સરસ્વતીદેવી (જ. 1912, મુંબઈ; અ. 10 ઑગસ્ટ 1980) : સંગીત-નિર્દેશિકા. હિંદી ચલચિત્રોનાં પ્રથમ મહિલા સંગીતકાર સરસ્વતીદેવીનું ખરું નામ ખુરશીદ મિનોચા હોમજી હતું. ચલચિત્રોમાં પોતાના સમાજની મહિલા સંગીત આપે તે પારસી સમાજ સહન કરી શકે તેમ નહોતો. તેમ છતાં તમામ વિરોધોનો સામનો કરીને સંગીત પ્રત્યે સમર્પિત સરસ્વતીદેવીએ પોતાની સંગીતસાધના જારી રાખી. તેમણે પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે પાસેથી શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. તેમણે લખનૌની મોરિસ કૉલેજમાં સંગીતનો વિષય લઈને અભ્યાસ કર્યો. 1933-34માં એક સંગીતસમારોહમાં ભાગ લેવા તેઓ લખનૌથી મુંબઈ આવ્યાં. અહીં તેમની મુલાકાત ‘બૉમ્બે ટૉકીઝ’ના હિમાંશુ રાય સાથે થઈ. રાયે તેમને મુંબઈ આવીને ચલચિત્રોમાં સંગીત આપવા કહ્યું. જોકે પોતે માત્ર શાસ્ત્રીય સંગીત જાણે છે એટલે ચિત્રોની જરૂરિયાત મુજબનું સંગીત નહિ આપી શકે એમ કહીને તેમણે ઇનકાર કર્યો, પણ રાયના અતિ આગ્રહને વશ થઈ તેઓ મુંબઈ આવ્યાં. તેમણે પ્રારંભ તો દેવિકારાણીને સંગીત શીખવવાથી કર્યો. એ દરમિયાન તેમણે કેટલીક હળવી તરજો બનાવી. એ રીતે અનાયાસ જ ‘બૉમ્બે ટૉકીઝ’ના ચિત્ર ‘જવાની કી હવા’નાં ગીતોનો જન્મ થયો. આ ચિત્રનાં કેટલાંક ગીત તેમની બહેન માણેક તથા કેટલાંક નઝમુલ હસને ગાયાં હતાં. જોકે પારસી સમાજનો વિરોધ જોઈને તેમણે પોતાનું નામ ‘સરસ્વતીદેવી’ તથા તેમનાં અભિનેત્રી બહેનનું નામ ‘ચંદ્રપ્રભા’ રાખી લીધું હતું.
‘બૉમ્બ ટૉકીઝ’ માટે ‘અછૂત કન્યા’, ‘જન્મભૂમિ’, ‘બંધન’ તથા ‘ઝૂલા’ જેવાં ચિત્રો ઉપરાંત સરસ્વતીદેવીએ ‘મિનરવા મુવિટોન’નાં ચિત્રો ‘પૃથ્વીવલ્લભ’, ‘ભક્ત રૈદાસ’ અને ‘પ્રાર્થના’નું સંગીત પણ આપ્યું. નંદલાલ જસવંતલાલ દિગ્દર્શિત ‘આમ્રપાલી’માં પણ તેમનું સંગીત હતું. દરમિયાન ચલચિત્રોમાં જે પ્રકારના સંગીતની માંગ વધવા લાગી હતી તે જોતાં ‘બૉમ્બે ટૉકીઝે’ તેમના કામમાં દખલગીરી કરવા માંડી. હિમાંશુ રાયના નિધન બાદ ‘બૉમ્બે ટૉકીઝ’માં જે રીતે માહોલ બદલાયો, એ પણ તેમને અનુકૂળ ન આવતાં બૉમ્બે ટૉકીઝ છોડીને સરસ્વતીદેવીએ બીજા સર્જકોનાં ચિત્રોમાં સંગીત આપવા માંડ્યું. 1950માં તેમણે સંગીતનિર્દેશિકા તરીકે નિવૃત્તિ લઈ લીધી. ચિત્રોમાં પાર્શ્ર્વસંગીતનો પ્રારંભ કરનારાઓમાં સરસ્વતીદેવીનો પણ સમાવેશ થાય છે. ‘જવાની કી હવા’માં તેમનાં બહેન ચંદ્રપ્રભાની એકાએક તબિયત બગડતાં તેઓ ગાઈ શક્યાં નહોતાં. એ વખતે એ ગીત સરસ્વતીદેવીએ જ ગાયું અને ચંદ્રપ્રભાએ એ ગીત પર માત્ર હોઠ ફફડાવ્યા. તેમના સંગીતનિર્દેશન હેઠળ કોરસગાયકો તરીકે મદનમોહન અને કિશોરકુમારે પણ ગાયું હતું. સંગીતકાર એસ. એન. ત્રિપાઠીએ પણ તેમના સહાયક તરીકે કામ કર્યું હતું.
હરસુખ થાનકી