સરિસૃપ (1969) : ઊડિયા કવિ વિનોદચંદ્ર નાયક(જ. 1917)-રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1976ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો.
આ પહેલાં તથા આ પછી પણ તેમણે અનેક કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા છે. ઓરિસાના પીઢ કવિઓમાં તેમની ગણના થાય છે. તેઓ અગાઉની રોમૅન્ટિક કવિતા તથા ત્રીસી અને ચાલીસીની ‘ગ્રીન’ કવિતા તેમજ નવ્ય કવિતા વચ્ચે સેતુરૂપ બની રહ્યા.
પુરસ્કૃત કાવ્યસંગ્રહમાં 65 કાવ્યો છે. તેમાં અપાર વિષયવૈવિધ્ય છે. તેમાં સ્થળ અને સમય એમ ઉભય દૃષ્ટિએ કોઈક દૂર દૂરના પ્રદેશો માટેની તીવ્ર ઝંખના છે. સાથે સાથે સાંપ્રત સાથેનો અનુબંધ પણ જળવાયો છે. તેમાં નાજુક રોમૅન્ટિક લાગણીઓની સાથે સાથે વાસ્તવિકતા માટેની ચિંતા અને જીવનનાં નગ્ન સત્યોનો પણ ચિતાર છે. પ્રકૃતિ અને તેનું અપાર સૌંદર્ય તથા તે પરત્વેનાં ચિંતનો પણ આ કાવ્યોમાં ગૂંથાયાં છે. મોટાભાગનાં કાવ્યોમાં લાઘવ છે, તેમાં અનેક મનોભાવો આલેખાયા છે; તેમાં સંગીત અને સૌંદર્યલક્ષિતાનું મોહક વાતાવરણ સર્જાય છે.
તેમણે પટણા યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષયમાં એમ.એ.ની અને 1951માં ઉત્કલ યુનિવર્સિટીમાંથી ઊડિયા ભાષામાં એમ.એ.ની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેઓ ઓરિસા રાજ્યની શિક્ષણસેવામાં જોડાયા. પછી તેના રાજ્યની સાહિત્ય, સંગીત નાટક તથા લલિત અકાદમીઓના સચિવ તરીકે તેમણે કાર્યભાર સંભાળ્યો.
વિદ્યાર્થી-અવસ્થાથી જ કાવ્યલેખન શરૂ કર્યું અને પ્રથમ કાવ્યસંગ્રહ તેમની 16 વર્ષની વયે ‘હૈમાન્તી’ નામે 1933માં પ્રગટ થયો. તેમાં માનવીય લાગણીઓનું મોહક ચિત્રણ છે. આ કૃતિ ઊડિયા સાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન ગણાય છે.
મહેશ ચોકસી