સરબુલંદખાન (1725-30) : ગુજરાતનો મુઘલકાળનો સૂબેદાર. નિઝામ-ઉલ્-મુલ્કને દખ્ખણના સૂબેદાર તરીકે મોકલાતાં કાબુલના સૂબેદાર મુબારીઝ-ઉલ્-મુલ્ક સરબુલંદખાન બહાદુરની ગુજરાતના સૂબેદાર તરીકે બદલી કરવામાં આવી. સરબુલંદખાને પોતાના નાયબ તરીકે ગુજરાતી ઉમરાવ શુજાતખાનને નીમ્યો. શુજાતખાનના ભાઈ રુસ્તમઅલીખાનને મોમિનખાનની જગ્યાએ સૂરતના ફોજદાર તરીકે નીમવામાં આવ્યો. એ પછી એક વર્ષ સુધી ગુજરાત આંતરવિગ્રહમાં ફસાયેલું રહ્યું.
નિઝામના કાકા હમીદખાને મરાઠાઓની મદદ લીધી અને શુજાતખાન અને એના ભાઈઓ તથા બળવાન અમીરોને વારાફરતી હરાવ્યા. મરાઠાઓની મદદથી હમીદખાને રાજધાની પર કબજો જમાવ્યો. મદદના બદલામાં હમીદખાને નક્કી કર્યા પ્રમાણે મરાઠા સરદાર કંથાજી કદમને મહી નદીની ઉત્તરે આવેલાં પરગણાંઓની ચોથ અને પિલાજીરાવ ગાયકવાડને મહીનદીની દક્ષિણે સૂરત સુધી આવેલાં પરગણાંઓની ચોથ આપી. ગુજરાતમાં મુઘલ સત્તાને ભયંકર ફટકો પડ્યો. હમીદખાને હવે દિલ્હીની હકૂમતની અવગણના કરી પોતે જાણે સ્વતંત્ર સુલતાન હોય એવી નીતિ અપનાવી. એણે શાહી તિજોરીમાંથી બળપૂર્વક આઠ લાખ રૂપિયા કઢાવ્યા. શાહી કારખાનામાં બાદશાહ માટે તૈયાર કરવામાં આવેલા રાજપોશાક જપ્ત કર્યા. શહેરના શ્રીમંત લોકો પાસેથી ક્રૂરતાપૂર્વક નાણાં કઢાવ્યાં, શુજાતખાનના બે પુત્રોને ઝેર આપી મારી નખાવ્યા અને મુરલીધર નામના ગુજરાતી હિંદુને દીવાન નીમ્યો.
એ સમયે મરાઠાઓની સવારીઓ ગુજરાતમાં જુદા જુદા ભાગોમાં ચાલુ હતી. તેઓએ ખંભાતને લૂંટ્યું હતું. (એપ્રિલ, 1725). હમીદખાને પણ મરાઠાઓના ગયા પછી ખંભાત પહોંચી ઘરદીઠ રકમ ઉઘરાવી. હમીદખાને ખંભાતથી અમદાવાદ પાછા ફર્યા બાદ (19 ફેબ્રુઆરી, 1725) પ્રાંતમાં ‘ત્રાસનું રાજ્ય’ ફેલાવ્યું. અમદાવાદ શહેરને હમીદખાનના મિત્રો તરીકે આવેલા મરાઠાઓની લૂંટમાંથી બચાવવાનું કાર્ય એ સમયના નગરશેઠ અને શાંતિદાસ ઝવેરીના પૌત્ર ખુશાલચંદે કર્યું હતું.
મુઘલ બાદશાહે સરબુલંદખાનને ગુજરાતમાંથી બંડખોર ઉમરાવ હમીદખાન અને મરાઠાઓને હાંકી કાઢવા રૂબરૂ જવા હુકમ કર્યો. સરબુલંદખાન લશ્કર સહિત ગુજરાતમાં આવ્યો. એના આવવાના સમાચાર સાંભળી હમીદખાને ગુજરાતમાંથી કાયમ માટે વિદાય લીધી. ગુજરાતના સૂબેદાર તરીકે નીમતી વખતે એને જાતે જઈને પ્રાંતનો વહીવટ ચલાવવાનું અને મરાઠાઓને ગુજરાતમાંથી હાંકી કાઢવાનું સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું. એ માટે બળવાન લશ્કર તૈયાર કરવા શાહી તિજોરીમાંથી એક કરોડ રૂપિયા ખર્ચ તરીકે આપવાનું નક્કી કરવામાં આવ્યું. પંદર લાખ રૂપિયાની રકમ તાત્કાલિક આપવામાં આવી; જ્યારે બાકીની રકમ દર મહિને ત્રણ લાખના હપ્તે ચૂકવવાની હતી. સરબુલંદખાને અમદાવાદ આવી (ડિસેમ્બર 1725) મરાઠાઓ સામે લશ્કરી ટુકડીઓ રવાના કરી. એના પુત્ર ખાન આઝમખાને મરાઠાઓને પેટલાદ પરગણાના સોજિત્રા ગામે હરાવ્યા. બીજી વાર મરાઠાઓને એણે કપડવંજ ખાતે મારી હટાવ્યા ને મહી નદી ઓળંગી જતાં સુધી એનો પીછો કર્યો. મરાઠાઓએ છોટાઉદેપુરના ડુંગરાળ પ્રદેશનો આશરો લીધો. મરાઠાઓ સામે મુઘલસેનાનો એ છેલ્લો વિજય હતો.
ગુજરાતમાં સરબુલંદખાન સૂબા તરીકે લગભગ પાંચ વર્ષ સુધી રહ્યો. પરંતુ એને મરાઠાઓની વારંવાર આવતી સવારીઓને મારી હઠાવવાની જે કામગીરી સોંપવામાં આવી હતી તેમાં તે નિષ્ફળ ગયો. કારણ કે મરાઠા ઉત્તર ગુજરાતમાં ફરી વળ્યા હતા અને ત્યાં લૂંટ ચલાવી વિનાશ સર્જ્યો હતો. સરબુલંદખાન મરાઠાઓ સાથે લાંબા ઘર્ષણમાં ઊતરવા માંગતો ન હતો. તેથી એણે કંથાજી કદમ બાંડે સાથે કરાર કર્યો જેમાં મહી નદીની ઉત્તરે આવેલાં (અમદાવાદ અને પોતાના હવેલી પરગણા સિવાયનાં) તમામ પરગણાંની ચોથ આપવા કબલ્યું. એ કરાર થતાં દિલ્હીથી મોકલાતી નાણાકીય મદદ બંધ થઈ. બીજી બાજુએ મરાઠાઓમાં પણ બે પક્ષ પડ્યા. જેમાં એક પક્ષ સેનાપતિ દાભાડેનો હતો. એનો ટેકેદાર કંથાજી કદમ બાંડે હતો. બીજા પક્ષે પેશ્વા બાજીરાવ 1લો. ગુજરાત પર પોતાનો ચોથ ઉઘરાવવાનો હક્ક સ્થાપિત કરવા માંગતો હતો. પેશ્વાએ 1729માં નાના ભાઈ ચીમણાજી આપ્પાને મોકલી આપતાં ચીમણાજીએ પાવાગઢ, પેટલાદ, ધોળકા, ખંભાત જેવાં સ્થળો લૂંટ્યાં હતાં.
સરબુલંદખાન પાસે 1725ના સમય જેવું લશ્કર ન હતું. તેથી એણે પેશ્વા સાથે કરાર કર્યો. એમાં અમુક અપવાદ સાથે પ્રાંતના સમગ્ર મહેસૂલમાંથી ચોથ અને સરદેશમુખી આપવા કબલ્યું. પેશ્વા 25 હજારનું અશ્વદળ રાખી શાંતિ સ્થાપે, એ પોતે છત્રપતિ શાહુ વતી સત્તા ભોગવે અને પિલાજીરાવ વગેરે મરાઠા સરદારોની લડાયક પ્રવૃત્તિઓ અટકાવે એવી અપેક્ષા રાખવામાં આવી હતી.
સરબુલંદખાનને દિલ્હીથી મદદ મળવાની બંધ થઈ હતી અને ખર્ચ કરવામાં બેદરકાર હતો. વળી મોટું લશ્કર પણ એને નિભાવવું પડતું હતું. આથી એ એક વર્ષમાં બે વખત પણ અમદાવાદના વેપારીઓ પર ગેરકાયદે વેરા નાખી રકમ ઉઘરાવતો હતો. એનું વહીવટી તંત્ર ઘણું જુલમી હતું. એણે નગરશેઠ ખુશાલચંદના દુશ્મનોની સ્વાર્થી નીતિથી દોરવાઈને ખુશાલચંદને કેદ કર્યો અને રેશમના વેપારીઓના મહાજનના મુખી શેઠ ગંગાદાસને એની જગ્યાએ નીમ્યા. છેવટે 60 હજાર રૂપિયા લઈ ખુશાલચંદને છોડી મૂકવામાં આવ્યા. સૌરાષ્ટ્રના જે હિંદુ રાજાઓ ખંડણી આપવામાં આનાકાની કરતા અથવા મુઘલ સત્તાનો સામનો કરવા તૈયાર થતા તેમને સરબુલંદખાને અને એના પ્રતિનિધિઓએ નમાવીને ખંડણી વસૂલ લીધી. સરબુલંદખાન જ્યારે કચ્છમાં ભુજને ઘેરો ઘાલી રહ્યો હતો ત્યારે એને સૂબેદાર-પદેથી બરતરફ કરાયાના અને એની જગ્યાએ મારવાડના મહારાજા અભયસિંહ નિમાયાના સમાચાર મળ્યા, તેથી એ ઘેરો ઉઠાવી લઈ ટૂંકા રસ્તે અમદાવાદ આવ્યો. પોતાના લશ્કરનો પગાર ચડી ગયો હતો તેથી તેની ચુકવણી માટે અમદાવાદ શહેરમાંથી રકમ ઉઘરાવવાનું નક્કી કર્યું. હિંદુઓ પાસેથી બે-તૃતીયાંશ અને વહોરાઓ (જેમાંના ઘણા સુન્ની હતા અને શ્રીમંત હતા) પાસેથી એક-તૃતીયાંશ ભાગ ઉઘરાવવાનું પ્રમાણ રાખ્યું. પરંતુ વહોરાઓએ સરબુલંદખાનની માંગણીનો વિરોધ કરવાનું નક્કી કર્યું. એમને શેખ અબ્દુલ્લા નામના સંતે દોરવણી આપી. સરબુલંદખાને સમયસૂચકતા વાપરી રોષે ભરાયેલા મુસ્લિમોને શાંત કરવા સમાધાનકારી નીતિ અપનાવી એમની પાસે રકમ લેવાનું માંડી વાળ્યું, પરંતુ શેખ અબ્દુલ્લાએ ઉગ્ર બની હિંદુઓ પાસેની રકમ પણ માફ કરાવવા આગ્રહ રાખતાં સરબુલંદખાને લશ્કર મોકલી બંડખોરોને કેદ કર્યા અને અગાઉની માંગણી બે-ગણી કરી. આ બનાવ સૂબેદારે ગુજરાત છોડ્યું તે પહેલાં ત્રણેક મહિના અગાઉ બન્યો હતો.
રેખાબહેન ભાવસાર