સરાઇકેલા : ઝારખંડ રાજ્યના સિંઘભૂમ જિલ્લામાં આવેલું નગર. ભૌ. સ્થાન : 22o 43’ ઉ. અ. અને 85o 57’ પૂ. રે.. તે જમશેદપુરથી નૈર્ઋત્ય તરફ અને ચાઈબાસાથી ઈશાન તરફ લગભગ સરખા અંતરે આવેલું છે. આ નગર સુવર્ણરેખા નદીની શાખાનદીને કાંઠે વસેલું છે. અહીંનું ભૂપૃષ્ઠ અસમતળ છે.
અહીં ચાંદીનાં ઘરેણાં બનાવવાનો ગૃહઉદ્યોગ ચાલે છે. આજુબાજુના વિસ્તારમાંથી લોહ અને તાંબાનાં ધાતુખનિજો, કાયનાઇટ, ઍસ્બેસ્ટૉસ અને ચૂનાખડકના નિક્ષેપો મળે છે. અહીંથી કાયનાઇટની નિકાસ, જ્યારે કાપડની આયાત કરવામાં આવે છે.
આ નગરમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની જોગવાઈ છે. ઉચ્ચ શિક્ષણ માટે એક કૉલેજ પણ ઊભી કરવામાં આવેલી છે.
અગાઉના સમયમાં તે ઓરિસા રાજ્યના ભાગરૂપ હતું. સત્તરમી સદીમાં પોરહટ રાજવી વંશના વિક્રમસિંહે દેશી રાજ્યના વહીવટી મથક તરીકે તેની સ્થાપના કરેલી. તે છોટાનાગપુર કમિશનનું સનદી દેશી રાજ્ય હતું. 1949માં તેને સિંઘભૂમ સાથે ભેળવી દેવામાં આવેલું છે.
નીતિન કોઠારી