સલાહ (counselling) : વ્યક્તિની પોતાને વિશેની અને પોતાના પર્યાવરણ વિશેની સમજ વધારવામાં અને તેને પોતાનાં મૂલ્યો અને લક્ષ્યો વિકસાવવામાં મદદ કરનારી ક્રિયા.

સલાહક્રિયામાં બે પક્ષો હોય છે : (1) અસીલ અથવા સલાહાર્થી અને (2) સલાહકાર. સલાહ માંગનારને સલાહાર્થી અને આપનારને સલાહકાર કહે છે. વ્યવસ્થિત કે મનોવૈજ્ઞાનિક સલાહ, સગાંઓ-મિત્રો-વડીલો વગેરેની ભલામણો, શિખામણો કે ઉપદેશો કરતાં જુદી પડે છે. વૈજ્ઞાનિક સલાહકાર્યની નીચેની વિશેષતાઓ ધ્યાનમાં રાખવી જોઈએ.

(1) અસીલ માનસિક સમસ્યા અનુભવે ત્યારથી જ તેને સલાહ લેવાની જરૂરિયાત સમજાય છે. તેને લાગે છે કે પોતે એકલો એનો ઉપાય કરી શકે એમ નથી. (2) તેથી તે પોતાની મરજીથી સલાહકાર પાસે જાય છે. આમ, સલાહકાર્ય ઐચ્છિક હોય છે. વણમાંગ્યો ઉપદેશ કે દબાણ સાથેની શિખામણ એ સલાહ નથી. (3) સલાહનો હેતુ અસીલને પરવશ નહિ પણ સ્વાવલંબી બનાવવાનો હોય છે. (4) સલાહની પ્રક્રિયા અંગેનું જ્ઞાન, તેની વ્યવસ્થિત તાલીમ અને અનુભવ મેળવી ચૂકેલા નિષ્ણાત જ વૈજ્ઞાનિક રીતે સલાહ આપી શકે. (5) અસીલ અને તેની સમસ્યા વિશે જાણવા માટે એક કે વધારે રૂબરૂ મુલાકાત ગોઠવવામાં આવે છે. જરૂર હોય તો એની મનોવૈજ્ઞાનિક કસોટી પણ લેવામાં આવે છે.

(6) શરૂઆતની મુલાકાત વખતે અસીલ પોતાની સમસ્યાની ઘણી બાબતો વિશે કહેતાં અચકાય છે. ત્યારે સલાહકાર અસીલ અને તેની સમસ્યામાં રસ દાખવી અને વિધાયક વલણ અપનાવી અસીલને પ્રોત્સાહન આપે છે. તેથી અસીલ સંકોચ છોડીને પોતાની મૂંઝવણ વિસ્તારથી કહેવા તૈયાર થાય છે. (7) આ માટે સલાહકાર અસીલની જોડે સાયુજ્ય (પરસ્પર વિશ્વાસનું વાતાવરણ) સ્થાપે છે. સલાહકાર અને અસીલ વચ્ચે ઉંમરનો, જાતિનો કે બંનેનો તફાવત હોય ત્યારે પણ સલાહકાર અસીલની સાથે સ્વાભાવિક રીતે અને સમભાવથી વર્તીને અસીલની દ્વિધા અને પ્રતિકારને દૂર કરે છે. (8) મુલાકાતમાં સલાહકાર ખપ પૂરતું જ બોલે છે. કેટલીક વાર તો ‘હમ્’ ‘એમ કે’ એમ ટૂંકા ઉચ્ચારો જ કરે છે. તે મૌન રહીને અસીલની કેફિયત ધ્યાનથી સાંભળે છે અને તેના શબ્દો પાછળના ગર્ભિત અર્થને સમજવાનો પ્રયત્ન કરે છે. સલાહકાર અસીલે પ્રગટ કરેલા વિચારો, લાગણીઓ અને માન્યતાઓને જુદા શબ્દોમાં વ્યક્ત કરે છે; જેમ કે, ‘તમે એમ કહેવા માંગો છો કે……’

(9) સલાહકાર અસીલની સાથે મળીને સલાહના ધ્યેયો અને અસીલ માટેનાં વર્તનનાં મૂલ્યો નક્કી કરે છે. આમ મનોવૈજ્ઞાનિક સલાહમાં ‘આમ કરો’ કે ‘તેમ ન કરો’ એવા તૈયાર નુસખા અપાતા નથી, પણ દરેક અસીલની વિશિષ્ટ સમગ્ર પરિસ્થિતિને સમજીને તેના બંધબેસતા ઉપાયો વિકસાવવામાં આવે છે. અસીલે આ ધ્યેયો અને મૂલ્યોને દિલથી સ્વીકાર્યાં હોય છે. (10) સલાહકાર્ય દરમિયાન અસીલ અને સલાહકાર સિવાય બીજી કોઈ વ્યક્તિને હાજર રહેવા દેવાતી નથી. એક નાના, શાંત અને પ્રસન્નતાપ્રેરક ખંડમાં ટેબલની સામસામે અથવા આજુબાજુમાં સલાહકાર અને અસીલ હોય છે. જરૂર પડે તો તેમની વાતચીતની આપમેળે નોંધ થાય એવી (ઑડિયો/વીડિયો રેકૉર્ડિંગ) પણ વ્યવસ્થા હોય છે. પણ એ નોંધને ગુપ્ત રખાય છે. અસીલની સંમતિ વગર એ નોંધ બીજા કોઈને અપાતી નથી.

(11) અસીલે ભૂતકાળમાં ગમે તે ભૂલ કરી હોય કે અત્યારે તેની ગમે તે મર્યાદા પ્રગટ થઈ હોય તોપણ સમગ્ર સલાહકાર્ય દરમિયાન સલાહકાર અસીલનો એક વ્યક્તિ તરીકે સ્વીકાર કરવાનું ચાલુ રાખે છે અને તેનું ગૌરવ કાળજીથી જાળવી રાખે છે. (12) પોતાનાં તાલીમ અને અનુભવને આધારે સલાહકાર અસીલની સમસ્યાના શક્ય ઉકેલો શોધે છે અને એ વિકલ્પો અસીલને જણાવે છે. તેમાંના વધારે યોગ્ય ઉકેલ તરફ તે અસીલને આંગળી ચીંધે છે. મોટાભાગની સમસ્યાઓ માટે અસીલે પોતાની માન્યતાઓ, લાગણીઓ અને ટેવોમાં પરિવર્તન કરવાનું હોય છે. પણ કેટલીક સમસ્યાઓ હલ કરવા માટે અસીલના કુટુંબીઓ, મિત્રો, સાથીઓ વગેરેના વર્તનમાં પણ ફેરફાર કરવો જરૂરી હોય છે; દા.ત., સાસરિયાંના ત્રાસથી નાહિંમત બનેલી ગૃહિણીની સમસ્યા ઉકેલવા માટે તેનાં સાસરિયાંના વર્તનમાં પરિવર્તન જરૂરી ગણાય. આમ, તેમને પણ સલાહ અપાય છે.

જુદી જુદી પરિસ્થિતિઓ અને સમસ્યાઓ પ્રમાણે વિવિધ સ્થળે કે વિવિધ રીતે સલાહ અપાય છે; દા.ત., (1) અસીલને પોતાની શક્તિ કે વ્યક્તિત્વ વિશે મૂંઝવણ હોય (દા.ત., ધ્યાન ભટકવું, વારંવાર ભૂલી જવું, ખરાબ ટેવોની લત હોવી, જલદીથી ઉશ્કેરાઈ જવું) તો એને અંગત સલાહકેન્દ્રમાં મોકલીને સલાહ અપાય છે. (2) વિદ્યાર્થીઓ કે વાલીઓને અભ્યાસ અંગે સમસ્યા હોય તો તેમને શાળા કે કૉલેજના સલાહકેન્દ્રમાં સલાહ અપાય છે. શૈક્ષણિક સલાહ આપવા માટે ત્યાં અભ્યાસવિષયો અંગે પૂરતી માહિતી હોય છે. (3) અભ્યાસમાં આગળ વધેલા વિદ્યાર્થીને વ્યાવસાયિક સલાહકેન્દ્રમાં વ્યવસાયની તકો વિશે સલાહ અપાય છે. ત્યાં જાતજાતની મનોવૈજ્ઞાનિક કસોટીઓ અને જુદા જુદા વ્યવસાયો માટેની શારીરિક-માનસિક જરૂરિયાતો અને તકો વિશે અદ્યતન માહિતી હોય છે. (4) પ્રેમ, જાતીયતા અને લગ્નપૂર્વેના સંબંધો અંગે ઊપજતી સમસ્યાઓ અંગે સલાહ લગ્ન-સલાહકેન્દ્રોમાં  અપાય છે. એમાં મનોવૈજ્ઞાનિકો ઉપરાંત જાતીયતાના નિષ્ણાતો કાર્ય કરે છે. (5) પતિ, પત્ની અને સંતાનોને કુટુંબજીવન દરમિયાન પરસ્પરના સંબંધોમાં અને સમાયોજનમાં ઊપજતી સમસ્યાઓનું નિરાકરણ કુટુંબ-સલાહકેન્દ્રોમાં થાય છે. (6) વર્તનની ગંભીર સમસ્યાઓ હલ કરવા માટે ચિકિત્સાલયમાં સલાહ અપાય છે. (7) નોકરિયાત કે ધંધાદારી વ્યક્તિને વ્યવસાયમાં ઊપજતી માનસિક સમસ્યા હલ કરવામાં રોજગારલક્ષી સલાહકેન્દ્રો મદદ કરે છે. (8) વિકસિત દેશોમાં બાળગુનેગારોને કે પહેલી જ વાર ગુનામાં પકડાયેલા આરોપીઓને અદાલતના હુકમ પ્રમાણે સુધારવા માટે પણ સલાહકેન્દ્રો હોય છે. ત્યાં અપરાધક્ષેત્રથી માહિતગાર અને અનુભવી સલાહકારો કાર્ય કરે છે.

ગમે તે ક્ષેત્રમાં કામ કરનાર સલાહકારમાં આ ગુણો જરૂરી હોય છે : તે પરિપક્વ, જગતની બદલાતી જતી પરિસ્થિતિઓ પ્રત્યે સજાગ, પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન, ખુલ્લા મનવાળો અને માનવતાલક્ષી હોય એ જરૂરી છે. તેણે અસીલના ભૂતકાળ, વર્તમાન પરિસ્થિતિ અને ભાવિ અંગેની અપેક્ષાઓના સંદર્ભમાં સલાહ આપવાની રહે છે. અસરકારક સલાહકાર્યને લીધે, અસીલની સમસ્યા તો હલ થાય જ છે; પણ તે ઉપરાંત બીજા લાભ પણ થાય છે; દા.ત., અસીલને પોતાની જાત વિશે ઊંડી સમજ પ્રાપ્ત થાય છે. તે નવું વર્તન શીખવા માટે તૈયાર થાય છે અને લોકો પ્રત્યે અને પોતાની પરિસ્થિતિ પ્રત્યે નવી દૃષ્ટિથી જુએ છે. તેથી ભવિષ્યમાં ઉદ્ભવી શકે એવી સમસ્યાઓને તે પહેલેથી જ ટાળી અથવા ઝડપથી ઉકેલી શકે છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે