સરગોધા (Sargodha) : પાકિસ્તાનના પંજાબ પ્રાતમાં આવેલો વિભાગ, જિલ્લો તથા શહેર. વિભાગીય મથક તેમજ જિલ્લામથક આ શહેર ખાતે આવેલાં છે. ભૌગોલિક સ્થાન : 32o 05’ ઉ. અ. અને 72o 40’ પૂ. રે..
વિભાગ : આ વિભાગ 43,763 ચોકિમી. જેટલા વિસ્તારને આવરી લે છે. તેની રચના 1960માં કરવામાં આવેલી છે. આ વિભાગ મિયાનવાલી, ફૈઝલાબાદ અને જંગ મઘિયાના જિલ્લાઓથી બનેલો છે. વસ્તી : 1,06,00,000 (1981).
જિલ્લો : વિસ્તાર : 12,367 ચોકિમી. 1960 સુધી આ જિલ્લો અધિકૃત રીતે શાહપુર નામથી ઓળખાતો હતો; તે પૂર્વ તરફ હેઠવાસની જેલમ નહેરથી સિંચાઈ મેળવતા પ્રદેશ અને રણવિસ્તાર ‘થર’માં વિભાજિત થાય છે. આ રણપ્રદેશમાંથી આર્થિક ઉપાર્જન કરી શકાય તે માટે આયોજન થઈ રહ્યું છે. સૉલ્ટ રેન્જ (હારમાળા) આ પ્રદેશના ઉત્તર વિભાગને વીંધે છે. આ જિલ્લામાં ઘઉં, કપાસ, જવ અને બાજરી જેવા કૃષિપાકો મુખ્ય છે. ઢોર અને ઘેટાંઉછેર અહીં બહોળા પ્રમાણમાં થાય છે. ખનિજક્ષેત્રે અહીં ચિરોડી, સિંધવ, અબરખ અને કાચરેતીના જથ્થા પણ મળે છે. જિલ્લાની વસ્તી : 26,00,000 (1981).
શહેર : લાહોરની પશ્ચિમે આવેલા આ શહેરમાં અનાજ અને રોકડિયા પાકનું બજાર વિકસેલું છે. તે લાહોર અને મિયાનવાલી સાથે સડકમાર્ગે જોડાયેલું છે; આ ઉપરાંત, તે ફૈઝલાબાદ (જૂનું લ્યાલપુર) અને લાહોર સાથે રેલમાર્ગે પણ જોડાયેલું છે. અહીં વિકસેલા ઉદ્યોગોમાં સુતરાઉ કાપડ, હોઝિયરી, તેલ અને આટાની મિલો, કપાસનાં જિનો, રાસાયણિક કારખાનાં અને સાબુ બનાવવાના એકમોનો સમાવેશ થાય છે.
1903માં હેઠવાસની જેલમ વસાહતના મુખ્ય મથક તરીકે સરગોધા સ્થપાયેલું. 1914માં તત્કાલીન શાહપુર જિલ્લાનાં સરકારી કાર્યાલયો શાહપુર નગરમાંથી ખેસવીને સરગોધા ખાતે લાવવામાં આવ્યાં ત્યારે સરગોધામાં નગરપાલિકાની રચના કરવામાં આવેલી. આ શહેરમાં હૉસ્પિટલ, પુસ્તકાલય, સ્ટેડિયમ, શાળાઓ અને પંજાબ યુનિવર્સિટી સંલગ્ન કૉલેજો આવેલી છે. અહીં લશ્કરી છાવણી હોવાથી લશ્કરી હવાઈમથક આવેલું છે. શહેરની અંદાજે વસ્તી : 3,00,000 (1991).
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી