સલી, થૉમસ (Sully, Thomas) (જ. 1783, બ્રિટન; અ. 1872) : અમેરિકાના વિખ્યાત વ્યક્તિચિત્રકાર. વ્યક્તિચિત્રકાર ગિલ્બર્ટ સ્ટુઅર્ટ હેઠળ તેમણે ચિત્રકલાની તાલીમ લીધી હતી. તેમના પર અમેરિકન ચિત્રકાર થૉમસ લૉરેન્સનો પ્રભાવ પણ છે. ફિલાડેલ્ફિયામાં સલીએ એક સફળ વ્યક્તિચિત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી. એમની ખ્યાતિ યુરોપમાં પણ પ્રસરી અને બ્રિટિશ મહારાણી વિક્ટોરિયાએ પોતાનું ચિત્ર ચીતરવા માટે તેમને ખાસ અમેરિકાથી આમંત્ર્યા. મહારાણી વિક્ટોરિયાના વ્યક્તિચિત્ર ઉપરાંત તેમનાં શ્રેષ્ઠ વ્યક્તિચિત્રોમાં ‘લેડી વિથ એ હાર્પ’ તથા ‘ફેની કૅમ્બલ’નો સમાવેશ થાય છે.
અમિતાભ મડિયા