સલાયા : જામનગર જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલું નગર અને કુદરતી બંદર. ભૌગોલિક સ્થાન : 22° 15´ ઉ. અ. અને 69° 35´ પૂ. રે.. તે તાલુકામથક ખંભાળિયાથી વાયવ્યમાં આશરે 10 કિમી. દૂર આવેલું છે. સૌરાષ્ટ્રના મુખ્ય ભૂમિભાગના ઉત્તર કાંઠા નજીક પરવાળાંની ખડકશૃંખલા આવેલી છે. મુઘલ શાસન દરમિયાન આ કુદરતી બંદરનો ઉલ્લેખ મળે છે. ‘મિરાતે એહમદી’માં પણ તેનો ઉલ્લેખ મળે છે. અગાઉ તેની સરખામણી લિવરપુલમાં મર્સી નદીની ખાડીમાં જુવાળ વખતે પાણીની જેટલી ઊંડાઈ રહેતી, એટલી ઊંડાઈ આ સલાયાના બારામાં ઓટ વખતે રહેતી. બૉમ્બે ગૅઝેટિયરમાં જણાવ્યા પ્રમાણે, હિંદુસ્તાનના પશ્ચિમ સાગરકાંઠા પરનાં મહત્ત્વનાં કુદરતી બંદરોમાં મુંબઈ અને કરાંચી પછી ત્રીજું સ્થાન સલાયાનું રહેતું હતું. વાઘેર ચાંચિયાઓને કારણે તેનો વેપાર 1930 પૂર્વે માત્ર કચ્છના અખાતનાં બંદરો પૂરતો મર્યાદિત રહેતો હતો. કચ્છના મહારાવ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સહકારથી ચાંચિયાગીરી નષ્ટ થતાં મુંબઈ અને કરાંચી સાથે તેનો વેપાર તે વખતે વધેલો. 1879-80માં અહીંની આયાત-નિકાસ 7,74,490 રૂપિયાની થયેલી. 1937-38માં જામનગર રાજ્યનાં ખાનગી માલિકીનાં 413 વહાણો પૈકી 229 વહાણોએ ચોમાસામાં સલાયાના સુરક્ષિત બારામાં આશ્રય લીધેલો. 1973માં એચ. એમ. ત્રિવેદીના અધ્યક્ષપણા હેઠળ નિમાયેલ સમિતિએ સલાયાના બંદરી વિકાસની ભલામણ કરી હતી.
સલાયા ગામ પાસેથી દરિયામાં 6 કિમી. સુધી (સલાયાની) ખાડી વિસ્તરેલી છે. કાલુભાર ટાપુ અને નૈર્ઋત્ય ખૂણે આવેલી ધાની ટાપુની કંઠાર પાસેની પરવાળાંની ખડકશૃંખલા વચ્ચે આ ખાડી આવેલી છે. આ જળમાર્ગ 7થી 8 કેબલ જેટલો (એક કેબલ = આશરે 200 મીટર) પહોળો અને 17થી 25 મીટર જેટલો ઊંડો છે. કાલુભાર ટાપુ પાસે સમુદ્રજળ 14 મીટર જેટલાં ઊંડાં છે. મોટાં ટૅન્કરો અહીં લંગર નાખી શકે છે. વહાણો અને સ્ટીમરો બ્લન્ટ ચૅનલ અને ટાઉન જેટીનો પણ ઉપયોગ કરે છે. ટાઉન જેટી પાસે પાણી છીછરું છે, જોકે ભરતી વખતે કાંઠે વહાણો આવી શકે છે. સાઇકસ પૉઇન્ટ જેટી બ્લન્ટ ચૅનલના સંગમ નજીક છે. અહીં 4.5 કેબલ લાંબો પુસ્તો છે, તે પાકા રસ્તાથી જોડાયેલો છે. ખંભાળિયા-સલાયા રેલમાર્ગનું સલાયા છેડાનું રેલમથક છે.
જાન્યુઆરી માસમાં અહીંનું સરેરાશ દૈનિક ગુરુતમ તાપમાન 26° સે. રહે છે, જ્યારે સરેરાશ દૈનિક લઘુતમ તાપમાન 11.6° સે. રહે છે. મે માસમાં તે અનુક્રમે 36.3° સે. અને 25° સે. રહે છે. વરસાદ 450 મિમી. આસપાસ પડે છે.
દરિયાકિનારે તથા સમતળ ભૂમિ પર અહીં નાળિયેરી, આંબા, કેળ અને ચીકુ થાય છે. અહીંના આજુબાજુના વિસ્તારમાં ઘઉં, જુવાર, બાજરી અને કપાસ થાય છે. દરિયાકિનારે પંકભૂમિમાં તમરિયા (મગ્રોવ = ચેર) થાય છે. તે કાંઠાનું ધોવાણ અટકાવે છે તથા તેનાથી ઢોરને ચારો મળે છે. વળી તેનો બળતણ તરીકે પણ ઉપયોગ થાય છે. અહીં કિનારે અને ટાપુઓ પર ચેર ઊગે છે. દાણચોરી માટે આ ટાપુઓનો ઉપયોગ થાય છે.
આ બંદરનો અગાઉ કરાંચી સાથે બહોળો વેપાર ચાલતો હતો, પરંતુ ભારતના ભાગલા પડતાં આ વેપાર અને બંદરનું મહત્ત્વ ઘટી ગયાં છે. આજે અહીં મીઠાનાં અગરો અને કારખાનાં આવેલાં છે. અગાઉ અહીંનું મીઠું જાપાન જતું હતું. હવે તે મુંબઈ-કેરળ જાય છે. વળી તે મત્સ્ય-ઉદ્યોગનું કેન્દ્ર પણ છે. થ્રોન, ધોલ, દારા, મુલેટ, શાર્ક વગેરે માછલીઓ અહીંથી પકડવામાં આવે છે. 10 ફેધમ (એક ફેધમ = 6 ફૂટ) ઊંડા પાણી સુધી માછીમારો માછલીઓ માટે દરિયા ખેડે છે. અહીં તેલમિલ અને આટાની ચક્કી તથા બરફનું કારખાનું આવેલાં છે. અહીંથી નિકાસ ઓછી થઈ ગઈ છે, પરંતુ લાકડાં, વિલાયતી નળિયાં અને અન્ય પરચૂરણ વસ્તુઓની આયાત થાય છે. માછલીઓની નિકાસ પણ બંધ છે.
સલાયાની વસ્તી 1991 મુજબ 19,362 હતી. અહીં સ્ત્રી-પુરુષોની વસ્તી સરખી છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ 30 % જેટલું છે. આ સ્થળ ખંભાળિયા મારફતે જામનગર, દ્વારકા, ઓખા તથા રાજકોટ જેવાં શહેરો સાથે જોડાયેલું છે. રાજ્ય પરિવહનની બસો તેને જામનગર જિલ્લાનાં તાલુકામથકો સાથે જોડેલું રાખે છે. અહીં બે પ્રાથમિક શાળાઓ, પંચાયત-સંચાલિત હાઈસ્કૂલ, પુસ્તકાલય અને બાલમંદિર આવેલાં છે. આ ઉપરાંત અહીં કસ્ટમ ખાતાની ઑફિસો, પોસ્ટ અને તાર-ઑફિસ પણ છે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અહીં નૌકામથક સ્થાપવા તથા ઑઇલ ટર્મિનલ સ્થાપવા વિચારણા થયેલી, પણ સિક્કામાં તે સ્થપાવાથી સલાયાનો વિકાસ રૂંધાયો છે.
શિવપ્રસાદ ભા. રાજગોર