સરાઈ : આ નામે ઓળખાતું મધ્યકાલીન મુસાફરખાનું. મુસાફરો એમાં રાતવાસો કરવા આવતા. આવી સરાઈઓ અમદાવાદ, સૂરત, દિલ્હી વગેરે સ્થળોએ આવેલી છે. અમદાવાદમાં ભદ્રકાળીના મંદિરની પાસે આઝમ સરાઈ આવેલી છે. હાલ આ મકાન સરકારી પુસ્તક વેચાણ કેન્દ્ર તરીકે વપરાય છે. તેનું બાંધકામ ગુજરાતના સૂબા આઝમખાને ઈ. સ. 1637માં કરાવ્યું હતું. તેનું મુખ્ય પ્રવેશદ્વાર 5.5 મીટર ઊંચું છે અને તે ઈરાની શૈલીની કમાન વડે બનાવેલું છે. આ મકાનની અંદરના ભાગમાં ઘણા ફેરફાર થયા હોવાથી તેની આંતરિક રચના વિશે ચોક્કસપણે જાણી શકાતું નથી. તેમાં પ્રવેશતાં જ મોટો અષ્ટકોણ ખંડ છે અને તેની ચાર બાજુએ તથા ચાર ખૂણે આઠ અષ્ટકોણ ઓરડા છે. મુખ્ય ખંડ મજલાવાળો છે. મુખ્ય ખંડમાં થઈને પાછળની બાજુએ ચોકમાં જઈ શકાય છે. મુખ્ય ખંડ અને આઠ ઓરડાની નીચે ભોંયરું છે. ભોંયરામાં પણ અષ્ટકોણ ખંડને ફરતા ઓરડા છે. પાછળના સમયમાં આ સરાઈનો ઉપયોગ કેદખાના તરીકે થતો હતો. તે પછી તે પોસ્ટ-ઑફિસ તરીકે વપરાતું હતું. જૂની ડિસ્ટ્રિક્ટ કોર્ટનો (અને હાલની સિટી સિવિલ અને સેશન્સ કોર્ટ) કેટલોક ભાગ આ સરાઈનો છે.

સૂરતની સરાઈ ‘મુઘલસરાઈ’ તરીકે આજે પણ પ્રસિદ્ધ છે. તેની આસપાસનો વિસ્તાર ‘મુગલી સરા’ તરીકે ઓળખાય છે. આજે આ ઇમારત સૂરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના કાર્યાલય તરીકે વપરાય છે. ઈ. સ. 1644માં કિલ્લેદાર હકીકતખાને તે બંધાવી હતી. દેખાવમાં તે અમદાવાદની આઝમ સરાઈને મળતી આવે છે. તેના લેખમાં તેને ‘મુબારક મુસાફરખાનું’ અને ‘કારવાન સરા’ તરીકે ઓળખાવી છે. તેમાં ઊતરનાર વિદ્વાનો, પાક પુરુષો, ગરીબો અને હાજીઓ પાસેથી ભાડું લેવામાં આવતું ન હતું. તે સિવાયના લોકો પાસેથી ભાડું લેવાતું અને તે આવકમાંથી તેનો નિભાવ થતો. 1857 પછી તેનો ઉપયોગ કેદખાના તરીકે થતો હતો. સ્થાનિક મુસ્લિમોએ ત્યારે તેનો વિરોધ કર્યો હતો, તેમ છતાં 1869 સુધી તે ઇમારત જેલ તરીકે વપરાતી રહી હતી.

સૂરતની સિવિલ હૉસ્પિટલનું મકાન પણ વાસ્તવમાં મુઘલકાલની સરાઈ છે અને તે ઈ.સ. 1637માં ખાનખાનાએ બંધાવી હતી.

દાહોદમાં આવેલી સરાઈ ઈ. સ. 1676માં સૂબેદાર મુહમ્મદ અમીનખાને બંધાવી હતી. આ ચોરસ ઇમારતને ફરતો કોટ છે. એના ચારેય ખૂણે ચાર બુરજ અને ઉત્તર તથા દક્ષિણની બાજુએ મધ્યમાં એક એક ભવ્ય પ્રવેશદ્વાર છે. કોટની અંદરના ભાગમાં અનેક ઓરડા કરેલા છે. ઇમારતની પશ્ચિમે મસ્જિદ હતી. મરાઠાકાલમાં આ સરાઈમાં ઘણા ફેરફાર થયા. સિંધિયાના સૂબેદાર બાપુસાહેબ પાટણકરે અગ્નિકોણમાં પોતાના પુત્ર માટે ‘બારદ્વારી’ (બાર દરવાજાવાળું) મકાન બંધાવ્યું હતું. અન્ય સરાઈઓની જેમ આ સરાઈનો ઉપયોગ જેલ તરીકે પણ થયો હતો. હાલ તેમાં સરકારી કચેરીઓ આવેલી છે.

દિલ્હીમાં આરબ સરાઈ અને બાડલી સરાઈ આવેલી છે. હુમાયૂંના મકબરાના નૈર્ઋત્ય ખૂણે આરબ સરાઈની ઇમારત આવેલી છે. એમ કહેવાય છે કે બેગા બેગમ અથવા હાજી બેગમે તેનું બાંધકામ કરાવ્યું હતું. તે જ્યારે મક્કા હજ કરવા ગયાં ત્યારે ત્યાંથી આરબ મુલ્લાઓ- (ધર્મગુરુઓ)ને લાવ્યાં હતાં. તેમના નિવાસ માટે તે બાંધવામાં આવી હતી. વાસ્તવમાં ‘આરબ સરાઈ’ નામ ખોટી રીતે પાડેલું છે. શક્ય એ છે કે હુમાયૂંના મકબરાના બાંધકામ વખતે તેમાં પર્શિયન (આરબો નહિ) કારીગરો અને કામ કરનારા રહેતા હતા તેથી આ નામ પડ્યું હશે. આ ઇમારત ઓરડીઓ સાથે સંકળાયેલા બે મોટા સમચોરસમાં વહેંચાયેલી છે. કોટના મધ્યમાં પૂર્વમાં પ્રવેશ છે. હાલ પશ્ચિમની બાજુનો ઉપયોગ ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે થાય છે. બીજા સમચોરસ ભાગમાં કમાનવાળી નાની ઓરડીઓ છે, જે મંડી (માર્કેટ) તરીકે ઓળખાય છે. આ ભાગનું વિસ્તરણ મિહિરબાનુ આગા નામના જહાંગીરના મુખ્ય હીજડાએ કરાવ્યું હતું.

દિલ્હી-કર્નાલના રોડ પર દિલ્હીથી 10 કિમી. દૂર આવેલા બાડલીમાં પણ એક સરાઈ છે. મુઘલકાલના પાછળના સમયમાં તે બાંધવામાં આવી હતી. તેના કમાનવાળા ઓરડા સાથેનો કોટ નાશ પામ્યો છે, પરંતુ તેના બે દરવાજા હયાત છે.

થૉમસ પરમાર