સરદાર પટેલ યુનિવર્સિટી : સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના 31મી ઑક્ટોબર, 1955 એટલે કે સરદાર સાહેબના જન્મદિવસે કરવામાં આવી હતી અને યુનિવર્સિટી સાથે દેશના મહાન સપૂત લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ પણ આ શુભ દિવસે જ જોડવામાં આવ્યું હતું. યુનિવર્સિટી સ્થાપવા માટે પહેલાં ભાઈકાકા (ભાઈલાલભાઈ દ્યાભાઈ પટેલ) અને ભીખાકાકા(ભીખાભાઈ કુબેરભાઈ પટેલ)ની આગેવાની હેઠળ સરદારસાહેબના આશીર્વાદથી ત્રીજી માર્ચ 1946ના દિવસે ‘વલ્લભવિદ્યાનગર’ નામના એક નવા જ નગરની સ્થાપના કરવામાં આવી હતી. આ નગરના નિર્માણ માટે 13મી ફેબ્રુઆરી, 1949થી ભાઈકાકા અને ભીખાકાકા અહીં આવી વસ્યા હતા. આ નગરનો પાયાનો પથ્થર (‘ફાઉન્ડેશન સ્ટોન’) પંડિત જવાહરલાલ નહેરુના વરદ હસ્તે નંખાયો હતો. આ યુનિવર્સિટીને એક ગ્રામકેન્દ્રી વિશ્વવિદ્યાલય બનાવવાનો ઉદ્દેશ હતો.
યુનિવર્સિટીમાં 24 અનુસ્નાતક વિભાગો છે અને 13 અનુસ્નાતક વિભાગો સંલગ્ન કૉલેજોમાં ચાલે છે. વિજ્ઞાન, વિનયન, કૉમર્સ (વાણિજ્ય), મૅનેજમેન્ટ, એન્જિનિયરિંગ, ફાર્મસી, મેડિસિન, હોમિયોપથી, હોમસાયન્સ, લૉ અને એજ્યુકેશનમાં અનુસ્નાતક શિક્ષણ અપાય છે. એ ઉપરાંત કેટલાક વિષયોમાં અનુસ્નાતક ડિપ્લોમા અને એડવાન્સ સર્ટિફિકેટ કોર્સિઝ પણ આપવામાં આવે છે. સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો યુનિવર્સિટી-સંલગ્ન કૉલેજોમાં ચાલે છે. યુનિવર્સિટીમાં સેમેસ્ટર સિસ્ટમ અને વાર્ષિક પદ્ધતિના અભ્યાસક્રમો છે. બધા જ અનુસ્નાતક અભ્યાસક્રમો VSAT-ઇન્ટરનેટથી જોડાયેલા છે. વિનયનમાં 11, બિઝનેસ સ્ટડિઝમાં 3, મૅનેજમેન્ટમાં 1, વિજ્ઞાનમાં 8, ફાર્મસીમાં 2, એન્જિનિયરિંગ અને ટૅક્નૉલૉજીમાં 10, એજ્યુકેશનમાં 4, લૉમાં 1, મેડિસિનમાં 7, હોમિયોપથીમાં 3, આંતરવૈષયિક 3, ટાઉનપ્લાનિંગ અને રિન્યૂએબલ એનર્જીમાં 2 અનુસ્નાતક અભ્યાસક્રમો છે.
યુનિવર્સિટીની સંલગ્ન કૉલેજોનું સંચાલન ચારુતર વિદ્યામંડળ, ચારુતર આરોગ્યમંડળ, ચરોતર એજ્યુકેશન સોસાયટી વગેરે ટ્રસ્ટો દ્વારા કરવામાં આવે છે.
કુલપતિ તરીકે ડૉ. એમ. ડી. પટેલ, આર. એસ. મહેતા, ડૉ. આર. એમ. પટેલ, કે. એન. શાહ, ડૉ. દિલાવરસિંહ જાડેજા, ડૉ. વી. એસ. પટેલ, ડૉ. પી. જે. પટેલ જેવા શિક્ષણકારોની સેવાઓ યુનિવર્સિટીને પ્રાપ્ત થયેલ છે; જ્યારે શ્રી સી. એન. પટેલ, કે. જે. મજમુદાર, એચ. એ. મિસ્ત્રી, ડી. બી. પટેલ, કે. એ. અમીન, આર. સી. ઠક્કર, નિરંજન ઉપાધ્યાય, સી. એમ. પટેલ, કે. એમ. પટેલ અને ડૉ. બી. નટરાજ જેવા તજ્જ્ઞ કુલસચિવો, યુનિવર્સિટીને પ્રાપ્ત થયેલ છે. યુનિવર્સિટી હાલ NACC દ્વારા ‘ફોરસ્ટાર’નું સ્ટેટસ ધરાવે છે. વલ્લભવિદ્યાનગર ભારતનું એક એવું વિદ્યાધામ છે જ્યાં લગભગ તમામ વિદ્યાઓના પ્રાથમિકથી પીએચ.ડી. સુધીના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. વિદ્યાનગરની નજીક ‘ન્યૂ વિદ્યાનગર’ વિકસી રહ્યું છે, જ્યાં યુનિવર્સિટી સાથે સંલગ્ન અનેક આધુનિક અભ્યાસક્રમો ભણાવતી એન્જિનિયરિંગ અને ફાર્મસી કૉલેજો આકાર લઈ રહી છે.
ગોલ્ડન જ્યુબિલી વર્ષમાં યુનિવર્સિટીમાં એક વર્ષનો મીડિયા સ્ટડિઝ કોર્સ, એક વર્ષનો રુરલ સોશિયલ વર્ક અને એન્વિરોન્મેન્ટ મૅનેજમેન્ટનો ડિપ્લોમા કોર્સ શરૂ થયો છે. ઉપરાંત બાયો ઇન્ફૉમેટિક્સનો કોર્સ અને બે વર્ષનો કવૉલિટી અને પ્રોડક્ટિવિટીનો ડિપ્લોમા કોર્સ જેવા બીજા નવા અભ્યાસક્રમો દાખલ કરવાનું વિચારણા હેઠળ છે.
હરબન્સ પટેલ