સરદાર પટેલ યુનિવર્સિટી મ્યુઝિયમ : વલ્લભવિદ્યાનગરમાં આવેલું સરદાર પટેલ યુનિવર્સિટીનું બહુહેતુલક્ષી મ્યુઝિયમ.
ચારુતર વિદ્યામંડળના ઉપક્રમે ભાઈકાકાએ (ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ પટેલે) આ મ્યુઝિયમની સ્થાપના 1949માં કરી હતી. તેના પ્રથમ ક્યુરેટર અમૃત વસંત પંડ્યાએ 1949થી 1969 સુધી આ મ્યુઝિયમનો કાર્યભાર સંભાળી તેમાં પ્રદર્શિત જણસોનું જતન કરવાની સાથે તેમના વિશે સંશોધન કર્યું હતું. 1960ના જુલાઈની પહેલીએ સરદાર પટેલ યુનિવર્સિટીએ આ મ્યુઝિયમ હસ્તગત કરી લીધું.
ભાઈકાકાએ પોતાના માદરેવતન સોજિત્રામાંથી મળી આવેલા ગુજરાતની મધ્યયુગીન કલાના નમૂના આ મ્યુઝિયમને ભેટ આપ્યા પછી મ્યુઝિયમની સમૃદ્ધિ ઝડપથી વધતી ગઈ છે. આજે અહીં 2,500 જેટલા ભારતનાં મધ્યયુગીન કાંસ્ય શિલ્પો છે, જેમાંનાં મોટાભાગનાં ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળે અહીં દાનમાં પોતાનો અંગત કલાસંગ્રહ આપ્યો તેમાંનાં છે. આ ઉપરાંત રવિશંકર રાવળનાં થોડાં મૌલિક ચિત્રો આ મ્યુઝિયમને ભેટ મળેલાં છે. દુર્લભ ખનીજો અને સ્ફટિકો, આણંદ જિલ્લામાંથી મળી આવેલા ડાયનોસોરના અશ્મિઓ, ડાયનોસોરનાં ઈંડાંના અશ્મિઓ, મધ્યયુગીન સિક્કા, કુંભકલાનાં ઠીકરાં, પથ્થર તથા કાષ્ઠમાંથી કોતરેલાં શિલ્પ, શસ્ત્રો, વાસણો અહીં પ્રદર્શિત છે.
2001માં આ મ્યુઝિયમે અંધજનો માટે એક અનોખું શિલ્પપ્રદર્શન યોજેલું. ચાક્ષુષ દૃશ્યો જોવા માટે અસક્ષમ અંધજનોને આ મ્યુઝિયમનાં શિલ્પો હાથથી અડીને ‘જોવા’ દેવામાં આવેલાં. આ સ્પર્શજન્ય અનુભૂતિ વડે અંધજનો શિલ્પનાં ઘાટઘૂટ (form) સમજી શકે એ માટેનો આ સ્તુત્ય પ્રયાસ હતો. આ મ્યુઝિયમના ક્યુરેટર નંદન હરિપ્રસાદ શાસ્ત્રીનું આ પગલું મ્યુઝિયૉલોજીની દૃષ્ટિએ અરૂઢ અને હિંમતભર્યું હતું.
સરદાર પટેલના જીવનકવનની ઝાંખી કરતી એક અલાયદી ગૅલરી પણ આ મ્યુઝિયમમાં છે.
અમિતાભ મડિયા