સરદાર પટેલ સ્ટેડિયમ

January, 2007

સરદાર પટેલ સ્ટેડિયમ : ભારતનાં સારા ગણાતાં સ્ટેડિયોમાંનું એક. ગુજરાત રાજ્યમાં અમદાવાદમાં આવેલું છે. તેની સ્થાપના અમદાવાદ મહાનગરપાલિકા તથા અમદાવાદ ક્રિકેટ મંડળના સંયુક્ત પ્રયાસોથી લાંબી અવધિના ક્રમિક વિકાસપૂર્વક થઈ.

સ્વતંત્રતા પૂર્વે દેશમાં ક્રિકેટની રમતમાં નજીવી રુચિ હતી. સ્વતંત્રતા સાથે ભારતે પશ્ચિમી સંસ્કૃતિના વિકાસનો માર્ગ પસંદ કર્યો. પરદેશોની ક્રિકેટ-ટુકડીઓ આવતી થઈ. પ્રારંભે અમદાવાદમાં ગુજરાત કૉલેજ તથા એચ. એલ. કૉમર્સ કૉલેજનાં મેદાનો ઉપર કામચલાઉ તંબૂઓ બાંધીને રમતો રમાડવામાં આવતી. મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા આદિ નગરોની જેમ અમદાવાદમાં પણ પાકું બાંધેલું સ્થાયી ક્રીડાંગણ હોય એવું અગ્રણીઓ ઇચ્છતા થયા. 1956માં આ માટે નવરંગપુરામાં રેલમાર્ગ પાસે લાખો રૂપિયાના ખર્ચે વિશાળ ભૂમિ ખરીદવામાં આવી. તેર લાખ રૂપિયામાં 4,000 બેઠકોનું આંશિક પાકું સ્ટેડિયમ મહાનગરપાલિકાએ બાંધ્યું. ક્રિકેટ માટે ટર્ફ પ્રકારની વિકેટ તૈયાર કરાઈ. તરણ હોજ, સ્કેટિંગ તલ અને ટેનિસ માટેનાં મેદાનો પણ બંધાયાં. તા. 26-1-1982ના દિવસે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્પૉર્ટ્સની સ્થાપના કરાઈ. બાળકોને પ્રશિક્ષણ આપવાની વ્યવસ્થા કરાઈ. સ્વ. ‘પદ્મશ્રી’ જશુ પટેલ પહેલા કોચ હતા. અમ્પાયરિંગની સમજ અમ્પાયર મામસા આપતા. સ્ટેડિયમનું સંચાલન સ્પૉર્ટ્સ ક્લબ નામની સંસ્થાને અપાયું. તેનું કાર્યાલય તથા ક્રીડાભવન પણ બાંધવામાં આવ્યાં.

અંગ્રેજોએ તેમના પૂરતો વિચાર કરીને સપ્તાહ લાંબી ટેસ્ટ સ્પર્ધાઓથી આરંભ કરેલો. ભૂમિની અછત નહોતી, તેથી વિશાળ મેદાનોમાં ક્રિકેટ રમવામાં આવતી. આવી ક્રિકેટની લોકપ્રિયતા ઘટતી ગઈ. તેથી તેને લોકપ્રિય રૂપ આપવા એકદિવસીય મર્યાદિત ઓવરોની સ્પર્ધાઓનો આરંભ કરાયો. ભારતમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય એકદિવસીય સ્પર્ધા અમદાવાદમાં સરદાર સ્ટેડિયમ ઉપર ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે તા. 25-11-1981ના દિવસે રમાઈ. પછી તો, સંખ્યાબંધ સ્પર્ધાઓમાં દેશવિદેશના સેંકડો નામી ખેલાડીઓ અહીં રમ્યા. કપિલદેવે વિક્રમ સ્થાપ્યો. સમય જતાં, મેદાન ફાજલ પડ્યું રહેતાં બીજી પ્રવૃત્તિઓ માટે પણ તેનો ઉપયોગ થવા લાગ્યો.

પ્રદીપ ત્રિવેદી