સરસ્વતીકંઠાભરણ-2 : સંસ્કૃત અલંકારશાસ્ત્રનો ગ્રંથ. આચાર્ય ભોજ તેના રચયિતા છે. આ ગ્રંથ પાંચ પરિચ્છેદોનો બનેલો છે. પ્રથમ પરિચ્છેદમાં કાવ્યપ્રયોજન, કાવ્યવ્યાખ્યા, કાવ્યના પ્રકારો આરંભમાં રજૂ થયાં છે. એ પછી 16 પદના, 16 વાક્યના અને 16 અર્થના દોષોની ચર્ચા આપી છે. અંતે 24 શબ્દના અને 24 અર્થના ગુણો ચર્ચવામાં આવ્યા છે. બીજા પરિચ્છેદમાં 24 શબ્દના અલંકારો વિસ્તારથી સમજાવવામાં આવ્યા છે. ત્રીજા પરિચ્છેદમાં 24 અર્થાલંકારો અને ચોથા પરિચ્છેદમાં 24 ઉભયાલંકારો વર્ણવાયા છે. પાંચમા પરિચ્છેદમાં રસ, ભાવ, નાયક અને નાયિકાના ભેદો, નાટ્યસંધિઓ અને ચાર વૃત્તિઓની ચર્ચા આપવામાં આવી છે.
‘સરસ્વતીકંઠાભરણ’ આ રીતે 643 કારિકાઓનો બનેલો છે, જેમાંની 200 કારિકાઓ આચાર્ય દંડીના ‘કાવ્યાદર્શ’માંથી ઉતારવામાં આવી છે. અતિવિસ્તૃત એવા પ્રસ્તુત ગ્રંથમાં 1,500 જેટલાં ઉદાહરણો પૂર્વવર્તી કવિઓમાંથી લીધાં છે. તેમાં વામને આપેલાં 22, રુદ્રટે આપેલાં 19 અને આનંદવર્ધને આપેલી 6 કારિકાઓ અને મહાકવિ ભટ્ટિ પાસેથી 4 ઉદાહરણો ભોજરાજાએ સ્વીકાર્યાં છે. 65 પ્રકારોવાળા ચિત્ર અલંકારનું નિરૂપણ લેખકની મૌલિકતાની સાક્ષી આપે છે. વળી શૃંગારરસ અને નાયિકાભેદની ચર્ચામાં લેખકના મૌલિક મતો ધ્યાનપાત્ર છે. એ નવાઈની વાત છે કે રીતિના 6 પ્રકારો ગણાવીને રીતિને શબ્દાર્થાલંકાર અથવા ઉભયાલંકારમાં ચર્ચી છે.
બરુઆ દ્વારા 1884માં પ્રસ્તુત ગ્રંથ સૌપ્રથમ પ્રકાશિત થયેલો. આ ગ્રંથની બીજી આવૃત્તિ વીરેશ્વર શાસ્ત્રીએ કાશીમાંથી 1888માં પ્રગટ કરી છે. 1894માં જીવાનંદ વિદ્યાસાગરે કોલકાતામાંથી રત્નેશ્વરની ‘રત્નદર્પણ’ ટીકા સાથે પ્રસ્તુત ગ્રંથ પ્રકાશિત કર્યો છે. એ પછી 1925માં નિર્ણયસાગર પ્રેસ, મુંબઈમાંથી તેની કાવ્યમાલા સિરીઝના 94મા ગ્રંથ તરીકે પ્રથમ આવૃત્તિ અને 1934માં બીજી આવૃત્તિ પ્રગટ થઈ છે. તેમાં પ્રથમ ત્રણ પરિચ્છેદો પર રત્નેશ્વરની ‘રત્નદર્પણ’ અને ચોથા પરિચ્છેદ પર જગદ્ધરની ટીકા આપેલી છે. તદુપરાંત, હરિનાથની ‘માર્જના’ ટીકા, લક્ષ્મીનાથ ભટ્ટની ‘દુષ્કરચિત્રપ્રકાશિકા’ ટીકા અને હરિકૃષ્ણ વ્યાસની ટીકાઓ હસ્તપ્રતમાં સચવાઈ રહેલી છે. જગદ્ધરની ટીકા પણ ફક્ત ચોથા પરિચ્છેદ પૂરતી જ પ્રગટ થઈ છે, બાકીનો ભાગ અદ્યાપિ અપ્રકાશિત છે.
પ્ર. ઉ. શાસ્ત્રી