સરહિંદી નાસિર અલી (જ. ? ; અ. 1696-97) : ફારસી કવિ. પૂરું નામ નાસિર અલી ઇબ્ન રજબઅલી; ‘અલી’ ઉપનામ હતું. તેઓ ઉચ્ચ કોટિના ફારસી કવિ હતા. તેમનું વતન લાહોર હતું, પરંતુ ઉત્તર પ્રદેશના સરહિંદમાં સમગ્ર જીવન પસાર કર્યું હતું. તેઓ સરહિંદના નવાબ સૈફખાન અને નવાબ ઝુલફિકારખાન સાથે રહ્યા હતા, છતાં દિલ્હીના રાજદરબારોથી હંમેશાં દૂર રહ્યા હતા. તેઓ નક્શબંદી સૂફી પંથમાં શેખ માસૂમ સરહિંદી(રહ.)ના મુરીદ હતા અને મોટેભાગે એકાંત જીવન પસાર કરતા હતા. તેમના મૃત્યુ બાદ તેમને દિલ્હીમાં દરગાહ નિઝામુદ્દીન ખાતે દફનાવવામાં આવ્યા હતા. તેમની ગણના એક સૂફી કવિ તરીકે થાય છે. તેમનાં આધ્યાત્મિક અને પ્રેમવિષયક કાવ્યોનો સંગ્રહ નોંધપાત્ર છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી