સરી જતું સૂરત (સન્ 1942) : ધનસુખલાલ મહેતા-રચિત ગુજરાતી નાટ્યકૃતિ. ‘અમે બધાં’ નામના આત્મસંસ્મરણના પુસ્તક પરથી સંકલિત કરાયેલું અને ઈ. સ. 1895થી 1920 સુધીના સૂરતી જીવનનો ચિતાર આલેખતું આ નાટક, અંકોમાં નહિ પણ સાત દૃશ્યોમાં વહેંચાયેલું છે. નાટકના નાયક વિપિનના જન્મ, અભ્યાસ, વિવાહ અને લગ્નની આસપાસ વણાતી મધ્યમવર્ગીય સહેલાણી સૂરતી વડીલોની વાતવડાઈ એ આ નાટકનું મુખ્ય વસ્તુ છે. મોજીલી અને સરલ, ભૂલો કરીને ભૂલી જાય, વાંકું પાડે ને પાછી વાતને વિસારે પાડી દે એવી નિખાલસ પણ સ્મરણશેષ બની ગયેલી એ જૂની પેઢીના રોજિંદા જીવનનો ધબકાર અહીં ઝિલાયેલો છે. છેલ્લાં બે દૃશ્યો ‘મિલન’ અને ‘પૂર્ણાહુતિ’માં તરુણ નવપરિણીત દંપતીનું પ્રથમ મિલન શૃંગારરસને પોષક નીવડે એ રીતે આલેખાયેલું છે; પણ બાકીનાં દૃશ્યોમાં બાળકનો જન્મ, પરીક્ષાના પરિણામનો દિવસ, જ્ઞાતિની કોઈ કન્યા સાથે યૌવનને ઉંબરે પહોંચેલા એ બાળકનું વેવિશાળ કરવાનાં પગરણ એવા સામાન્ય જીવનપ્રસંગોનું નિરૂપણ થયું છે. અહીં માત્ર ‘દૃશ્યો’ની પરંપરા હોઈ આરંભથી અંત સુધી ગૂંચવાતો જતો અને ઉકેલાતો જતો વસ્તુવિકાસ નથી, અનેક પ્રસંગો વચ્ચે એકતા સાધે એવું સંવિધાન નથી. મોટાભાગનો ઘટનાફલક ચરિત્રાત્મક તથા દસ્તાવેજી સામગ્રી, સમાજજીવનના માહિતીપૂર્ણ પ્રસંગોની ગૂંથણી તથા નમૂનારૂપ પાત્રાલેખ જેવા અનાટ્ય અંશોમાં રોકાયો હોવાથી બાહ્યાકાર નાટકનો હોવા છતાં નાટ્યવિધાનની તાત્ત્વિક વિશેષતા શૈલીસિદ્ધ થઈ શકી નથી. જોકે ‘ચાર ચિતા વચ્ચે’, ‘લગ્ન’, ‘મિલન’ અને ‘પૂર્ણાહુતિ’ – એ છેલ્લાં ચાર દૃશ્યોમાં પ્રસંગ-પાત્રની એકસૂત્રતા તથા ભાવવાહી નિરૂપણને લીધે, નાટ્યને પોષક નીવડે એવું વાતાવરણ બંધાતું આવે છે ખરું ! આખરી દૃશ્યના ગંભીર સમાપનમાં એકાંકી ઉચિત આસ્વાદ તથા અર્થસાધકતા સહજ રીતે સિદ્ધ થયેલાં જણાય છે. નાટ્યકારની રોજિંદા સામાન્ય સાધારણ જીવનપ્રવાહમાં રહેલી નાટ્યોચિત ભાવસભર સામગ્રી તારવવાની આવડત, માનવસ્વભાવની ઊંડી સમજ, વિભિન્ન સ્વભાવનાં પાત્રોના વ્યવહારમાં વ્યક્ત થતા ભાવવિનિમયને પારખવાની હૈયાસૂઝ; સ્વાભાવિક જીવંત, તરવરાટભર્યા, ચોટદાર સંવાદો લખવાની હથોટીને લીધે આ દૃશ્યો મંચનક્ષમ બન્યાં છે. ભૂલ થતાં ફેરવી તોળે એવી માનવપ્રકૃતિના અહીં અનેક નમૂનાઓ છે, જે પોતપોતાની રીતે એકબીજાથી અલગ પ્રકારના છે. નાયક વિપિનની નાની વેણીગવરીના વાણીપલટા લકડીના દાવ જેવા આક્રમક છે તો નાના સેવકલાલની ચાલ બદલવાની રીત આક્રમણ સામે ઢાલ ધરનારી છે, છટકવાની બારી શોધનારી છે. કાકી પ્રેમકોર ધરાર ખોટું બોલી નાખે અને પકડાઈ જતાં સાચી વાત કબૂલ કરવી પડે તો ધરાર કબૂલ કરી નાખે એવી છે, તો બાપ છનમુખરામમાં ઉશ્કેરાટની ક્ષણે એકપક્ષી કરી નાખનારો અને એ આક્ષેપ ખોટો પડે તો દમામમાં ને દમામમાં સત્યનો અછડતો સ્વીકાર કરનારો અમલદારી અહમ્ છે. આ બધાં પાત્રો ફેરવી તોળે છે, પણ દરેકની રીત જુદી છે. વિપિનની મા મંગલા માતૃત્વની મંગલ મૂર્તિ છે, પતિપરાયણ છે, પણ ખરાખરીનો મોકો આવતાં પુત્રને પાંખમાં લઈને પતિના ક્રોધને પડકારનારી ગરવી ગુજરાતણ છે. દાદા દલસુખરામમાં મનની મોટાઈ છે, જીવનનાં નગદ મૂલ્યો થકી સંતાનને મૂલવવાની વ્યવહારુ બુદ્ધિ છે, બાળક સાથે બાળક બનીને ખેલે એવી હળવા દિલની ખેલદિલી છે. આવી વૈવિધ્યસભર વાસ્તવિક પાત્રસૃદૃષ્ટિને લીધે પણ આ દૃશ્યો મનોરંજક હોઈ પ્રયોગક્ષમ બની શક્યાં છે.
મહેશ ચંપકલાલ