સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ : 1890માં સૂરત ખાતે મૂળમાં ‘વિન્ચેસ્ટર મ્યુઝિયમ’ નામે સ્થપાયેલું મ્યુઝિયમ. હાલમાં તે સૂરત મ્યુનિસિપલ કૉર્પોરેશન હસ્તક છે. 1890માં સૂરતના તત્કાલીન કલેક્ટર વિન્ચેસ્ટરે આ મ્યુઝિયમની સ્થાપના કરેલી.
મૂળમાં રાણી બાગ (હવે ગાંધી બાગ) પાસે મક્કાઈ બ્રિજ નજીક આ મ્યુઝિયમ હતું; જેને 1952માં તાપી નદીના પૂરના પાણીથી બચાવવા ચોક બજારના લેલી વિવિન્ગ રોડ ખાતે ખસેડવામાં આવ્યું. 1957માં વિન્ચેસ્ટર મ્યુઝિયમ નામ રદ કરી તેનું નવું નામ ‘સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ’ સૂરત મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી આપવામાં આવ્યું. 1959, 1968 અને 1970 – એમ ત્રણ વખત ચોમાસામાં તાપી નદીનાં પાણી આ મ્યુઝિયમમાં ઘૂસી જતાં ઘણી અનન્ય અને દુર્લભ ચીજવસ્તુઓ તથા કલાકૃતિઓ આ મ્યુઝિયમને ગુમાવવી પડી છે.
આ મ્યુઝિયમની સ્થાપના થઈ ત્યારે તેમાં માત્ર 1,321 નમૂના હતા. તેમાં જરીકામ, કાષ્ઠકોતરણી અને ધાતુકામ સમાવેશ પામતાં હતાં. સ્વતંત્રતા પછી 1953માં સૂરતના જાણીતા કલાપ્રેમી અને કલામર્મજ્ઞ રાજેન્દ્ર છોટાલાલ સૂરકાથા આ મ્યુઝિયમના ક્યુરેટરપદે નિમાયા. એમની રાહબરી હેઠળ આ મ્યુઝિયમે ખૂબ વિકાસ કર્યો અને તે બહુઉદ્દેશીય (multi-purpose) બન્યું. આજે તેમાં વિવિધ વિભાગોના પોર્સેલીન, કાચકામ, માટીકામ, ધાતુકામ, કાષ્ઠકોતરણી, કાપડ, પરવાળાં અને છીપલાં વગેરેના નમૂનાઓ, પથ્થરનાં શિલ્પો અને ચિત્રો તથા ભૂસાં ભરેલાં પશુઓ વગેરે મળીને આશરે કુલ 11,000 નમૂનાઓ છે.
સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમની કલાકૃતિઓની વિગતો
| વિભાગ | કલાકૃતિનો પ્રકાર | કલાકૃતિની સંખ્યા |
| અ | સુખડ અને હાથીદાંત | 550 |
| આ | કાષ્ઠમૂર્તિ અને કાષ્ઠકોતરકામ | 1298 |
| ઇ | માટીકામ અને કુંભકલા | 1467 |
| ઈ | ફર્નિચર | 820 |
| ઉ | જરી અને જરીભરત | 816 |
| ઊ | કાપડ (વણાટ અને રંગાટ સાથે) | 715 |
| ઋ | ધાતુકામ અને મીનાકારી | 1351 |
| એ | ખનીજો | 314 |
| ઐ | મશીનરી | 4 |
| ઓ | તૈયાર કપડાં | 199 |
| ઔ | સંગીતનાં વાદ્યો | 12 |
| અં | કુદરતી વસ્તુઓ | 52 |
| અ: | ચામડાં અને તેમની બનાવટો | 27 |
| ક | નેતર, વાંસ અને ઘાસની બનાવટો | 30 |
| ખ | લડાઈનાં હથિયારો | 71 |
| ગ | કાગળમાંથી બનેલી કૃતિઓ | 53 |
| ઘ | શિલ્પો | 25 |
| ઙ્ | ચિત્રો | 938 |
| ચ | કાચની કલાકૃતિઓ | 308 |
| છ | સિક્કા | 763 |
| જ | કીડિયાકારી (Bead-work) | 16 |
| ઝ | મધ્યકાલીન હસ્તલિખિત ગ્રંથો | 94 |
| ઞ્ | છાપેલાં પુસ્તકો | 51 |
| ટ | દરિયાઈ પદાર્થો | 39 |
| ઠ | ઘરેણાં | 288 |
| ડ | પરચૂરણ | 349 |
| કુલ | 10,650 |
અહીં સંઘરાયેલી કલાકૃતિઓમાં જબરું વૈવિધ્ય જોવા મળે છે. તેમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સોફાસેટ, ચાંદોદમાં ચીતરાયેલાં કૃષ્ણલીલાનાં ચિત્રો, કિનખાબ, શેતરંજીઓ, બાંધણી, પાટણનાં પટોળાં, કાઠિયાવાડી ચણિયા, કાંચળી, અકોટાથી મળી આવેલાં પથ્થરનાં શિલ્પ, વૈષ્ણવ સંપ્રદાયના લાકડામાંથી બનાવેલા રથ, સીસમનાં કોતરણીવાળાં લેખનમેજ, સાટીનના પડદા તથા વેલ્વેટની ચાદરો સમાવેશ પામે છે.

સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, સૂરત
શિલ્પોમાં ગણપતિ, કૃષ્ણ, રામ, વરાહાવતારનાં શિલ્પ ખાસ ધ્યાન ખેંચે છે. જાપાનમાં બનેલી તેમજ જર્મનીમાં બનેલાં પોર્સેલીનનાં શિલ્પ પણ સુંદર છે, જેમાં ક્વાન-યીન અને રાધાકૃષ્ણનાં શિલ્પ તરત જ ધ્યાન ખેંચે છે. અહીંનાં ચિત્રોમાં એક ચિત્ર રાજા રવિવર્માએ ચીતરેલું છે. મહારાણી વિક્ટોરિયાને આલેખતું એક પૂર્ણકદનું ચિત્ર પણ છે. વળી સૂરતના છેલ્લા નવાબ અફઝલુદ્દીન ખાનનું વ્યક્તિચિત્ર પણ છે. કીડિયામાંથી બનાવેલાં તોરણો પણ અહીં છે.
1947માં આ મ્યુઝિયમમાં અલાયદો ફિલેટલી વિભાગ શરૂ થયો છે, જેમાં સ્વતંત્રતા પછી બહાર પડેલી ભારતની પ્રત્યેક ટપાલટિકિટ પૂર્ણ સાંદર્ભિક માહિતી સાથે પ્રદર્શિત છે.
અમિતાભ મડિયા
