સરૂર, અલી અહમદ (જ. 7 ઑક્ટોબર 1912, બદાયૂં, ઉત્તરપ્રદેશ; અ ?) : ઉર્દૂના વિદ્વાન. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને ઉર્દૂ વિષય સાથે એમ.એ.ની અને કાશ્મીર યુનિવર્સિટીમાંથી ડી.લિટ્.ની ડિગ્રી મેળવી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં માનાર્હ પ્રાધ્યાપક 2002માં રહ્યા અને લેખનની પ્રવૃત્તિ.
તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : ઉર્દૂના રીડર, લખનૌ યુનિવર્સિટી, 1946-55; પ્રાધ્યાપક અને અધ્યક્ષ, ઉર્દૂ ભાષા-સાહિત્ય વિભાગ, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, 1958-73; નિયામક, ઇકબાલ ઇન્સ્ટિટ્યૂટ, કાશ્મીર યુનિવર્સિટી, 1969-70; કન્વીનર, ઉર્દૂ માટેનું સલાહકાર બોર્ડ, કેન્દ્રીય સાહિત્ય અકાદમી, નવી દિલ્હી, 1954-72; સભ્ય, ભારતીય જ્ઞાનપીઠ, ઉર્દૂ સમિતિ; ઉપ-પ્રમુખ, અંજુમન તરક્કી ઉર્દૂ-હિંદી; સંપાદક, ‘હમારી જબાન’ (સાપ્તાહિક), 1956-74; ‘ઉર્દૂ અદબ’ (ત્રૈમાસિક), 1950-74 વગેરે.
તેમને મળેલ સન્માન આ પ્રમાણે છે : કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, 1974; ઉ. પ્ર. ઉર્દૂ અકાદમી ઍવૉર્ડ; પશ્ચિમ બંગાળ ઉર્દૂ અકાદમી ઍવૉર્ડ; મહારાષ્ટ્ર ઉર્દૂ અકાદમી ઍવૉર્ડ વગેરે. 1991માં તેમનું ‘પદ્મભૂષણ’ ખિતાબથી સન્માન કરાયું હતું.
તેમનાં પ્રકાશનો આ પ્રમાણે છે : ‘સાલ સબીલ’ (1935), ‘ઝૌકે જૂનુન’ (1955), ‘ખ્વાબ ઔર ખાલિશ’ (1993), (એ તમામ કાવ્યસંગ્રહો); ‘નયે ઔર પુરાને ચિરાગ’ (1946), ‘તન્કવીદ ક્યા હૈ’ (1947), ‘નઝર ઔર નઝરિયા’ (1973), ‘મસર્રાત સે બસરાત તક’ (1979), ‘પહચાન ઔર પરખ’ (1993), ‘દાનીશ્વર ઇકબાલ’ (1994), ‘ફિકે રોશન’ (1995) (એ તમામ વિવેચનગ્રંથો); ‘ખૂબ બાકી હૈ’ (1991) (આત્મકથા). તેમણે અનેક કૃતિઓ અને શોધપ્રબંધોનું સંપાદન કર્યું છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ઉપક્રમે સંવત્સર વ્યાખ્યાન આપ્યું 1992માં અને મુજીબ સ્મારક વ્યાખ્યાન આપ્યું 1996માં.
વિવેચનના ક્ષેત્રે તેઓ એક મહત્ત્વનું પરિબળ બની રહ્યા. તેમની પૂર્વે ઉર્દૂ વિવેચન પરંપરાગત પ્રવાહમાં સડતું રહ્યું હતું. રૂઢિચુસ્ત પ્રશિષ્ટતાવાદ અને બીજી બાજુ પાશ્ર્ચાત્ય રંગે રંગાયેલ રંગદર્શિતાવાદના સમર્થકોનાં બે અંતિમ બિંદુઓ વચ્ચે તેમણે સમન્વય પ્રયોજ્યો. તેમણે સંકલિત અભિગમથી, વસ્તુલક્ષી ભૂમિકાઓ પૂર્વગ્રહરહિત કે ભાવુકતારહિત અભિગમથી સાહિત્યની મુલવણી કરવાની પદ્ધતિ અપનાવી. તેઓ કોઈ વાદના સમર્થક નથી બન્યા; તેઓ એક ઉત્તમ ઉદારમતવાદી લેખાય છે.
મહેશ ચોકસી