સમુદ્ર-સંગ્રહાલય (oceanarium)

January, 2007

સમુદ્રસંગ્રહાલય (oceanarium) : સમુદ્રી જીવોનું સંગ્રહસ્થાન. સમુદ્ર-સંગ્રહાલયની વિવિધતા અને વિપુલતા તેના જીવ-પરિમંડલ (biosphere) પર આધારિત છે. સામુદ્રિક પર્યાવરણ તેના જીવ-પરિમંડલની રચનામાં મહત્વનો ભાગ ભજવે છે. પાણીની ઊંડાઈને અનુલક્ષીને પ્રાણીઓ પોતાના સ્તરો રચે છે. આ સ્તરોનાં પર્યાવરણીય લક્ષણો એકબીજાંથી તદ્દન ભિન્ન હોય છે. આ સ્તરો મુજબ ચાર પ્રકારના આવાસો (habitat) રચે છે :

(1) તટજલજીવી પ્રદેશ (neritic zone) : સમુદ્રની ભરતી વખતે આ પ્રદેશ ડૂબી જાય છે અને ઓટ વખતે ખુલ્લો રહે છે. પ્રાણીઓ ભરતી વખતે પાણીમાં જીવે છે, જ્યારે ઓટ વખતે વાતાવરણમાં જીવે છે. આ પ્રદેશનાં પ્રાણીઓ ઉપર તાપમાન, ભેજ, પ્રકાશની તીવ્રતા, મોજાંનો વેગ વગેરેની અસર થાય છે. તેનો કિનારો ખડકાળ હોય તો તેમાં વિવિધ પ્રકારની સામુદ્રિક લીલ, બાર્નેકલ, તારામત્સ્યો વગેરે વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. જો કિનારો રેતાળ હોય તો રેતીમાં દર કરી નિવાસ કરતાં પ્રાણીઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે. લીલની નીચે પ્રકાશસંશ્લેષણ કરતા બૅક્ટેરિયા, વિવિધ પ્રકારનાં છીપલાં, કૃમિઓ અને સ્તરકવચી (crustacean) પ્રાણીઓથી સમુદ્ર-સંગ્રહાલય ભરચક હોય છે.

(2) સમતલવર્તી સમુદ્રી પ્રદેશ (flat sea zone) : ઓટની હદ પછી છીછરા સમુદ્રને સમતલવર્તી સમુદ્રી પ્રદેશ કહે છે. આ પ્રદેશમાં હંમેશાં મોટા કદનાં મોજાંઓ જોવા મળે છે. આ પ્રદેશમાં આવેલી ખંડીય છાજલી (continental zone) અને ખંડીય છાજલીનો ઢોળાવ (slope) અનેક પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીસૃદૃષ્ટિથી ભરપૂર હોય છે. વિવિધ આકારનાં રંગબેરંગી પરવાળાં(coral)ની સૃદૃષ્ટિ આ પ્રદેશનું આગવું આકર્ષણ છે. તેઓ છિદ્રાળુ ખડક જેવી રચના બનાવે છે. પરવાળાં કઠણ અથવા વાદળી જેવાં પોચાં હોય છે અને કોષ્ઠાંત્રિ (Coelentarata) સમુદાયનાં વસાહતી પ્રાણીઓ છે. તેમનું કંકાલ અથવા કવચ (skeleton) કૅલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે. ઑસ્ટ્રેલિયાના દરિયામાં પરવાળાંની બનેલી લાંબી પર્વતમાળા છે, જેને ગ્રેટ બેરિયર રીફ ઑવ્ ઑસ્ટ્રેલિયા તરીકે ઓળખવામાં આવે છે. ફ્લોરિડા, બર્મ્યુડા અને બહામાના ટાપુઓ પરવાળાં માટે પ્રખ્યાત છે. પ્રશાંત મહાસાગરમાં આવેલો માર્શલ ટાપુ કંકણાકાર હોય છે. તેને કંકણાકાર પ્રવાલદ્વીપ (atoll) કહે છે. આપણા પાડોશી લક્ષદ્વીપ અને માલદીવ ટાપુઓ પરવાળાંના બનેલા છે. લક્ષદ્વીપના 36 ટાપુઓ પૈકી 10 ટાપુઓ ઉપર વસ્તી છે. લક્ષદ્વીપ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે, જ્યારે 1,200 ટાપુઓના બનેલા માલદીવ પ્રદેશના 202 ટાપુઓ ઉપર વસ્તી નથી. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલો જામનગર નજીકનો પિરોટન ટાપુ રાષ્ટ્રીય સામુદ્રિક ઉદ્યાન તરીકે ભારતભરમાં જાણીતો છે. વળી, બેટ-દ્વારકા, બોરિયા, દબદબા, મનગુંદા વગેરે સ્થળોએ વિવિધ પ્રકારનાં પરવાળાં અને દરિયાઈ લીલ જોવા મળે છે. આવાં સ્થળોને રાષ્ટ્રીય સામુદ્રિક અભયારણ્ય તરીકે વિકસાવી શકાય તેમ છે. વૈશ્વિક તાપન(global warming)ને લીધે સમુદ્રનું પાણી ગરમ થાય છે. પરવાળાં ઝડપથી વૃદ્ધિ પામે છે, પરંતુ આ ઘટનાથી સમુદ્રના પાણીમાં દ્રવિત કાર્બનડાયૉક્સાઇડનું પ્રમાણ વધતાં કૅલ્શિયમ અને કાર્બોનેટના આયનનું પ્રમાણ ઘટે છે; તેથી પરવાળાંનું વિરંજન (bleaching) થાય છે અને પરવાળાંમાં આંતર નિવાસ કરતાં પ્રાણીઓ ક્રમશ: નિષ્ક્રિય બને છે; તેથી પરવાળાં તેની દૃઢતા ગુમાવે છે અને દરિયાનાં પ્રચંડ મોજાંના વેગથી તૂટી જાય છે. આ ઘટના લાંબા સમય સુધી ચાલે તો પરવાળાંની વિવિધ રંગબેરંગી સૃદૃષ્ટિનું અસ્તિત્વ ભૂંસાઈ જાય.

સમતલવર્તી પ્રદેશમાં સૂર્યપ્રકાશ ઠેઠ તળિયા સુધી પહોંચે છે ત્યાં વનસ્પતિ-પ્લવકો (phytoplanktons) અને તેમની ઉપર જીવન ગુજારનારા પ્રાણી-પ્લવકો (zooplanktons) વિપુલ પ્રમાણમાં થાય છે. વળી સામુદ્રિક અપતૃણ (weeds); જેવાં કે, ફ્યૂકસ, લેમિનારિયા પોસ્ટેલશિયા સરગાસમ લેશોનિયા વગેરે જોવા મળે છે. તેની ઉપર નભતા દરિયાઈ પ્રાણીઓમાં બાર્નેકલ લિમ્પેટ્સ, કાઇટોન, તારામત્સ્ય, કરચલા, સમુદ્રકાકડી વગેરે મોટા પ્રમાણમાં જોવા મળે છે. દુનિયામાં સૌથી વધારે માછલીઓ ધરાવતો આ પ્રદેશ છે; પરંતુ પ્રદૂષણને લીધે તેના ઉત્પાદનમાં હાલ ઘટાડો નોંધાયેલો છે.

ગહનસમુદ્રી (pelagic) સમતલવર્તી સમુદ્રી પ્રદેશથી જેમ જેમ દૂર જઈએ તેમ તેમ સમુદ્રની ઊંડાઈમાં વધારો થાય છે. સૂર્યનો પ્રકાશ અમુક ઊંડાઈ સુધી જ પહોંચે છે. જ્યાં સુધી સૂર્યનાં કિરણો દરિયાના પાણીમાં પહોંચે ત્યાં સુધીના ભાગને વેલાપવર્તી તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યનાં કિરણો ઉષ્ણકટિબંધના સમુદ્રમાં વધુ ઊંડાઈએ પહોંચે છે, જ્યારે શીત અને સમશીતોષ્ણ કટિબંધમાં તેઓ ફક્ત થોડી ઊંડાઈએ પહોંચે છે. સામાન્ય રીતે સૂર્યપ્રકાશ 180 મી.ની ઊંડાઈ સુધી પહોંચે છે ત્યાં સુધી વનસ્પતિ અને દરિયાઈ જીવોની હાજરી જોવા મળે છે; પ્લવકો (planktons) અને તરણક (nektons) પ્રાણીઓ જોવા મળે છે. તરણક સમુદ્રી જીવો કદમાં મોટા અને સરળતાથી તરતા હોય છે. આ પ્રદેશમાં વિવિધ પ્રકારની માછલીઓ  જેલીફિશ, સ્ક્વિડ-ફિશ, કરચલા, સીલ (seals) માછલી, વ્હેલ (whales) મુખ્ય છે. ગુજરાતમાં પોમફ્રેટ, બુમલા, ગોલ પલ્લા, ચાક્સી, જિંગા, ટીંટણ સુરમાઈ, બ્રોઈ ખાગા, ડાઈ, કટલ વગેરે કચ્છના અખાતમાંથી મળી આવે છે. 217 જેટલાં દરિયાઈ મત્સ્ય-ઉછેરકેન્દ્રો આવેલાં છે, જેમના દ્વારા 6.55 લાખ ટન દરિયાઈ મત્સ્યનું ઉત્પાદન લઈ 2003-04ના વર્ષ દરમિયાન રૂ. 614.41 કરોડનું હૂંડિયામણ રળી આપ્યું હતું. ચાલુ વર્ષે 22,695 લાખ મેટ્રિક ટન મત્સ્યની નિકાસનો લક્ષ્યાંક રખાયો છે.

વિતલીય પ્રદેશ (abyssal region) ખંડીય છાજલી પછીનો અંધકારમય પ્રદેશ છે, જેને વિતલગહનસમુદ્રી અને વિતલતલવર્તી એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. બંને વિભાગમાં ભિન્ન પ્રકારનાં અનુકૂલનો ધરાવતાં પ્રાણીઓ જોવા મળે છે.

સ્તરકવચી પ્રાણીઓની 35,000 જાતિઓ પૈકી સ્ટ્રેપ્ટોસિફેલસ, લેપિડ્યુરસ, એસ્થેરિયા, સાર્વત્રિક વિતરણ ધરાવે છે; પરંતુ પૉલિઆર્ટેમિયા અને થેમ્નોસિફેલસ ઉત્તરધ્રુવીય સમુદ્રમાં જોવા મળે છે. બ્રેન્કિયૉનેક્ટા પેલ્યુડોસા, લેપિડ્યુરસ વગેરે પરિઉત્તરધ્રુવીય જાતિઓ છે. સમુદ્રનિવાસી મૃદુકાય વેલાપવર્તી અને અવેલાપવર્તી પ્રદેશોમાં જોવા મળે છે. કલાઓન અને લાયમેસિના મુખ્ય છે. આ ઉપરાંત ઉત્તરધ્રુવીય પ્રદેશના સામુદ્રિક મૃદુકાયમાં વૉલ્યુટોમિટ્રા, બક્સિનિયમ, બક્સિનોપ્સિસ, નેપ્ટુનિયા, ટ્રોફોન, બેલા, એડીમીટે વેલ્યુટિના, લેક્યુના, માર્ગોરેટા, ફિલીન, લીડા, પેક્ટિન, યોલ્ડિયા એસ્ટ્રેટ અને મ્યાનો મુખ્ય છે. ભૂમધ્ય સમુદ્રમાં 1,200 જેટલી જાતિઓ મળી આવે છે. ફિલિપાઇન્સમાંથી 5,000થી 6,000 જાતિઓ મળી આવે છે. ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડમાંથી 455 પ્રજાતિઓ મળે છે. અમેરિકન દરિયામાંથી જૂની દુનિયાના ઉષ્ણકટિબંધ કરતાં મૃદુકાયની ઓછી સંખ્યા જોવા મળે છે. શૂળત્વચી સમુદાયનાં તમામ પ્રાણીઓ સમુદ્રનિવાસી છે. આ સમુદાયના વર્ગ તારકિતકાયની 70 જાતિઓ પ્રશાંત મહાસાગરના ઉત્તર કિનારે જોવા મળે છે. ઑસ્ટ્રેલિયામાંથી સમુદ્રતારાની 189 જાતિઓ, જ્યારે હવાઈ ટાપુ પાસે 60 જાતિઓ, દક્ષિણ અને ઉપદક્ષિણધ્રુવના છીછરા પાણીમાં 33 જાતિઓ નોંધાઈ છે. વર્ગ સર્પપુચ્છા, ચલિતશૂળ, કર્કટીકાય વર્ગ તારકિત પિચ્છકાય વિવિધ તાપમાનવાળા સમુદ્રમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. આ ઉપરાંત શીર્ષ મેરુદંડીનું એમ્ફિયોક્સસ અથવા બ્રૅન્કિયોસ્ટોમા લૅન્સિયોલેટસ જાતિ સામાન્ય છે. આ ઉપરાંત બાલાનોગ્લોસસની 20 જાતિઓ ઉત્તર ઍટલૅન્ટિકમાંથી, ટાયકોડેરા ફલેવા હિંદી મહાસાગરમાંથી અને સિફેલોડિસ્કસ ઉત્તર અને દક્ષિણધ્રુવ સુધી વિસ્તરણ ધરાવે છે.

પરશુપાદ વર્ગનાં વિવિધ છીપલાંઓ સમુદ્રની પ્રાણીસૃદૃષ્ટિ-સંપદામાં વધારો કરે છે; જેમાં ક્લેમ મસેલ, પર્લ ઑયસ્ટર (મોતીની છીપ), સ્કેલોપ વગેરે ઠંડા તેમજ ઉષ્ણકટિબંધના સાગરોમાંથી મળી આવે છે. ‘ગુઈ-ડક’ નામથી પ્રચલિત શંખલું 5.44 કિગ્રા. વજન ધરાવે છે; જે બ્રિટિશ કોલંબિયાના ટાપુઓ, ઑરેગોન અને ઉત્તર કૅલિફૉર્નિયામાંથી મળી આવે છે. ખડકખાઉ તરીકે ઓળખાતો ડેઇટ-મસેલ (લિથોફેગા) ખડક કોતરી તેમાં નિવાસ કરે છે અને ઍસિડનો સ્રાવ કરી ચૂનાયુક્ત ખડકો ઓગાળી નાખે છે.

સમુદ્ર-સંગ્રહાલય જીવંત રૂપે નિહાળવા સમુદ્રમાં પારદર્શી કાચ વડે આવરિત સુરંગ બનાવવામાં આવે છે; જેથી પ્રવાસી સમુદ્રની ઊંડાઈમાં વિચરતા દરિયાઈ જીવો જીવંત સ્વરૂપે જોઈ શકે છે. આવા સમુદ્રસંગ્રહાલયો સિંગાપુર, પટાયા, કુઆલાલમ્પુર, હૉંગકૉંગમાં તથા જાપાન, અમેરિકા અને યુરોપનાં સમુદ્રકાંઠાનાં શહેરોમાં આવેલાં છે. સેંકડો પ્રવાસીઓ પ્રકૃતિની આ અજાયબી જીવંત સ્વરૂપે નિહાળી શકે છે.

દક્ષિણ આફ્રિકાના સમુદ્રમાં 20,000 જેટલી માછલીની વિવિધ જાતો જોવા મળે છે; જે વિશ્વની કુલ માછલીઓના 16 % જેટલો હિસ્સો બનાવે છે. ડરબનમાં આવેલ ‘At the Sea World Oceanarium’માં 1,000 કરતાં વધારે માછલીની જાતો જોઈ શકાય છે; જેમાં મહાકાય શાર્ક, સીલ અને ડૉલ્ફિન મુખ્ય છે. ડૉલ્ફિનનો સંગ્રહ અદ્ભુત છે; જે ડૉલ્ફિનેરિયમ (dolphinarium) તરીકે જાણીતો છે. દક્ષિણ આફ્રિકાનું ઈસ્ટ લંડન મ્યુઝિયમ 1938થી કાર્યરત છે; જેમાં લુપ્ત થતી માછલીની કોલેકેન્થા (Coelacantha) જાતિ જીવંત સ્વરૂપે જોઈ શકાય છે. દક્ષિણ આફ્રિકાનો સમુદ્રકાંઠો સ્વચ્છ અને વિશ્વમાં રળિયામણો છે. ક્વા ઝૂલુ નાતાલ (Kwa Zulu-Natal) તટને આરક્ષિત સમુદ્ર-સંગ્રહાલય તરીકે વિકસાવ્યો છે; જેમાં વિવિધ પ્રકારની શાર્ક અને બ્લૂ-વ્હેલ (blue whale) મુખ્ય છે. આ વહેલ વિશ્વનું સૌથી મહાકાય પ્રાણી ગણવામાં આવે છે; જેની લંબાઈ 33 મીટર જેટલી અને ઘેરાવો 15 મીટર જેટલો હોય છે. તેનું વજન 5,000 ક્વિન્ટલ જેટલું હોય છે. વ્હેલની 8 જાતિઓ દક્ષિણ આફ્રિકાના સમુદ્રમાંથી મળી આવે છે; જેમાં સૌથી ખતરનાક બ્લૅક ઍન્ડ વ્હાઇટ કીલર વ્હેલ પ્રવાસીઓનું સૌથી મોટું આકર્ષણ છે. બોર્નીમાઉથ (Bournemouth) નામનું સમુદ્ર-સંગ્રહાલય વિશ્વનું જૂનું અને જાણીતું સ્થળ છે; જેમાં વિવિધ પ્રકારની સમુદ્રીય માછલીઓ પ્રવાસીઓ અવલોકી શકે છે. આ માછલીઓ તેમના હલનચલન, ખોરાક લેવાની રીત તથા ટચ-સ્ક્રીન ગેમ્સ (touch screen games) માટે જાણીતી છે. અંતર્જલીય સુરંગ (underwater tunnel) દ્વારા પ્રવાસીઓ સમુદ્રની વિવિધ ઊંડાઈએ પહોંચી સમુદ્રની અદ્ભુત જીવંત સૃદૃષ્ટિનું નજરોનજર અવલોકન કરી શકે છે.

વાઇકિકી (Waikiki) સમુદ્રસંગ્રહાલય : આ સંગ્રહાલય હવાઈ ટાપુ ઉપરની પૅસિફિક બીચ હોટેલ (Pacific Beach Hotel) Waikikiનું છે. તે ત્રણ માળનું બનેલું, હોટલ સાથે સંકળાયેલું પ્રવાસીઓનું માનીતું સ્થળ છે. 7.8 મી.ની ઊંડાઈ ધરાવતું 15.6 મી. લાંબું અને 9.6 મી.ની પહોળાઈવાળું આ સંગ્રહાલય અમેરિકન પ્રવાસીઓનું માનીતું સ્થળ છે. કાચની રક્ષણાત્મક સ્તરિત (laminated) 1017.5 સેમી. જાડાઈવાળી એક્રિલિકની ચાદરની બનેલી દીવાલ આવેલી છે. ખંડીય છાજલીમાં સ્થિત દરિયાઈ જાતિઓનો અદ્ભુત સંગ્રહ અહીં જોવા મળે છે. તેમાં 5.0 સેમી. જેટલી અલ્પકાય ધરાવતી ક્લીનર વ્રેસ(clenear wrase)થી માંડી 1.2 મી. લાંબી અને 40.8 કિગ્રા. વજનવાળી હવાઇયન સ્ટિંગ રે (hawaiian sting ray) જોવા મળે છે. આ ઉપરાંત મહાકાય ડૉરસેટ સાંઢ (Giant Dorset Lobster) અહીંનું આગવું આકર્ષણ છે. માછલીઓને પ્રતિદિન 6-7 વખત ખોરાક આપવામાં આવે છે. પ્રવાસીઓ આ સંગ્રહાલયમાં નિ:શુલ્ક લાભ લઈ શકે છે. સમુદ્ર-સંગ્રહાલયની ઊંડાઈએ ડાઇનિંગ હૉલ આવેલો છે; જ્યાં બેસીને પ્રવાસીઓ માછલીઓનું હલનચલન તથા તેમની તરણપ્રવૃત્તિનું અવલોકન કરી શકે છે. અહીંના સમુદ્ર-સંગ્રહાલયમાં અમેરિકાના વિન્ટૉન-(Winton)માંથી મળી આવતા વિરાટ કદના દેડકા(Bull Frog)નો કાળજીપૂર્વક ઉછેર કરવામાં આવ્યો છે.

જૈમિન વિ. જોશી