સલાડો-રચના (Salado Formation)

January, 2007

સલાડોરચના (Salado Formation) : બાષ્પનિર્મિત ક્ષારનિક્ષેપથી બનેલી રચના. તે પશ્ચિમ ટૅક્સાસ(યુ.એસ.)ના ગ્વાડેલૂપ પર્વતોના વિસ્તારમાં મળે છે. આ રચના દુનિયાભરના પોટૅશિયમના ક્ષારો પૈકી મહત્ત્વનો સ્રોત બની રહેલી છે. દેલાવર થાળામાં આ ક્ષાર-રચનાની મહત્તમ જાડાઈ 720 મીટરની છે.

સલાડો-રચના એ ઊર્ધ્વ પર્મિયન કાળ(વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થયેલી  અને 5.5 કરોડ વર્ષ સુધી ચાલેલી)ની ઓકોઅન કક્ષાનો એક વિભાગ છે. તે કેસ્ટાઇલ રચનાની ઉપર તરફ અને રસ્ટલર રચનાની નીચે તરફ રહેલી છે. વાસ્તવમાં તો સલાડો-રચના હેલાઇટ(NaCl)થી બનેલી છે; તેમાં સિલ્વાઇટ, કાર્નેલાઇટ તથા પૉલિહેલાઇટ જેવા પોટાશ-ક્ષારોના આંતરસ્તરો રહેલા છે. આ રચનાનું સલાડો નામ (સ્પેનિશ અર્થ ક્ષારવાળું) ટૅક્સાસમાં જ્યાં આ ક્ષાર-રચના મળી આવે છે, તેના પરથી પડેલું છે.

ગિરીશભાઈ પંડ્યા