સરિત, થાનારત

January, 2007

સરિત, થાનારત (જ. 16 જૂન 1908, બૅગકોક; અ. 8 ડિસેમ્બર 1963, બૅંગકોક) : થાઇલૅન્ડના શાસક તેમજ ત્યાંની 1958થી 1963 દરમિયાનની લશ્કર-શાસિત સરકારના ફિલ્ડમાર્શલ અને વડાપ્રધાન. તેમણે બૅંગકોકની લશ્કરી અકાદમી ચુલા ચોમ ક્લો(Chula Chom Klao)માં અભ્યાસ કરી 1929માં સ્નાતકની પદવી મેળવી હતી. ત્યારબાદ લશ્કરી અધિકારી તરીકે કારકિર્દીનો આરંભ કર્યો હતો. 1947ના કૂ દે’તામાં તેમણે લશ્કરી સરમુખત્યાર બનેલા વડા ફિન્બુનસૌગંધરામ(Phinbunsongkhram)ને ટેકો આપ્યો અને તેની સરકારમાં સંરક્ષણપ્રધાન અને સેનાધિપતિના હોદ્દા ધારણ કર્યા હતા.

દસેક વર્ષ બાદ 1957માં લોકોના સમર્થનથી તેમણે ફિન્બુનને પદભ્રષ્ટ કરી ‘રખેવાળ’ સરકાર રચી. ઑક્ટોબર, 1958માં કૂ દે’તા થતા તેમની સત્તા આંચકી લેવામાં આવી. તેમણે ફરી ઊથલો મારી સત્તા પાછી મેળવી ખુદને પ્રીમિયર ઘોષિત કર્યા અને ‘વચગાળાનું બંધારણ’ જાહેર કર્યું.

સત્તા પર આવીને તેમણે અગાઉની સરકારના રાષ્ટ્રીય પોલીસદળમાં ફાલેલા ભ્રષ્ટાચારને સૌપ્રથમ નાબૂદ કર્યો. દેશમાં વ્યાપક બનેલી સંગઠિત ગુનાખોરી વિરુદ્ધ જેહાદ જગાવી. અફીણના ઉપયોગ અને તેની હેરાફેરી પર પ્રતિબંધ લાદ્યો. આથી સરકારે ઈશાન થાઇલૅન્ડના ગરીબ અને અવિકસિત પ્રાંતોમાં ગ્રામીણ આર્થિક વિકાસના પ્રથમ સફળ કાર્યક્રમનો પ્રારંભ કર્યો. રાષ્ટ્રીય શૈક્ષણિક કાર્યક્રમમાં સુધારા કરી તેનો વ્યાપ ઠીક ઠીક વધાર્યો.

જોકે સરિતશાસન એકંદરે સત્તાવાદી હતું. રાજકીય પક્ષો પર તેમજ તેનાં સમાચારપત્રો પર પ્રતિબંધ મુકાયેલો. નાગરિકોને જે થોડાઘણા પણ બંધારણીય અધિકારો હતા તેનો અમલ મોકૂફ રાખવામાં આવેલો, તે એટલે સુધી કે અસંમતિદર્શકોને તેમના પર અદાલતી કાર્યવહી કર્યા વિના કે આરોપ મૂક્યા વિના જેલભેગા કરાતા હતા.

તેમની વિદેશનીતિ સામ્યવાદ-વિરોધી અને અમેરિકા-તરફી હતી. થાઇલૅન્ડની અંદર સામ્યવાદી બળવાખોરીના ભયને કારણે તેમને અમેરિકાની લશ્કરી મદદ પર વધુ ને વધુ આધાર રાખવો પડતો.

તેમના અવસાન પછી થાનોમ કિટ્ટીકીચોર્ન વડાપ્રધાન બન્યા.

રક્ષા મ. વ્યાસ