સલાઈ ઇલન્તિરાયન (જ. 1930, સલાઈનૈનાર પલ્લિવસલ, જિ. તિરુનેલવેલી, તામિલનાડુ) : તમિળ કવિ, નિબંધકાર અને વિવેચક. સાહિત્યિક જગતમાં તેઓ ઉપર્યુક્ત તખલ્લુસથી ઓળખાતા. પલયમકોટ્ટઈમાં શરૂનું શિક્ષણ લીધા બાદ તેમણે ચેન્નાઈ (મદ્રાસ) પ્રેસિડેન્સી કૉલેજમાંથી એમ.એ. (1954), એમ.લિટ્. (1956) અને તમિળ કહેવતો અને સમાજ પરના શોધપ્રબંધ દ્વારા પીએચ.ડી.ની પદવી મેળવી (1970).
ચેન્નાઈની પ્રેસિડેન્સી કૉલેજમાં તમિળના મદદનીશ પ્રાધ્યાપકથી કારકિર્દી શરૂ કરી. ત્યારબાદ દિલ્હી ખાતે ડિરેક્ટરેટ ઑવ્ એડવર્ટાઇઝિંગ ઍન્ડ વિઝ્યુઅલ પબ્લિસિટીમાં સહસંપાદક બન્યા. પછી 1959માં દિલ્હી યુનિવર્સિટીમાં જોડાયા. 1972માં રીડર રહ્યા અને 1979માં તમિળ વિભાગના વડા નિમાયા.
તેઓ તમિળ સંશોધન માટે ઇન્ટરનૅશનલ ઍસોસિયેશન(1964)ના અને ઑલ ઇન્ડિયા યુનિવર્સિટી તમિળ ટીચર્સ ઍસોસિયેશન(1968)ના સ્થાપક-સભ્ય; રેશનાલિસ્ટ ફેડરેશનના સ્થાપક-પ્રમુખ રહ્યા. દિલ્હી તમિળ સંગમ સાથે તેઓ સક્રિય રીતે સંકળાયેલા રહ્યા. તેઓ તમિળ સ્ક્રિપ્ટ રિફૉર્મ મુવમેન્ટમાં પણ અગ્રેસર રહ્યા છે.
તેમણે 1948થી કાવ્યો અને નિબંધો રચવાનું શરૂ કરેલું. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઇલન્તિરાયન કવિતૈકાલ’ 1962માં પ્રગટ થયો. તેમણે અત્યાર સુધીમાં 35 ગ્રંથો આપ્યા છે અને 4 સંકલિત ગ્રંથો છે. ‘ઉરઈ વીચુ’ તેમની સામર્થ્યપૂર્ણ ગદ્યકૃતિ છે. તેમાં સાહિત્યિક નાવીન્યની પ્રતીતિ કરાવી છે. તે ઉપરાંત તેમનાં પ્રવાસ-વર્ણનો, વિવેચનગ્રંથો અને નિબંધસંગ્રહો ઉલ્લેખનીય છે.
તેમને તેમના તમિળ વાર્તાસંગ્રહો માટે 1955માં પૉવેલ ઍન્ડ મોરહેડ પ્રાઇઝ; ‘પુરાત્ચી મુળક્કમ’ કૃતિ માટે તામિલનાડુ સરકાર દ્વારા 1979માં ભારતી દાસન ઍવૉર્ડ આપવામાં આવેલા. 1980થી તેઓ તમિળ યુનિવર્સિટીની નિષ્ણાત સમિતિના સભ્ય રહ્યા છે.
બળદેવભાઈ કનીજિયા