સરૂ (શરૂ) : દ્વિદળી વર્ગમાં આવેલા કૅશ્યુએરીનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Casuarina equisetifolia Linn. (હિં. જંગલી સરુ; બં. જાઉ; મ. સુરુ; ગુ. સરૂ, શરૂ; તે. સરુગુડુ; તા. સાવુકુ; અં. બીફ વૂડ) છે. તે સીધું, નળાકાર મુખ્ય થડ ધરાવતું મોટું સદાહરિત વૃક્ષ છે. તેની અંતિમ શાખાઓ પાતળી, નળાકાર, સંધિમય અને લીલી (પર્ણકાર્યસ્તંભ – phylloclade) હોય છે. પર્ણો ખૂબ નાનાં અને શલ્કી (scaly) હોય છે. તેથી તેનો દેખાવ શંકુદ્રુમ વનસ્પતિ પાઇનસ (ચીડ) જેવો લાગે છે. અનુકૂળ સંજોગોમાં વૃક્ષ 30 મીટર જેટલું ઊંચું અને તેનો ઘેરાવો 1.5 મી. જેટલો હોય છે. તે લાક્ષણિક રીતે દરિયાકિનારાની વનસ્પતિ છે અને બંગાળના ઉપસાગર, આંદામાન, મ્યાનમાર દરિયાકિનારે વન્ય સ્થિતિમાં થાય છે. તે કુદરતી સ્થિતિમાં વૃંદમાં થાય છે. તેની નીચે સામાન્ય રીતે કોઈ વનસ્પતિ થતી નથી.

તે ભારતીય દ્વીપકલ્પના દરિયાકિનારે મુખ્યત્વે બળતણ માટે પુષ્કળ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. અંતર્દેશીય પ્રદેશોમાં વીથિકાવૃક્ષ તરીકે કે શોભાના વૃક્ષ તરીકે વાવવામાં આવે છે. તેનો વાડ બનાવવામાં ઉપયોગ થાય છે. તે દરિયાકિનારે ભૂક્ષરણ (erosion) અટકાવવા માટે અને રેતાળ દરિયાકિનારે વનીકરણ (afforestation) માટે ઉપયોગી છે. ભારતીય દરિયાકિનારાની ભૂમિનો ઉદ્ધાર તેના દ્વારા કરવામાં આવ્યો છે અને તે પછી બીજી જાતિઓનો પ્રવેશ શક્ય બન્યો છે. આ વૃક્ષની વૃદ્ધિ ઝડપી હોય છે. જોકે પ્રતિકૂળ સંજોગોમાં તેનું પ્રકાંડ પોલું અને વિકૃત આકારવાળું બને છે. તે ભાગ્યે જ 25 વર્ષ જીવે છે. દરિયાકિનારાની શિથિલ રેતાળ મૃદા અને પુષ્કળ સૂર્યપ્રકાશમાં તે સૌથી સારી રીતે ઊગે છે. ઓછા નિતારવાળી ભારે અને સંકુલિત (close) મૃદા વનસ્પતિ માટે વિનાશકારી છે; કારણ કે આવી મૃદામાં નાઇટ્રોજનનું સ્થાયીકરણ કરતાં બૅક્ટેરિયા મૂળગંડિકાઓ (root nodules) બનાવી શકતાં નથી.

કુદરતી પ્રસર્જન ભાગ્યે જ થાય છે. વાવેતર માટે તેના રોપ ધરુવાડિયામાં તૈયાર કરી ખેતરમાં રોપવામાં આવે છે. બીજ વાવ્યા પછી કીડીઓ તેમને ખેંચી ન જાય તે માટે કૉપર સલ્ફેટનું મંદ દ્રાવણ કે Derris ellipticaના મૂળનો કાઢો સિંચન સાથે કે બીજચિકિત્સા આપવામાં આવે છે. લાકડાની ભસ્મ પણ ધરુવાડિયામાં છાંટવામાં આવે છે. બીજ વાવવાનો અને તેમના રોપણનો સમય જુદા જુદા પ્રદેશોમાં જુદો જુદો હોય છે. પશ્ચિમ દરિયાકિનારે વાવ્યા પછી 6થી 18 માસ પછી દક્ષિણ-પશ્ચિમ મોસમી પવનો શરૂ થતાં અને પૂર્વ દરિયાકિનારે ઉત્તર-પૂર્વ મોસમી પવનો શરૂ થતાં રોપવામાં આવે છે. બે વૃક્ષ વચ્ચેનું અંતર 2.7 મી. જેટલું રાખવામાં આવે છે. રોપણ પછી તરત અને રોપ સ્થાપિત થયા પછી 1થી 3 વર્ષ સુધી પૂરતા પ્રમાણમાં પાણી આપવું જરૂરી હોય છે.

Brachytrupes achanitus પ્રકારનાં તમરાં ધરુવાડિયાના રોપ પર આક્રમણ કરે છે. ધરુવાડિયાની ફરતે વાડ બનાવવી અને 15-20 મી.ના અંતર સુધી બધી બાજુની વધારાની વનસ્પતિઓ કાઢી નાખવી, દરરોજ મૃદા ખોદવી અને તમરાંનો નાશ કરવો – એ તેના સામાન્ય ઉપાયો છે. છાલ ખાતી ઇયળ – Arbela tetraoris; લૉન્જિકૉર્ન, Coelosterna scabrata અને ગેંડાના ભમરાના કીડા Orycetes rhinoceros વૃક્ષોને ખૂબ નુકસાન પહોંચાડે છે.

મૂળને Trichosporium visiculosum નામની ફૂગ દ્વારા ચેપ લાગુ પડે છે. અતિશય પાણીથી આ રોગ ઝડપથી પ્રસરે છે. કીટકો અને ફૂગ દ્વારા ચેપગ્રસ્ત વૃક્ષોનો તેમનાં મૂળ સહિત નિકાલ કરવામાં આવે છે. શરૂઆતમાં કરવામાં આવતા વિરલન (thinning) દ્વારા પણ રોગો અટકે છે. પાતન (felling) અને પુન: વૃક્ષારોપણ વચ્ચે બે વર્ષનો ગાળો રાખવામાં આવે છે. લીમડો (Azadiractota indica), જાંબુ (Syzygium cumini), સીસમ (Dalbergia sissoo), કાજુ (Anacardium occidentale), કરંજ (Pongomia glabra), ગોરસ આમલી (Pithecellobium dulce) અને અરીઠા(Sapindus laurifolius)નાં વૃક્ષો વાવવાની ભલામણ કરવામાં આવે છે. આ વૃક્ષો કીટાહારી પક્ષીઓને આકર્ષે છે.

સરૂનાં બધાં અંગોમાં Phomopsis casuarinae નામની સહજીવી ફૂગ વસવાટ ધરાવે છે.

તેનું રસ:કાષ્ઠ (sapwood) આછું બદામી અને અંત:કાષ્ઠ (heart wood) ઘેરા રાતા બદામી રંગનું હોય છે. કાષ્ઠ મજબૂત અને ભારે (વિ. ગુ. 0.88થી 0.95, 896 કિગ્રા. – 977 કિગ્રા./ઘમી.) હોય છે. તે સહેલાઈથી ફાટી જાય છે અને તેનું સંશોષણ (seasoning) કરવું મુશ્કેલ હોય છે. તેના પર સામાન્ય રીતે ઇતરડીનું આક્રમણ થતું નથી. ખુલ્લી જગાએ કે જમીન ઉપર તે ટકાઉ હોતું નથી.

સાગના કાષ્ઠના ગુણધર્મો સાથે તેના કાષ્ઠની ટકાવારીમાં તુલનાત્મક ઉપયુક્તતા આ પ્રમાણે છે : વજન 125, પાટડાની મજબૂતાઈ, પાટડાની દુર્નમ્યતા (stiffness) 100, થાંભલાની ઉપયુક્તતા 85, આઘાત-અવરોધક ક્ષમતા 135, આકારની જાળવણી 50, અપરૂપણ (shear) 150 અને કઠોરતા 125.

સરૂના કાષ્ઠનો બળતણ તરીકે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તે લીલું હોવા છતાં સહેલાઈથી સળગે છે; અને તેની રાખ લાંબો સમય સુધી ગરમી જાળવી રાખે છે. દુનિયાનું તે સૌથી શ્રેષ્ઠ બળતણ ગણાય છે.

સરૂના કાષ્ઠનો ઘરના અને વીજળીના થાંભલા, હથોડીના હાથા, હલેસાં, ધૂંસરી, પૈડાં વગેરે બનાવવામાં ઉપયોગ થાય છે.

સરૂની છાલ સંકોચક (astringent) હોય છે અને અતિસાર (diarrhoea) અને મરડામાં ઉપયોગી છે, તેનો મલમ બેરી-બેરી પર અસરકારક માલૂમ પડ્યો છે. પર્ણોનો કાઢો શૂલ(colic)માં ઉપયોગી છે અને ચૂર્ણિત બીજ માથાના દુખાવામાં લેપ તરીકે લગાડવામાં આવે છે.

તેની છાલમાં 6 %થી 18 % ટેનિન (કેટેચોલ) હોય છે, અને તે ચર્મશોધન(tanning)માં વપરાય છે. છાલ આછો ઘેરો લાલ રંગ આપે છે. તેનો વસ્ત્ર રંગવામાં ઉપયોગ થાય છે. છાલનો ઉપયોગ માછીમારી માટેની જાળ મજબૂત બનાવવામાં કરવામાં આવે છે. છાલમાં કૅશ્યૂએરિન અને a-ગેલો-કેટેચોલનું હોય છે. વૃક્ષ દ્વારા રાળ ઉત્પન્ન થાય છે.

નીલગિરિમાં C. striata અને C. suberosaનો સફળતાપૂર્વક પ્રવેશ કરાવવામાં આવ્યો છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ