સમૂળી ક્રાંતિ (1948)

January, 2007

સમૂળી ક્રાંતિ (1948) : સ્વતંત્ર ભારતને સાચા અર્થમાં એક આદર્શ રાષ્ટ્ર બનાવવાની આકાંક્ષાથી 1948માં પ્રગટ થયેલું કિશોરલાલ મશરૂવાળાનું એક બહુ જાણીતું પુસ્તક. સંપ્રદાયો, જ્ઞાતિઓ અને ભાષાઓના આધાર પર ભારત એક વિભાજિત દેશ છે. તે સાથે તે એક ગરીબ દેશ પણ છે. આ બધા ભેદભાવોને ટાળીને દેશને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે શું કરવું ઘટે તે મશરૂવાળાએ આ પુસ્તકમાં ચર્ચ્યું છે.

ચાર ભાગમાં વહેંચાયેલા આ પુસ્તકમાં મશરૂવાળાએ ધર્મ અને સમાજ, આર્થિક ક્રાંતિ, રાજકીય ક્રાંતિ અને કેળવણી વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. પુસ્તકને ‘સમૂળી ક્રાંતિ’ શીર્ષક આપવા પાછળનો લેખકનો તર્ક સ્પષ્ટ છે : ‘આપણા અનેક વિચારો અને માન્યતાઓનું આપણે મૂળથી જ સંશોધન કરવાની જરૂર છે. આપણા ક્રાંતિકારી વિચારો મોટાભાગે ઉપર ઉપરની મરામત છે, મૂળ સુધી પહોંચતા નથી.’ મશરૂવાળાનો પ્રયાસ અહીં મૂળ સુધી પહોંચવાનો છે.

સામાજિક ક્રાંતિના સંદર્ભમાં તેઓ આપણા લોહીમાંથી જ્ઞાતિભાવનાના સંસ્કારને અને સમાજમાંથી જ્ઞાતિસંસ્થાને નાબૂદ કરવા પર ભાર મૂકે છે. તેમના મત પ્રમાણે આજનો એક પણ ધર્મ  હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન વગેરે – માનવસમાજના આજના પ્રશ્નોનો ઉકેલ લાવવાને લાયક રહ્યો નથી. બધા નિષ્પ્રાણ થયેલા છે અને તેમનો મૂળ સ્વરૂપમાં જીર્ણોદ્ધાર કરવામાં આવે તોપણ તેઓ આજના પ્રશ્નોને ઉકેલી શકે તેમ નથી. અન્ય સામાજિક પ્રશ્નોની ચર્ચામાં તેમણે ભાષા અને લિપિની ચર્ચા કરી છે. તેમનું સૂચન સમાન લિપિ અપનાવવાનું છે. આર્થિક સમૃદ્ધિ માટે લેખક ચારિત્ર્યનિર્માણ ઉપર ખાસ ભાર મૂકે છે. તેમના મત પ્રમાણે કુદરતી સંસાધનો, માનવશ્રમ, જ્ઞાન તેમજ યોગ્ય રાજ્યવ્યવસ્થા અને અર્થવ્યવસ્થા જેટલા પ્રમાણમાં સમાજની સમૃદ્ધિ માટે જરૂરી છે, એટલા જ પ્રમાણમાં પ્રજાકીય ચારિત્ર્ય પણ મહત્ત્વનું છે. રાજકીય ક્રાંતિની ચર્ચામાં તેઓ કૂવા-હવાડાવાળી કહેવતનો પોતાની રીતે ઉપયોગ કરતાં તેઓ જણાવે છે કે ‘કૂવામાં હોય તેટલું અને તેવું હવાડામાં આવે.’ હવાડો એ શાસકવર્ગ છે, જ્યારે કૂવો એ સમસ્ત પ્રજા છે. સમસ્ત પ્રજાનું ચારિત્ર્ય શાસકવર્ગના ચારિત્ર્યથી ઘણું ઊંચું હોય તેવું બનવાનું નહિ.

ક્રાંતિના સમગ્ર વિષયને તેમણે કેળવણી સાથે જોડ્યો છે. તેમણે શિક્ષણ અને કેળવણી વચ્ચે ભેદ કર્યો છે. શિક્ષણના સંદર્ભમાં તેમણે ભાષા અને લિપિના પ્રશ્નોની પણ ચર્ચા કરી છે. ઇતિહાસ વિશેના મશરૂવાળાના વિચારો આત્યંતિક અને આંચકો આપનારા છે. તેમના મત પ્રમાણે ઇતિહાસને મનોરંજક ભાષાસાહિત્યનો એક ભાગ સમજવો જોઈએ. એને સાચો માનવાની ભૂલ કરવી નહિ. કેળવણીમાં ઇતિહાસને તેઓ ગૌણ સ્થાને મૂકે છે.

ઉપસંહારમાં મશરૂવાળા જણાવે છે કે ‘જે મોટામાં મોટી ક્રાંતિ કરવાની છે તે જડ જાહોજલાલી કરતાં માણસાઈને સૌથી વધારે મહત્ત્વની ગણવાની અને જીવનને સૌથી વધારે આદર આપતાં શીખવાની છે. આપણે એવી સમૂળી ક્રાંતિ કરીએ જેમાં પદે પદે આપણી માનવતા દેખાય અને ખીલે, સમગ્ર માનવજાતિને તે રસ્તે વાળે, એ જ સાચી ધાર્મિકતા, એ જ સાચી સમાજરચના, અર્થરચના અને રાજ્યવ્યવસ્થા છે.

દિનેશ શુક્લ