સરભર વિશ્લેષણ (break even analysis) : ઉત્પાદક કંપનીના ઉત્પાદનનો વકરો, ઉત્પાદનની પડતર-કિંમતને જે સુનિશ્ચિત બિંદુએ સાદ્યંત વસૂલ કરી શકે તેવા બિંદુનું પૃથક્કરણ. સરભર વિશ્લેષણ સમતૂટ બિંદુ વિશ્લેષણ તરીકે પણ ઓળખાય છે. ઉત્પાદન કરતા એકમો, કેટલા જથ્થામાં પોતાનો માલ પેદા કરીને વેચે તો તે, ‘ન નફો ન નુકસાન’ની પરિસ્થિતિમાં મુકાય તે જાણવા માટે આ વિશ્લેષણ ઉપયોગી છે. આ પરિસ્થિતિમાં ધંધાકીય એકમ એની મૂડીને સરભર કરી શકે છે. નક્કી થતા જથ્થાથી ઓછું ઉત્પાદન અને વેચાણ થાય તો નુકસાન જવાથી મૂડી ઓછી થાય છે અને વધુ ઉત્પાદન અને વેચાણ થાય તો નફો થવાથી મૂડી વધે છે આમ, ઉત્પાદનપ્રવૃત્તિ જથ્થા ઉપર આધારિત હોય છે, તેથી જથ્થાના ચોક્કસ બિંદુએ ધંધાકીય એકમની મૂડી ન વધે ન ઘટે તેવી સમાન રહે છે; તેથી તે બિંદુ સરભર બિંદુ/સમતૂટ બિંદુ કહેવાય છે. એ બિંદુનું વિશ્લેષણ સમતૂટ બિંદુ વિશ્લેષણ તરીકે ઓળખાય છે. આ બિંદુ નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાતો આલેખ સમતૂટ બિંદુ આલેખથી ઓળખાય છે. સરભર વિશ્લેષણ કરવા માટે અનેક અગત્યની ધારણાઓ કરવામાં આવે છે : ઉત્પાદનમાં વધઘટ થાય છતાં પણ (1) ઉત્પાદનના પ્રત્યેક એકમની ચલિત/અસ્થિર (variable) પડતરમાં કોઈ ફેરફાર થાય નહિ; (2) ઉત્પાદન કરવા માટેની કુલ સ્થિર (fixed) પડતરમાં કોઈ ફેરફાર થાય નહિ; તેથી ઉત્પાદન વધવાથી અને કુલ સ્થિર પડતર તેની તે જ રહેવાથી ઉત્પાદિત પ્રત્યેક એકમની સ્થિર પડતરમાં અને પરિણામે કુલ પડતરમાં ઘટાડો થાય. તેવી જ રીતે ઉત્પાદન ઘટવાથી પ્રત્યેક ઉત્પાદિત એકમની સ્થિર પડતરમાં વધારો અને પરિણામે કુલ પડતરમાં વધારો થાય; (3) ઉત્પાદનની વેચાણ-કિંમતમાં પણ ઉત્પાદિત પુરવઠો વધવા છતાં કોઈ ફેરફાર થતો નથી અને (4) ઉત્પન્ન થતો બધો જ જથ્થો વેચાઈ જાય છે. પરિણામે હાથ પર કોઈ જથ્થો રહેતો નથી.
સરભર વિશ્લેષણ માટે બે પ્રકારનાં સમીકરણ તૈયાર કરવામાં આવે છે : સમીકરણ (1) : કેટલાક એકમોનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે તો સરભર પરિસ્થિતિ થાય.
આવક = ખર્ચ
આવક = ઉત્પાદન અને વેચાણના એકમ x એકમદીઠ વેચાણ-કિંમત
ખર્ચ = સ્થિર ખર્ચ + ચલિત ખર્ચ
= સ્થિર ખર્ચ + એકમદીઠ ચલિત ખર્ચ x ઉત્પાદનના એકમો
હવે જો, ઉત્પાદન અને વેચાણના એકમ = U
એકમદીઠ વેચાણ-કિંમત = P
સ્થિર ખર્ચ = F
અને એકમદીઠ ચલિત ખર્ચ = V
લેવામાં આવે તો સમતૂટ બિંદુ શોધવા માટે નીચેનું સમીકરણ છોડવું જોઈએ :
સમીકરણ (2) : કેટલા રૂપિયાના માલનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે તો સરભર પરિસ્થિતિ થાય.
આ સમીકરણ બનાવવા માટે સમીકરણ (1)ની બંને બાજુને એકમદીઠ વેચાણ-કિંમત વડે ગુણવી જોઈએ. સમીકરણ (2) બનાવવા માટે આગળના ફકરામાં વર્ણવેલી ધારણાઓ કરવામાં આવે છે.
આમ, જેટલા રૂપિયાનું વેચાણ કરવામાં આવે તો સરભર પરિસ્થિતિ થાય. આ બાબત નીચેના ઉદાહરણથી સમજી શકાશે.
ઉદાહરણ તરીકે, એક કંપનીનો વાર્ષિક સ્થિર ખર્ચ રૂ. 80,000 છે. ઉત્પાદનનો એકમદીઠ ચલિત/અસ્થિર ખર્ચ રૂ. 5 છે અને એકમદીઠ વેચાણકિંમત રૂ. 10 છે.
માલની ઉત્પાદનકિંમત/અથવા માલની વેચાણકિંમતનું સરભર (સમતૂટ)
16,000 એકમનું ઉત્પાદન અને વેચાણ કરવાથી કંપનીને રૂ. 1,60,000ની આવક થશે અને રૂ. 1,60,000નો ખર્ચ (રૂ. 80,000 સ્થિર ખર્ચ + રૂ. 80,000 ચલિત ખર્ચ) થશે. નફો કે નુકસાન બેમાંથી એકે નહિ થાય. 16,000 એકમો કરતાં વધારે એકમોનું ઉત્પાદન અને વેચાણ કરવાથી નફો થશે. જ્યારે, 16,000 કરતાં ઓછા એકમોનું ઉત્પાદન અને વેચાણ કરવાથી ખોટ જશે.
આ બાબત આલેખ દ્વારા નીચે મુજબ રજૂ કરી શકાય :
[જુઓ સરભર (સમતૂટ બિંદુ) આલેખ]
ઉપરના આલેખમાં AB સ્થિર ખર્ચની રેખા છે. આ સ્થિર ખર્ચ અપેક્ષિત મર્યાદામાં જ રહેતો હોવાથી એકમોનાં ઉત્પાદન અને વેચાણનો સ્થિર ખર્ચ રૂ. 80,000 જ આવે છે. એનાથી ઓછો કે વધારે આવતો નથી. AC કુલ ખર્ચની રેખા છે. કોઈ ઉત્પાદનના બિંદુએ રેખા AB અને રેખા AC ઉપર તે ઉત્પાદનબિંદુને અનુરૂપ બિંદુઓ વચ્ચેનો તફાવત, ચલિત ખર્ચ દર્શાવે છે. એકમદીઠ વેચાણકિંમત રૂ. 10 છે, માટે જુદી જુદી સંખ્યાના એકમોનું વેચાણ થતાં જે રકમ મળે છે તે OD રેખા દ્વારા દર્શાવવામાં આવી છે. આમ, કુલ આવકની રેખા OD છે અને કુલ ખર્ચની રેખા AC છે. આ બે રેખા એકબીજાંને E આગળ છેદે છે. E બિંદુમાંથી ડ્ડ અક્ષ અને જા અક્ષ પર લંબ દોરતાં તે ડ્ડ અને જા અક્ષને અનુક્રમે બિંદુ F અને બિંદુ G આગળ મળે છે. આનો અર્થ એ થયો કે OF જેટલું ઉત્પાદન અને વેચાણ કરવાથી રૂ. 1,60,000ની આવક અને રૂ. 1,60,000નો ખર્ચ થશે, જેથી પરિસ્થિતિ સરભર થશે.
સરભર વિશ્લેષણ માત્ર ન નફો – ન નુકસાનની પરિસ્થિતિ ક્યારે પેદા થાય એટલું જ જણાવતું નથી; પરંતુ એ વિશ્લેષણ થકી વેચાણકિંમતની વધ-ઘટ કરવાનું અને પડતર/ખરીદકિંમત ઘટાડવા અંગેનું માર્ગદર્શન પણ મળે છે. આલેખમાં ડ્ઢ દર્શાવતો ભાગ ખોટનો પ્રદેશ છે જ્યારે દર્શાવતો ભાગ નફાનો પ્રદેશ છે. વેચાણકિંમત વધારીને અથવા/ અને પડતર ઘટાડીને ખોટનો પ્રદેશ નાનો અને નફાનો વધારી શકાય છે; પરંતુ અમર્યાદિત રીતે ઉત્પાદન અને વેચાણનો જથ્થો વધારવામાં આવે તો સ્થિર ખર્ચ હમેશાં સમાન જ રહેતો નથી. સ્થિર ખર્ચથી નિષ્પન્ન ઉત્પાદનશક્તિની મર્યાદા પૂરી થતાં નવી ઉત્પાદનશક્તિ તૈયાર કરવી પડે છે, જે સ્થિર ખર્ચમાં ઘણો વધારો કરી દે છે. આથી, સરભર વિશ્લેષણની મદદથી પ્રવર્તમાન સ્થિર ખર્ચ કરવાથી કેટલો નફો મેળવી શકાશે તેનું માર્ગદર્શન મળે છે.
સૂર્યકાંત શાહ