સરદેસાઈ, દિલીપ (જ. 8 ઑગસ્ટ 1940, ગોવા) : ભારતીય ક્રિકેટ-ખેલાડી. તેમણે ઉચ્ચ અભ્યાસ મુંબઈમાં પૂર્ણ કર્યો અને ત્યાં જ રહેવાનું રાખ્યું હતું. એ રીતે તેમણે મુંબઈ રાજ્ય વતી ક્રિકેટ રમવાની શરૂઆત કરી. તેઓ બૅટ્સમૅન ઉપરાંત કુશળ રાઇટ-આર્મ-ઑફ-સ્પિન બૉલર પણ હતા. તેમણે ટેસ્ટમૅચ રમવાની શરૂઆત 1 ડિસેમ્બર 1961ના રોજ ઇંગ્લૅન્ડ સામે કરી હતી. તે સમયે તેમની ઉંમર 21 વર્ષ અને 114 દિવસની હતી. તેઓ ભારતના ખૂબ જ વિશ્વસનીય બૅટ્સમૅન હતા. 1971માં જ્યારે ભારતની ક્રિકેટ ટીમ વેસ્ટઇન્ડિઝના પ્રવાસે ગઈ હતી ત્યારે કિંગસ્ટન ખાતે તેમણે 212 રન કરી ભારત તરફથી વેસ્ટઇન્ડિઝ સામે બેવડું શતક કરનારા પ્રથમ ભારતીય ખેલાડી બન્યા હતા. ભારતની ટીમમાં આવતાં પહેલાં તેમણે ‘સંયુક્ત યુનિવર્સિટી’ ટીમમાં સ્થાન પામી પાકિસ્તાન સામે 87 રન કર્યા હતા અને એવી રીતે જ રણજી ટ્રૉફીમાં ગુજરાત સામે 281 રન કરી બધાંને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
દિલીપ સરદેસાઈએ વેસ્ટઇન્ડિઝ ઉપરાંત ભારતીય ટીમ સાથે ઇંગ્લૅન્ડ તથા ઑસ્ટ્રેલિયાનો પણ પ્રવાસ કર્યો હતો; એટલું જ નહિ, પણ ત્યાં આગળ ખૂબ જ સારો દેખાવ પણ કર્યો હતો. 1964-65માં જ્યારે ન્યૂઝીલૅન્ડની ટીમ -ભારતના પ્રવાસે આવી હતી ત્યારે પણ દિલીપ સરદેસાઈએ ખૂબ જ સારો દેખાવ કર્યો હતો. તેમણે પ્રથમ શ્રેણીની ક્રિકેટમાં 25 શતક સાથે 10,230 રન બનાવ્યા હતા. તેમણે પોતાની અંતિમ ટેસ્ટ મૅચ ઇંગ્લૅન્ડ સામે 1972માં રમી હતી. આ રીતે 1961થી 1972 સુધી એટલે કે સતત અગિયાર વર્ષ સુધી દિલીપ સરદેસાઈ ભારતીય ક્રિકેટ ટીમના સદસ્ય રહ્યા હતા, તે કોઈ નાની સિદ્ધિ ન ગણાય. તેઓ કુલ 30 ટેસ્ટ મૅચો રમ્યા હતા; જેમાં 39.23ની સરેરાશ સાથે 2001 રન અને 5 શતક બનાવ્યાં હતાં તથા 4 કૅચ પણ પકડ્યા હતા. તેમની રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ સાતત્યપૂર્ણ રમત જોઈને ભારત સરકારે 1970માં અર્જુન ઍવૉર્ડથી તેમનું રાષ્ટ્રીય સન્માન કર્યું હતું.
પ્રભુદયાલ શર્મા