સરસ્વતી દેવી, ઇલિન્દલા (શ્રીમતી) (જ. 15 જૂન 1918, નરસપુર, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્રપ્રદેશ) : તેલુગુ વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘સ્વર્ણકમલુળુ’ માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
તેમનાં બાળપણમાં લગ્ન થયેલાં. લગ્ન બાદ મૅટ્રિક થયાં, પછી વધુ અભ્યાસ કરી ન શક્યાં; પરંતુ તેલુગુ અને અંગ્રેજીની ઉત્કૃષ્ટ કૃતિઓને ઘેરબેઠાં પોતાની જાતે અભ્યાસ કરીને 1940 પછીનાં વર્ષોમાં લેખક અને પત્રકાર તરીકે લેખનકાર્યનો આરંભ કર્યો.
તેમની પ્રગટ થયેલી 33 કૃતિઓમાં 14 નવલકથાઓ, 5 નવલિકાઓના અને પ્રાસંગિક લેખોના 5 સંગ્રહ છે. તેમાંનાં ‘વૈજયંતિ’ (1972), ‘રંગાવલ્લી’ (1976) અને ‘મબ્બુ વિદિના મોગ્ગા’ (1980) નવલકથાઓ; ‘તેજો મુર્તુળુ’ (1978), ‘જીવનવૃત્તાંત’, ‘સ્વર્ણકમલુળુ’ (1981) વાર્તાસંગ્રહો; ‘તુલસીદલાળુ’ (1993), ‘નારી જગત્તુ’ (1978) અને ‘વ્યાસતરંગિણી’ (1980) નિબંધસંગ્રહો ઉલ્લેખનીય છે.
1958-66 સુધી તેઓ આંધ્રપ્રદેશ વિધાન પરિષદમાં સભ્ય રહેલાં. તેમણે શિકાગો અને ન્યૂયૉર્કનો પ્રવાસ ખેડેલો. તેલુગુ સાહિત્યમાં તેમના પ્રદાન બદલ તેમને આંધ્રપ્રદેશ રાજ્ય સાહિત્ય અકાદમી તરફથી ઉત્તમ લેખક તરીકેનો ઍવૉર્ડ (1974); બલાલા અકાદમી તરફથી બાલાબંધુ ઍવૉર્ડ (1978) અને રાજ્ય સરકાર તરફથી તેલુગુ વેલુગુ ઍવૉર્ડ (1983) આપવામાં આવેલા. તેલુગુ યુનિવર્સિટી તરફથી ડૉક્ટરેટની માનાર્હ ડિગ્રીનું પ્રદાન કરી તેમનું સન્માન કરાયું હતું (1997). આ ઉપરાંત 1964માં તેમને ગૃહલક્ષ્મી સંસ્થા ગોલ્ડન બેંગલ ઍવૉર્ડ પણ આપવામાં આવેલો.
‘સ્વર્ણકમલુળુ’ કૃતિ તેમાંનાં માનવઅનુભવોના વૈવિધ્યસભર નિરૂપણ, અંગત સંબંધો વિશેની યથોચિત સમજ, પ્રગતિશીલ વૈચારિક અભિગમ તથા રસપ્રદ શૈલીને કારણે તેલુગુ સાહિત્યમાં મહત્ત્વની લેખાય છે.
બળદેવભાઈ કનીજિયા