહોલ’ (1967); ‘સરદારાંચે સોન્નિદાન’ (1971); ‘મોગાચી મહિમા’ (1975); ‘સાયબા ભોગોસ’ (1980) અને ‘યા તોરી મંગલપુરી’ (1990) તેમની લોકપ્રિય નવલકથાઓ છે. આ ઉપરાંત તેમણે રંગમંચનાં નાટકો, પટકથાઓ અને સંખ્યાબંધ ગીતો, આનંદગીતો અને ભજનો રચ્યાં છે. અંગ્રેજી-કોંકણી શબ્દકોશની કામગીરી પણ તેમણે પાર પાડી.

તેમને તેમના સાહિત્યાદિના પ્રદાન બદલ કોંકણી સાહિત્ય શિરોમણિના ખિતાબથી સન્માનિત કરાયેલા.

બળદેવભાઈ કનીજિયા