સલી પ્રુધોમ (જ. 16 માર્ચ 1839, પૅરિસ; અ. 9 સપ્ટેમ્બર 1907, ચેતને, ફ્રાન્સ) : ફ્રેન્ચ કવિ. મૂળ નામ રૅને ફ્રાન્સ્વા આર્મેન્દ પ્રુધોમ. 1901ના સાહિત્યના સૌપ્રથમ નોબેલ પારિતોષિકવિજેતા. પિતાનું નામ સલી હતું અને તેમની અટક પ્રુધોમ હતી જે જોડીને તેમણે પોતાનું તખલ્લુસ સલી પ્રુધોમ રાખેલું. સાહિત્ય-જગતમાં તેઓ એ જ નામથી ઓળખાતા હતા. પિતા દુકાનદાર હતા. માતા-પિતા આર્થિક વિટંબણાને લીધે દસ વર્ષ લગ્નગ્રંથિથી જોડાઈ શક્યાં ન હતાં. સલી બે વર્ષની વયના હતા ત્યારે તેમણે પિતા ગુમાવ્યા. પુત્રને ઇજનેર થવું
હતું. એક વાર પાદરી બનવાનો વિચાર પણ તેમણે કરેલો. પૉલિટૅક્નિક ઇન્સ્ટિટ્યૂટનો અભ્યાસ તેમણે પોતાની આંખોની નબળાઈને લીધે છોડી દેવો પડેલો. જોકે લાઈસી બૉનાપાર્તમાંથી તેઓ ગ્રૅજ્યુએટ થયેલા. સાહિત્યના અભ્યાસમાં તેમની રુચિ હતી; પરંતુ સંજોગવશાત્ કારખાનામાં કારકુનની નોકરી કરવી પડેલી. તક મળતાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે તે છોડી દીધેલી. સૉલિસિટરની ચેમ્બરમાં જોડાવા ખાતર જોડાયેલા. વિદ્યાર્થીઓની કૉન્ફરન્સ લા બ્રુયેરમાં સભ્ય થયેલા. અહીં તેમને કાવ્ય રચવાની પ્રેરણા મળેલી. પ્રેમમાં નિષ્ફળતા સાંપડતાં કાવ્યરચનાઓ થવા લાગી. તેઓ આજીવન અપરિણીત રહેલા. 1870માં માતા, કાકા અને કાકીનાં મૃત્યુ થયેલાં.
‘સ્ટાન્સીસ એત્ પોએમ્સ’ (1865) (‘સ્ટાન્ઝાઝ ઍન્ડ પૉએમ્સ’) તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ. વિવેચક સેંત-બવે તેને ઉમળકાભેર આવકાર્યો હતો. કવિતા માટે ચાલતી પાર્નેશિયન ચળવળમાં પોતે જોડાયા હોવાથી કવિતાનાં છંદોબદ્ધ રૂપરંગ, ભવ્યતા અને ચિંતનાત્મક તથા વૈજ્ઞાનિક અભિગમ માટે તેમને પૂરેપૂરો આદર હતો. રોમન કવિ લુક્રેશિયસ(99-55 ઈ. પૂ.)ના ‘દ રૅ રમ નેચર’ (‘ઑન ધ નેચર ઑવ્ થિંગ્ઝ’) (1978-79)નો અનુવાદ આની સાખ પૂરે છે. ‘ક્રૉકિસ ઇટાલિયન્સ’ (1866-68) (‘ઇટાલિયન નોટબુક’), ‘સૉલિટ્યૂડ્ઝ’ (1869), ‘ઇમ્પ્રેશન્સ દ લા ગેર’ (1870) (‘ઇમ્પ્રેશન્સ ઑવ્ વૉર’), ‘લે દેસ્તિન્સ’ (1872) (‘ડેસ્ટિનિઝ’), ‘લા રિવોલ્ત દે ફ્લેઅર્સ’ (1872) (‘રિવૉલ્ટ ઑવ્ ફ્લાવર્સ’), ‘લા ફ્રાન્સ’ (1874), ‘લે વેન્સ તેન્દ્રેસિસ’ (1875) (‘વેઇન ઍન્ડિ અરમૅન્ટ્સ’), ‘લા જસ્ટિસ’ (1878), ‘લ બોનહ્યુર’ (1888) (‘હેપિનેસ’) તેમના નોંધપાત્ર કાવ્યસંગ્રહો છે. ‘લ બોનહ્યુર’ 4,000 પંક્તિનું સુદીર્ઘ કાવ્ય છે. પ્રેમ અને જ્ઞાનની ખોજ માટેની તે વૈજ્ઞાનિક અને ચિંતનાત્મક પરિક્રમા છે. ‘લે ઇપેવ્ઝ’ (1908) તેમનો (‘ફ્લોત્સામ’) મરણોત્તર કાવ્યસંગ્રહ છે. 1900-1901માં તેમના સમગ્ર કાવ્યોનો સંગ્રહ પ્રસિદ્ધ થયો હતો. તેમણે નિબંધો અને પાસ્કલ ઉપર ‘લા રેઈએ રિલિજિયન સેલા પાસ્કલ’ (1905) (‘પાસ્કલ ઑન્ ટ્રુ રિલિજિયન’) પણ પ્રસિદ્ધ થયાં છે. 1881થી 1907 સુધી તેઓ ફ્રેન્ચ અકાદમીના સભ્યપદે રહેલા. જીવનનાં અંતિમ વર્ષોમાં લકવાથી તેઓ ભારે પીડાયેલા. નોબેલ પારિતોષિકે બક્ષેલી તમામ રકમ તેમણે ફ્રેન્ચ લેખકોના મંડળને ઊગતા કવિઓનાં પ્રથમ પ્રકાશનો માટે અર્પણ કરી હતી. પોતાની નાદુરસ્ત તબિયતને કારણે કવિ સલી પ્રુધોમ વતી ફ્રાન્સના પ્રધાન મર્ચન્દે નોબેલ પારિતોષિક સ્વીકારેલું.
વિ. પ્ર. ત્રિવેદી