સમૂહ–ભાવન : રેડિયો, ટીવી, ફિલ્મ, મુદ્રણ વગેરે સમૂહ-પ્રત્યાયનનાં માધ્યમોનાં સઘળાં લક્ષણોના પરિચયથી માંડી એમના કલાત્મક મનોરંજનાત્મક ઉપયોગ કરવા સુધીની સમજણ (appreciation). રેડિયોમાં નિર્માણ અને પ્રસારણમાં સમય, તો ટીવીના નિર્માણ અને પ્રસારણના કેન્દ્રમાં સ્થળ અને સમય બંને છે. આધુનિક યંત્રવિદ્યા સ્થળ અને સમયનાં બંધનો પાર કરી વિશ્વના કોઈ પણ ખૂણે તત્ક્ષણ દૃશ્ય-શ્રાવ્ય સંકેતો મોકલી શકે એ દૃષ્ટિએ ટીવીનું માધ્યમ કેટલાકને તો હંમેશાં અખબારો અને સામયિકોથી અદકેરું અને રેડિયોથી બળવત્તર પત્રકારત્વનું જ માધ્યમ જણાયું છે.
ટીવીની પહોંચ દૃશ્યમાન છે અને પ્રેક્ષકો જે જોવા માગે એ જો તત્ક્ષણ બતાવી શકાય તો એમાં ‘ભાગ લીધાનો’ એમને સંતોષ થાય, અને પ્રેક્ષકો એ માધ્યમની એકમાર્ગિતા(one-way)ને વળોટી જાય. એમાંય પ્રેક્ષકોને એવો આછેરો વિચારેય આવી જાય કે દેશના ઓછામાં ઓછા દસેક લાખ માણસો અત્યારે આ જ રીતે બેઠા છે, તો એને રોમાંચ થાય ! માહિતીનું આયોજન કરનાર એટલો સંતોષ લઈ શકે કે એનું પ્રત્યાયન કેટલા બધા લોકોને સંડોવી રહ્યું છે !
ટેલિવિઝન-પ્રસારણ ક્લોઝ-અપનું માધ્યમ છે. પરિણામે જે અંગતતા (intimacy) અને તત્ક્ષણતા (immediacy) ઊભાં થાય છે, તેને લીધે સીધા સંપર્કોવાળા કાર્યક્રમ-પ્રકારો આ માધ્યમના પોતીકા ગણાય; દા.ત., વિશેષ શ્રોતાઓ માટેના કાર્યક્રમો; સ્ત્રીઓ, યુવાનો, ખેડૂતો વગેરે માટેના કાર્યક્રમો. આમ જાતિ, વય અને વ્યવસાયની દૃષ્ટિએ ખાસ ધ્યાન માગતા શ્રોતા-વર્ગોને સંબોધાયેલા આ કાર્યક્રમો હોય છે. આવા કાર્યક્રમો સામાન્ય રીતે નિયમિત પાત્ર-ઉદ્ઘોષકો(stock characters/compere)ની પ્રેક્ષકો સાથેની સીધી વાતચીત અને વચ્ચે વચ્ચે એમને ઉપયોગી માહિતી (અનેક કાર્યક્રમોને સ્વરૂપે) રજૂ થાય એ બધું એટલે તો ખૂબ લોકપ્રિય સાબિત થયું છે. રાષ્ટ્રીય અને પ્રાદેશિક પ્રસારણમાં એનાં અનેક ઉદાહરણો મળી આવે છે. આ નિયમિત પાત્ર-ઉદ્ઘોષકો સતત પડદે દેખાતા હોવાથી પ્રેક્ષકોના મિત્રો બની જાય છે. એથી એમની વાત પ્રેક્ષકોને વધુ સ્વીકાર્ય અને લોકભાગીદારી જેવી લાગે છે. નિયમિતપણે સામાન્ય ઉદ્ઘોષણા કરતા ઉદ્ઘોષકો(announcers)થી એ વાત સિદ્ધ થતી નથી; સમાચારવાચક(news reader)ની ‘તટસ્થતા’ પણ એમાં વચ્ચે આવે છે.
ઉપગ્રહો, માઇક્રોવેવ અને કમ્પ્યૂટરોની મદદથી દૂર દૂરનાં અંતરો કાપીને પ્રેક્ષકો એકાત્મતા સાધી શકે અને બહુવ્યાપી ઘટનાઓમાં (ભલે નિષ્ક્રિય પણ) ભાગ લીધાનું તેઓ માની શકે; પણ એ પછી લોકોની નિર્ણય-પ્રક્રિયા પર એની ચોક્કસ અસર થાય જ છે; પણ આ વાત તો વિશાળ ફલકની થઈ. જિલ્લા, તાલુકા કે કોઈ વર્ગવિશેષને કેન્દ્રમાં રાખી, પ્રત્યાયનની એમની જરૂરતોનો અભ્યાસ કરી, એમને કાર્યક્રમ-આયોજનના નિર્ણાયકો બનાવવામાં આવે, કાર્યક્રમોનું નિર્માણ જ એમને સોંપી દેવામાં આવે; કાર્યક્રમોના પ્રકારો દ્વારા લોકોની વાત એમના નિર્ણાયકો સુધી પહોંચાડવામાં આવે; કાર્યક્રમો દ્વારા જુદા જુદા સમૂહો, પ્રદેશો કે વિચારકોણો વચ્ચે સંવાદ સ્થાપવામાં આવે તો એવી પ્રક્રિયાઓવાળા કાર્યક્રમો ‘લોકભાગીદારીના કાર્યક્રમો’ કહેવાય છે. ઘણે સ્થળે કેબલ ટીવીએ આવું કામ કર્યું છે. એના પણ અનેકવિધ પ્રયોગો દેશપરદેશોમાં થાય છે. ભારતના રાષ્ટ્રીય કાર્યક્રમોમાં ‘જનવાણી’, પ્રાદેશિક કાર્યક્રમોમાં ‘લોકમંચ’ વગેરે કાર્યક્રમો એનાં ઉદાહરણો હતાં. લોકોના પ્રશ્નો રજૂ થાય અને લોકો જાતે એમાં દેખાવા શરૂ થાય તો વિકેન્દ્રીકરણની એની શક્યતા બહુવ્યાપી કાર્યક્રમ-આયોજનને નવો પરિપ્રેક્ષ્ય આપે અને એ રીતે સ્થાનિક તબક્કે વહેંચાતું ટીવી માધ્યમ ચહેરાહીન બની જવાને બદલે, ખરેખર લોકમાધ્યમ બને. સ્થાનિક કાર્યક્રમના ટમટમતા દીવા રાષ્ટ્રીય કાર્યક્રમના ઝળહળતા સૂરજ સામે તો જ પ્રકટે. રાજકારણ, આર્થિક સત્તા, અમલદારશાહી કે નિષ્ણાતોની પકડ લોકોને એનાથી ઓછી અનુભવાય. આ યંત્રવિદ્યાને સામાજિક ઉપયોગિતાથી નાથવામાં નહિ આવે તો માતેલા સાંઢની જેમ એ મંચન અને લલિત કલાઓને બેરહમ પછાડે એવો ભય રહે છે.
ખાસ રીતે પસંદ કરીને ગોઠવેલી ચિત્ર અને ધ્વનિની આ હારમાળા ફિલ્મ-ટીવી રૂપે લોકો સામે કેવા સંજોગોમાં આવે છે તે જોવું જરૂરી છે. ફિલ્મની તો અનેક પ્રિન્ટ કેટલાંય શહેરોમાં એકસાથે બતાવાતી હોય છે. થિયેટરના અંધારામાં, કેટલાય અજાણ્યા પ્રેક્ષકો સાથે, દૂર મોટા ઊંચા બાંધેલા પડદા ઉપર નજર રાખવાની હોય છે. પાત્રો, પ્રસંગો, ગૂંથણી અને એ દ્વારા આખી ફિલ્મના વિચારનું પ્રેક્ષકોને પ્રત્યાયન થતું હોય છે. ચિત્રની હારમાળા એટલી ગતિશીલ ગોઠવેલી હોય છે કે જાણે વર્તમાનની ક્ષણે જ જે તે ઘટના બની રહી હોય એવું લાગે, એનો નટ ઊંચા મોટા પડદા પર આપણા કરતાં વધુ મોટો અને ઉચ્ચ જાદુગર જેવો લાગે છે. એની ક્રિયાનું અનુકરણ કરવાનું મન થઈ આવે, અને કૅમેરા દ્વારા એ બધું ગોઠવાયું હોય છે એનું પ્રેક્ષકોને સાવ જ વિસ્મરણ થાય છે; પ્રેક્ષક તરીકેના એ અનુભવો પછી અમુકતમુક નટની એવી છાપ પડી જાય – એવી ઘેરી છાપ કે એ બીજી રીતે વર્તે તો પ્રેક્ષકો નારાજ થઈ જાય.
પરંતુ ટીવીનો પડદો નાનો હોય છે. ફિલ્મના પડદા કરતાં તે નજીક હોય છે અને તેના પ્રેક્ષકોની આજુબાજુ થોડુંક અજવાળું હોય છે અને વડીલો-મિત્રો-સાથીદારો સૌ સાથે બેસીને ટીવી જોતા હોય છે અને એવી પરિસ્થિતિ ફિલ્મ કરતાં ઠીક ઠીક જુદી હોય છે ! ટીવીમાં ફક્ત ફિલ્મ એટલે કે કથાચિત્ર જ હોતું નથી. ફિલ્મો ઉપરાંત અનેક પ્રકારની માહિતી આપતા કાર્યક્રમોની વચ્ચે વચ્ચે સમાચાર કે ઉદ્ઘોષણાઓ આવે, ક્યારેક આંખે દેખ્યો અહેવાલ આવે – એ બધી ટીવીની વિશેષતાઓ હોય છે. વડીલો-મિત્રો સાથે બેસીને જોઈ શકાય એવા રસપ્રદ વિષયો એ કાર્યક્રમોમાં હોય છે અને એમાં બતાવાતી ફિલ્મ પણ આખું કુટુંબ સાથે બેસીને જુએ છે. એ ધ્યાનમાં રાખીને પસંદ કરાયેલી હોય છે. મોટેભાગે તો ટીવીના નાના પડદા માટે ખાસ બનાવેલી ફિલ્મ જ હોય, કારણ કે નહિ તો પર્વતની ખીણના ઘરની કન્યાનો શૉટ મોટા પડદા માટે લીધો હોય તો ટીવીના નાના પડદા ઉપર એ કન્યા ટચૂકડું ટપકું જ બની જાય ! મોટા પડદા પર જોયેલી ફિલ્મને મોકો મળે ત્યારે ટીવીમાં જોવાનો અનુભવ સરખાવી જોવાથી આ વાતનો પ્રેક્ષકોને તુરત ખ્યાલ આવે છે.
આ ફિલ્મ-ટીવીનું માધ્યમ એની દૃશ્ય અને શ્રાવ્ય શક્તિને કારણે કથાચિત્રો ઉપરાંત બીજો ઘણો બધો અનુભવ પ્રેક્ષકોને આપી શકે છે. કાશ્મીરનાં ઊંચાં વૃક્ષોનાં વર્ણન કે કેરળના ભૂપૃષ્ઠની વાત કરતાં એનું ચિત્ર બતાવ્યું હોય તો ? ટૂંકમાં, પૃથ્વીની ભૂગોળ, અંતરીક્ષની અજાયબીઓ, ઇતિહાસની ઘટનાઓ, વિવિધ પ્રકારનું લોકજીવન, જાણીતી કે અજાણીતી કેટલીય માહિતી, વિજ્ઞાનના વિષયોનું જ્ઞાન પ્રેક્ષકોની સામે એ પેશ કરી શકે છે તાદૃશ અને વિગતપૂર્ણ રીતે.
આ માધ્યમો સામે તો ભણેલાં અને અભણ બધાં સરખાં; ઊલટું, અભણને અક્ષરજ્ઞાન અને ઉપયોગી માહિતી આપવામાં તો એ મોટો ફાળો આપી શકે. ભારતનાં દૂર-દૂરનાં ગામડાંઓની ગરીબ અભણ પ્રજા માટે તો એ વળી મોટો આશીર્વાદ બની શકે એમ છે – જો એમને ખેત-ઉત્પાદન, પશુપાલન, આરોગ્ય અને કલા-કારીગરીના વિકાસના કાર્યક્રમો બતાવવામાં આવે તો ! અત્યારે જે ઝડપથી અને જે પ્રમાણમાં ટીવીનો પ્રસાર વધી રહ્યો છે, એનો ખરો ઉદ્દેશ તો લોકોને માહિતી અને શિક્ષણ ઉપરાંત મનોરંજન આપવાનો છે અથવા કહો કે મનોરંજક રીતે માહિતી અને શિક્ષણ આપવાનો છે.
એ જ રીતે જડ રિવાજો, પરંપરાઓ ને રૂઢિઓ, અંધશ્રદ્ધા, નાતજાત અને ધર્મના સંકુચિત વાડાઓ, અસ્પૃદૃશ્યતા વગેરે સામાજિક, આર્થિક પછાતપણાને દૂર કરવામાં ફિલ્મ-ટીવી-રેડિયો જેવાં સમૂહ-માધ્યમો સૌને સજાગ કરી શકે. અનેક દેશોમાં આવા પ્રયોગો સફળ થયા છે અને એમના દેશના પ્રશ્નો તેથી હળવા થયા છે. ભારતમાં પણ ફિલ્મનાં સો વરસોમાં, રેડિયોનાં સાઠ વરસોમાં અને ટીવીનાં ત્રીસ વરસોમાં આવા છૂટક-તૂટક પ્રયોગો કરી જોવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓના રોજિંદા અભ્યાસક્રમના વિષયોમાં તો જ્ઞાનની એવી બારીઓ આ માધ્યમો ખોલી આપે કે શાળાના શિક્ષકને જાણે પુસ્તકને બદલે બોલતું-ચાલતું સાધન જ ન જડી આવ્યું હોય !
મૂળ વાત છે આ ફિલ્મ-રેડિયો-ટીવી કે નાટક જેવી કલાઓને લોકોએ જાણતાં-માણતાં શીખી લેવું જોઈએ, જેમ ભાષા શીખવામાં આવે છે, એમાં લખાયેલું વાંચતાં શીખવામાં આવે છે એમ આ કલાઓની પણ જે પોતીકી ભાષા છે, એનું જે આગવું વ્યાકરણ છે, એની જે કલાગત વિશેષતાઓ અને મર્યાદાઓ છે તે સમજી લઈને તેનો ઉચિત રીતે ઉપયોગ કેમ કરવો તે શીખી લેવાનું રહે છે. એનું નામ તે એ માધ્યમો અંગેની વિવેકપૂત-સાક્ષરતા અર્થાત્ માધ્યમ-સાક્ષરતા.
હસમુખ બારાડી